ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

23 July, 2021 09:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે ટોક્યો ઑલિમ્પિક્સની શરૂઆત ઓપનિંગ સેરેમની સાથે; સેરેમનીમાં ભારતના ૨૦ ખેલાડીઓ જ ભાગ લેશે અને વધુ સમાચાર

ઍથ્લીટ્સ કાગડોળે ઑલિમ્પિક્સની રાહ જોતા હોય છે અને મેડલ જીતવા માટે વર્ષો સુધી આકરી મહેનત કરતા હોય છે. હંગેરીની ટેબલ ટેનિસ ખેલાડી મારિયા ફઝેક્સની ઑલિમ્પિક્સના પાંચ ખંડના પ્રતીક સમાન રિંગના આકારની હેરસ્ટાઇલ કરાવી છે.

ઓપનિંગ સેરેમનીના ડિરેક્ટરને હટાવાયા

આજે ટોક્યો ઑલિમ્પિક્સની શરૂઆત ઓપનિંગ સેરેમની સાથે થવાની છે, પરંતુ એના એક દિવસ પહેલાં જ એના ડિરેક્ટરને હટાવવામાં આવ્યા છે. આ નિર્ણય ૧૯૯૮નો એક વિડિયો વાઇરલ થયા બાદ લેવામાં આવ્યો છે. આ વિડિયોમાં કેન્તારો કોબાયાશીએ કૉમેડી શોમાં દેશમાં થયેલા હત્યાકાંડને લઈને મજાક ઉડાડી હતી. આયોજન સમિતિના અધ્યક્ષ સીકો હાશિમોટોએ કહ્યું હતું કે ઓપનિંગ સેરેમનીના ડિરેક્ટરને તેમના પદેથી હટાવવામાં આવ્યા છે. કોરોનાને કારણે એક વર્ષ સુધી મોકૂફ રહેલા ટોક્યો ઑલિમ્પિકની ઓપનિંગ સેરેમની આજે થવાની છે એના એક સપ્તાહ પહેલાં એક સંગીતકારની પણ હકાલપટ્ટી કરવામાં આવી હતી, જેણે ભૂતકાળમાં પોતાના સહાધ્યાયીને હેરાન કરવા વિશે એક મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. આ સંગીતકારે ઓપનિંગ સેરેમનીના એક ભાગનું સંગીત તૈયાર કર્યું હતું. સીકો હાશિમોટોએ કહ્યું હતું કે ભૂતકાળમાં એક કૉમેડી શો દરમ્યાન કેન્તારો કોબાયાશીએ પોતાના હાથમાં એક કાગળની ઢીંગલી રાખીને કહ્યું હતું કે આ ઢીંગલી એ સમયની છે જ્યારે બાળકો હોલોકોસ્ટ-હોલોકોસ્ટ રમતાં હતાં.

 

સેરેમનીમાં ભારતના ૨૦ ખેલાડીઓ જ ભાગ લેશે

કોરોનાના ડર અને બીજા દિવસે સ્પર્ધા હોવાથી શૂટિંગ, બૅડ્મિન્ટન, જુડો, વેઇટલિફ્ટિંગ, આર્ચરી અને હૉકીના ખેલાડીઓ આજે થનારી ઓપનિંગ સેરેમનીમાં ભાગ નહીં લે. માત્ર ૨૦ ખેલાડી જ એમાં ભાગ લેશે. હૉકી કૅપ્ટન મનપ્રીત સિંહ ધ્વજારોહક હોવાથી તેઓ એકમાત્ર હાજર રહેશે. માર્ચ પાસ્ટ જપાનની બારાખડી પ્રમાણે છે, જેમાં ભારતનો ૨૧મો નંબર છે. ઑલિમ્પિક સમિતિના સેક્રટેરી રાજીવ મહેતાએ કહ્યું હતું કે અમારા ખેલાડીઓ પર કોરોના-સંક્રમણનો ભય હોય એવી પરિસ્થિતિમાં અમે એ પેદા કરવા નથી માગતા એથી ખેલાડીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ભાગ લેનારા ખેલાડીઓ આ પ્રમાણે હશે. હૉકી (૧), બૉક્સિંગ (૮), સેઇલિંગ (૪), ફૅન્સિંગ (૧), અધિકારીઓ (૬). આ ઉપરાંત ધ્વજ લઈને નેતૃત્વ કરનાર એમ. સી. મૅરી કૉમ અને મનપ્રીત સિંહનો સમાવેશ છે. 

