ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો સ્પોર્ટ્સ સંબંધિત તમામ સમાચાર

25 June, 2021 02:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતનો કંગાળ દેખાવ; રેડબર્ડે રાજસ્થાનની ટીમમાં ૧૫ ટકા હિસ્સો ખરીદ્યો અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતનો કંગાળ દેખાવ

ક્રોએશિયામાં આયોજિત આઇએસએસએફ વર્લ્ડ કપની ૧૦ મીટર ઍર રાઇફલ ઇવેન્ટ સ્પર્ધામાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર ફાઇનલમાં સાતમા ક્રમાંકે આવ્યો હતો, જ્યારે મહિલા શૂટર્સ ક્વૉલિફાય રાઉન્ડમાં જ હારી ગઈ હતી. ૨૦ વર્ષના ઐશ્વર્યએ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ૬૨૮નો સ્કોર કર્યો હતો, જ્યારે અન્ય પુરુષ ખેલાડીઓ ક્વૉલિફાય થઈ શક્યા નહોતા. મહિલાઓની સ્પર્ધામાં અંજુમ, અપૂર્વી ચંદેલા ૧૦ મીટર ઍર રાઇફલની ઇવેન્ટની ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ શકી નહોતી. તમામ શૂર્ટર્સ ટોક્યોમાં રમાનારી ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. સૌથી સારો સ્કોર અપૂર્વીએ ૬૨૪.૨નો કર્યો હતો, જે ૨૪મા ક્રમાંકે આવી હતી, જ્યારે અંજુમ ૪૨મા ક્રમાંકે આવી હતી. 

 

રેડબર્ડે રાજસ્થાનની ટીમમાં ૧૫ ટકા હિસ્સો ખરીદ્યો

ઇન્વેસ્ટમેન્ટ કંપની રેડબર્ડે આઇપીએલની ફ્રૅન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સમાં ૧૫ ટકા ભાગીદારી ખરીદી છે. રેડબર્ડ કૅપિટલે પાર્ટનર્સ ફુટબૉલ ક્લબ લિવરપુલ અને બેઝબૉલ ટીમ બોસ્ટન રેડ સોક્સમાં પણ રોકાણ કર્યું છે. રાજસ્થાનની ટીમમાં કેટલા રૂપિયામાં આ ભાગીદારી કરવામાં આવી છે એનો ખુલાસો કરવામાં નથી આવ્યો. ઇમર્જિંગ મિડાયા પાસે હાલમાં રાજસ્થાન રૉયલ્સ ટીમની માલિકી છે, જેણે ૨૦૦૮માં પહેલી વખત આ ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યો હતો.

 

સ્પેનમાં રમાશે આઇસીસી વર્લ્ડ કપ ક્વૉલિફાયર્સ

કોરોનાનાં નિયંત્રણોને કારણે આઇસીસી દ્વારા વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ યુરોપ ક્વૉલિફાયર્સને સ્કૉટલૅન્ડમાંથી ખસેડીને સ્પેનમાં કરાવવાનો નિર્ણય લીધો છે. સાઉથ આફ્રિકામાં ૨૦૨૩માં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટેની આ ક્વૉલિફાયર્સ છે. ૨૬થી ૩૦ ઑગસ્ટ દરમ્યાન રમાનારી આ મૅચમાં ફ્રાન્સ, જર્મની, આયરલૅન્ડ, નેધરલૅન્હ્સ, સ્કૉટલૅન્ડ અને ટર્કીની ટીમો ભાગ લેશે. ૨૦૨૨ના પુરુષોની અન્ડર-૧૯ વર્લ્ડ કપ માટેના યુરોપના ક્વૉલિફાયર્સ પણ સ્કૉટલૅન્ડને બદલે સ્પેનમાં ૧૯થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે, જેમાં એક સ્થાન માટે આયરલૅન્ડ, જર્સી, નેધરલૅન્ડ્સ અને સ્કૉટલૅન્ડ વચ્ચે સ્પર્ધા થશે. કોરોનાને કારણે સ્કૉટલૅન્ડમાં જે પ્રકારનાં નિયંત્રણો છે એને લીધે આ મૅચ ત્યાં યોજાવાનું શક્ય નથી.

sports sports news