ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો સ્પોર્ટ્સ જગતમાં શું ચાલી રહ્યું છે

23 June, 2021 10:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નોએડા શૂટિંગ રેન્જ શૂટર દાદીના નામથી ઓળખાશે; પતિ કશ્યપ સાથે તાજમહલ જોવા ગઈ સાઇના નેહવાલ અને વધુ સમાચાર

મનપ્રીત ભારતીય હૉકી ટીમનો કૅપ્ટન

મનપ્રીત ભારતીય હૉકી ટીમનો કૅપ્ટન

મિડફીલ્ડર મનપ્રીત સિંહ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમનો કૅપ્ટન હશે. અનુભવી ડિફેન્ડર બીરેન્દર લાકડા અને હરમનપ્રીત સિંહને વાઇસ કૅપ્ટન બનાવાયા છે. ભારતે ગયા સપ્તાહે જ ૧૬ સભ્યોની ટીમની ઘોષણા કરી હતી, પણ કૅપ્ટનના નામની ઘોષણા કરી નહોતી. હૉકી ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં મનપ્રીતે કહ્યું હતું કે ‘મને એ વાતનો આનંદ છે કે ઑલિમ્પિકમાં ભારત તરફથી ત્રીજી વખત રમવાની મને તક મળી રહી છે. વળી આ વખતે કૅપ્ટન તરીકે મારા માટે એ ગર્વની વાત છે.’

 

નોએડા શૂટિંગ રેન્જ શૂટર દાદીના નામથી ઓળખાશે

બાગપત જિલ્લાની આંતરરાષ્ટ્રીય શૂટર રહેલી દાદી ચંદ્રો તોમરને ઉત્તર પ્રદેશની સરકારે શ્રદ્ધાંજલિ આપી છે. તેમનું કોરોનાને કારણે અવસાન થયું હતું. યોગી સરકારે નોએડા સ્ટેડિયમમાં આવેલા શૂટિંગ રેન્જનું નામકરણ ચંદ્રા તોમર શૂટિંગ રેન્જ કર્યું છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ૫૦ કરતાં વધુ મેડલ શૂટર દાદી જીત્યાં હતાં. તેઓ બાગપતના જૌહડી ગામમાં રહેતાં હતાં. તબિયત ખરાબ થતાં તેમને મેરઠ મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં ૩૦ એપ્રિલે તેમનું નિધન થયું હતું.

 

પતિ કશ્યપ સાથે તાજમહલ જોવા ગઈ સાઇના નેહવાલ

બૅડ્મિન્ટન ખેલાડી સાઇના નેહવાલ તાજેતરમાં પોતાના પતિ કશ્યપ સાથે તાજમહલ જોવા ગઈ હતી. એનો એક ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ૧૫ લાખ ફૉલોઅર્સ માટે શૅર કર્યો હતો.

 

પહેલી વાર પીએસએલની ફાઇનલમાં મુલતાન

પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં બે વખત ચૅમ્પિયન રહેલી ઇસ્લામાબાદ યુનાઇટેડને પ્લેઑફમાં ૩૧ રનથી હરાવીને મુલતાન સુલતાન્સે પહેલી વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જોકે ઇસ્લામાબાદની ટીમને હજી એક વખત તક મળશે. પેશાવરને હરાવીને એ ફાઇનલમાં પ્રવેશી શકે છે. પેશાવરે કરાચી ટીમને એલિમિનેટરમાં એક બૉલ બાકી હતો ત્યારે પાંચ વિકેટે હરાવ્યું હતું.

મુલતાન માટે શોએબ મકસુદે ૫૯ અને ખુશદિલ શાહે ૨૨ બૉલમાં ૪૨ રન બનાવ્યા હતા. મુલતાને પહેલાં બૅટિંગ કરતાં પાંચ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા, જવાબમાં ઇસ્લામાબાદની ટીમ ૧૯ ઓવરમાં ૧૪૯ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, જેમાં સોહેલ તનવીરે ૧૭ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.

sports sports news