ન્યુઝ શૉર્ટમાં: ખેલ જગતમાં શું બન્યું, વાંચો અહીં...

07 April, 2021 11:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરમાં પડિક્કલને સ્થાને અઝહરુદ્દીનને મોકો?; ઑલિમ્પિક્સમાંથી ખસી ગયું નૉર્થ કોરિયા અને વધુ સમાચાર

ઑલિમ્પિક ટૉર્ચ ઉપાડવામાં મદદ કરી રહ્યો રોબો

પડિક્કલને સ્થાને અઝહરુદ્દીનને મોકો?

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો યુવા સ્ટાર ઓપનર બૅટ્સમૅન દેવદત્ત પડિક્કલ કોરોનાગ્રસ્ત થયો છે. બૅન્ગલોર તેના સ્થાને મોહમ્મદ અઝહરદ્દીને આઇપીએલમાં ડેબ્યુ કરાવી શકે છે. કોરોનાગ્રસ્ત થવાને લીધે ૯ એપ્રિલે મુંબઈ સામેની મૅચ પડિક્કલ મોટા ભાગે ગુમાવશે અને તેના સ્થાને અઝહરુદ્દીનને ટીમમાં સ્થાન મળતાં તે વિરાટ કોહલી સાથે ઓપનિંગમાં ઊતરી શકે છે. પડિક્કલે તેની પ્રથમ આઇપીએલ સીઝનમાં ગયા વર્ષે ૧૫ મૅચમાં ૩૧.૫૩ના ઍવરેજથી પાંચ હાફ સેન્ચુરી ફટકારીને બૅન્ગલોર વતી સૌથી વધુ ૪૭૩ રન બનાવ્યા હતા.

 

ઑલિમ્પિક ટૉર્ચ ઉપાડવામાં મદદ કરી રહ્યો રોબો

ટોક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦ની ટૉર્ચ રિલેમાં ગઈ કાલે તેરમા દિવસે ટોયોટામાં એક રોબોએ ફ્લૅમ ઊંચકવામાં રનરને મદદ કરી હતી. ૨૫ માર્ચથી શરૂ થયેલી આ ટૉર્ચ રિલે જપાનના જુદા-જુદા વિસ્તારોમાંથી પસાર થઈને ૧૨૧ દિવસ બાદ ૨૩ જુલાઈએ ટોક્યો શહેરમાં યોજાનારી ઑલિમ્પિક્સની ઓપનિંગ સેરેમનીમાં પહોંચશે.

 

ઑલિમ્પિક્સમાંથી ખસી ગયું નૉર્થ કોરિયા

કોરોનાને લીધે મોકૂફ રહેલી ટોક્યો ઑલિમ્પિક્સ આ વર્ષે જુલાઈ મહિનામાં શરૂ થવાની છે, પણ કોરોનાના ફરી પાછા વધી રહેલા કેસને પગલે નૉર્થ કોરિયા આ વર્ષે ઑલિમ્પિક્સમાં ભાગ નહીં લે. એક રિપોર્ટમાં નૉર્થ કોરિયાના ખેલ અધિકારીએ આપેલી જાણકારી મુજબ ખેલાડીઓને કોરોનાથી બચાવવા માટે નૉર્થ કોરિયાના ખેલાડીઓ ઑલિમ્પિક્સમાં ભાગ નહીં લે. ૧૯૮૪માં લૉસ ઍન્જલસ અને ૧૯૮૮માં સૉલમાં રમાયેલી ઑલિમ્પિક્સનો નૉર્થ કોરિયાએ બૉયકૉટ કર્યો હતો.

sports sports news