 

ફુકુશિમા બેઝબૉલના ખાલી સ્ટેડિયમમાં ઘૂસ્યું રીંછ

ઑલિમ્પિક્સમાં કોરોનાને કારણે ભલે ખેલાડીઓને સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ હોય, પરંતુ બુધવારે એક રીંછ સ્ટેડિયમમાં ઘૂસી ગયું હતું. બુધવારે જપાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થનારી સૉફ્ટબૉલ મૅચના કેટલાક કલાક પહેલાં જ ફુકુશિમા બેઝબૉલ સ્ટેડિયમમાં એક રીંછ દેખાયું હતું. દુનિયાભરના લોકો આ સમગ્ર ઘટનાને મજાક તરીકે લઈ રહ્યા છે, પરંતુ સ્ટેડિયમમાં આ રીતે રીંછ ઘૂસી જવાથી આયોજકોની હાલત કફોડી થઈ ગઈ છે. ફુકુશિમા ટોક્યોમાં ઑલિમ્પિક આયોજન-સ્થળથી ૧૫૦ કિલોમીટર દૂર છે. લોકલ મીડિયાના જણાવ્યા પ્રમાણે રીંછ દેખાયું હતું એ એશિયામાં જોવા મળતું કાળું રીંછ છે. અમેરિકાની ટીમના કોચે કહ્યું કે અમે શોધી રહ્યા છીએ કે કોઈ રીંછ અમને દેખાઈ જાય.

 

કોરોના-સંક્રમિત થઈ જતાં વધુ બે પ્લેયરો થયા આઉટ

કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવતાં ચેક રિપબ્લિકના બીચ વૉલીબૉલ ખેલાડી માર્કેટા નોસચ  અને નેધરલૅન્ડ્સનો તાએ ક્વાન ડોનો ખેલાડી રેશ્મી ઉગ્નિક સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. આ સાથે જ કુલ ૧૦ ખેલાડીઓ કોરોના-સંક્રમિત થયા હતા. કુલ ત્રણ ખેલાડીઓ ઉપરાંત કોચ કોરોના-સંક્રમિત થતાં ચેક રિપબ્લિક દ્વારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ટોક્યો જવા માટેની ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયું હોવાનો ખતરો વ્યક્ત થઈ રહ્યો છે. તો નેધરલૅન્ડ્સનો બીજો ખેલાડી કોરોના-સંક્રમિત થયો હતો. ટોક્યો ઑલિમ્પિક સમિતિના જણાવ્યા અનુસાર ગઈ કાલે કુલ ૧૨ નવા કેસ મળી આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક ૮૭ થયો છે.

 

ભારતને આઇટીએફ વર્લ્ડ જુનિયર ફાઇનલ્સમાં પ્રવેશ નહીં મળ્યો

ભારતીય ટેનિસ ટીમના ચેક રિપબ્લિકના પ્રોસ્તેજોવમાં આગામી આઇટીએફ વર્લ્ડ જુનિયર ટેનિસ ફાઇનલ્સમાં પ્રવેશ આપવાની ના પાડવામાં આવી છે, કારણ કે ભારતનો કોરોનાના અત્યંત જોખમી દેશની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચેક રિપબ્લિક દૂતાવાસે અહીં ખેલાડીઓને વિઝા આપવાની ના પાડી છે. ઑલ ઇન્ડિયા ટેનિસ અસોસિએશને બીજીથી સાતમી ઑગસ્ટ દરમ્યાન ચાલનારી ટુર્નામેન્ટ માટે આ મહિનાની શરૂઆતમાં ત્રણ સભ્યોની અન્ડર-14 ખેલાડીઓની ટીમ પસંદ કરી હતી. એઆઇટીએએ ૧૭ જુલાઈએ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.

sports sports news