ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

25 September, 2021 09:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પરેશાન પાકિસ્તાનની મદદે અફઘાનિસ્તાન; સ્ટાર બાસ્કેટબૉલ ખેલાડી સતનામ હવે કુસ્તી કરશે અને વધુ સમાચાર

સતનામ સિંહ ભામરા

પરેશાન પાકિસ્તાનની મદદે અફઘાનિસ્તાન

ન્યુ ઝીલૅન્ડ બાદ ઇંગ્લૅન્ડે પણ ટૂર રદ કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારે હતાશ થયું છે. વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા પણ રમવા આવે એની શક્યતા ઓછી છે. આથી તેમના ખાસ મિત્રો તાલિબાનીઓ તેમની મદદે આવ્યા છે. તાલિબાનીઓએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના હાલમાં નિયુક્ત કરેલા અધ્યક્ષ અઝીઝુલ્લા ફાઝલી આજે પાકિસ્તાન જવાના છે અને તેમને વન-ડે સિરીઝ રમવા આવવાનું આમંત્રણ આપવાના છે. બીજી તરફ અફઘાનિસ્તાનની માન્યતા આઇસીસી રદ કરી દે એવી પણ શક્યતા છે. અફઘાનિસ્તાનની સરકારે મહિલાઓને ક્રિકેટ સહિત અન્ય રમતોમાં ભાગ લેવાની મનાઈ કરતાં આઇસીસી તેમની સામે કાર્યવાહી કરી શકે છે.

 

સ્ટાર બાસ્કેટબૉલ ખેલાડી સતનામ હવે કુસ્તી કરશે

એનબીએ જેવી બાસ્કેટબૉલ લીગમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી અને હાલમાં ડોપિંગા મામલે બૅન થયેલો સતનામ સિંહ ભામરા હવે પ્રોફેશનલ કુસ્તીમાં હાથ અજમાવશે. તેણે અમેરિકાની પ્રોફેશનલ લીગ ઑલ એલિટ રેસલિંગ સાથે કરાર કર્યો હતો. સતનામે ૨૦૧૫માં એનબીએની ટીમ ડલાસ માવરિક્સ સાથે કૉન્ટ્રૅક્ટ સાઇન કરીને ઇતિહાસ રચ્યો હતો. હવે તેણે પ્રોફેશનલ રેસલર બનવા માટે ઍટલાન્ટા સ્થિત નાઇટમૅર ફૅક્ટરીમાં પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. સતનામે બે વર્ષ પહેલાં પણ પ્રોફેશનલ રેસ લીગમાં સામેલ થવાના પ્રયાસ કર્યા હતા, પણ ત્યારે સફળ નહોતો થઈ શક્યો. પંજાબના સાત ફુટ ૩ ઇંચ ઊંચા આ ખેલાડી એશિયો ચૅમ્પિયનશિપ, કૉમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપ ક્વૉલિફાયર જેવી ટુનામેન્ટમાં ભારતીય ટીમ વતી રમી ચૂક્યો છે. સતનામ પર લાગેલો બૅન ૧૯ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.

sports sports news