News In Shorts : દરેક ટૅલન્ટેડ ઍથ્લીટને ગુણવત્તાવાળું માળખું પૂરું પાડો : વડા પ્રધાન મોદી

25 April, 2023 11:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં તમામ રાજ્યોના ખેલકૂદ પ્રધાનો માટેની ‘ચિંતન શિબિર’માં આ પ્રધાનોને સૂચના આપી હતી

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

દરેક ટૅલન્ટેડ ઍથ્લીટને ગુણવત્તાવાળું માળખું પૂરું પાડો : વડા પ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં તમામ રાજ્યોના ખેલકૂદ પ્રધાનો માટેની ‘ચિંતન શિબિર’માં આ પ્રધાનોને સૂચના આપી હતી કે ‘દેશના પ્રત્યેક ટૅલન્ટેડ ઍથ્લીટને ગુણવત્તાવાળું માળખું મળી રહે એની તકેદારી રાખો. રમતગમતમાં ભારતને અગ્રગણ્ય બનાવવા ટૂંકા, મધ્યમ અને લાંબા મુદતનાં ધ્યેય નક્કી કરો, એટલું જ નહીં, દરેક ટુર્નામેન્ટના આધારે ઍથ્લીટ્સ-ખેલાડીઓની તાલીમને લગતો કાર્યક્રમ નક્કી કરો અને નૅશનલ યુથ ફેસ્ટિવલને વધુ અસરદાર બનાવો.’

ફુટબૉલ રેફરીના માથા પર પ્રેક્ષકે બિયર ભરેલો ગ્લાસ ફેંક્યો

જર્મનીના ઝ્વિકો શહેરમાં રવિવારે એક ફુટબૉલ મૅચ દરમ્યાન ક્રોધે ભરાયેલા એક પ્રેક્ષકે રેફરીના માથા પર બિયર ભરેલો ગ્લાસ ફેંકતાં મૅચ અટકાવવામાં આવી હતી અને એ પછી બાકીની રમત રમાઈ જ નહોતી. હાફ ટાઇમ પહેલાં ઝ્વિકોની સ્થાનિક ટીમના એક ખેલાડીને રેફરીએ રેડ કાર્ડ બતાવીને રૉટ-વીસ એસેન ટીમને પેનલ્ટી કિક આપી દેતાં ઝ્વિકોતરફી પ્રેક્ષકો ગુસ્સે ભરાયા હતા અને એમાંના એક યુવાને રેફરી જ્યારે મેદાન પર ડ્યુટી પર હતા એ દરમ્યાન દૂરથી તેમના માથાના પાછળના ભાગ પર બિયરથી ભરેલો ગ્લાસ ફેંક્યો હતો. ગ્લાસ વાગતાં રેફરી જમીન બેસી પડ્યા હતા.

બ્રિજભૂષણ વિરુદ્ધ સુપ્રીમમાં જવાની કુસ્તીબાજોની ધમકી

જાણીતી મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ તથા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત દેશના અનેક રેસલર્સ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં દિલ્હી પોલીસ દ્વારા થઈ રહેલા વિલંબના મુદ્દાને આગળ ધરીને કહ્યું છે કે જો વહેલાસર એફઆઇઆર નહીં નોંધવામાં આવે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી બ્રિજભૂષણ વિરુદ્ધની જાતીય શોષણ સહિતની ફરિયાદ બાબતમાં તપાસ કરી રહેલી સમિતિના અહેવાલની રાહ જોઈ રહી છે.

અન્ડર-17 ગર્લ્સ ફુટબૉલ ટીમ કીર્ગિઝમાં સારું રમશે : કોચ પ્રિયા

‘યંગ ટાઇગ્રેસ’ તરીકે જાણીતી ભારતની અન્ડર-17 ગર્લ્સ ફુટબૉલ ટીમ કીર્ગિઝ રિપબ્લિકના પાટનગર બિશ્કેક પહોંચી ગઈ છે, જ્યાં તેઓ એએફસી એશિયન કપ ક્વૉલિફાયર્સ રાઉન્ડ-૧માં ભાગ લેશે. ગ્રુપ ‘એફ’માં ભારત સાથે કીર્ગિઝ રિપબ્લિક અને મ્યાનમાર છે. ભારતીય ટીમ બન્ને દેશ સામે અનુક્રમે બુધવારે અને શુક્રવારે લીગ મૅચ રમશે. આ મૅચ ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે. કોચ પ્રિયા પી. વી.એ ભારતીય ફુટબૉલ ફેડરેશનને કહ્યું કે ‘હું ખાતરીથી કહી શકું છું કે ભારતીય ટીમ કીર્ગિઝમાં બહુ સારું પર્ફોર્મ કરશે.’

ટોચની બે પ્લેયર વચ્ચેની ફાઇનલ સ્વૉનટેક જીતી

પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ઇગા સ્વૉનટેક રવિવારે જર્મનીમાં સ્ટટગાર્ટ ગ્રાં પ્રિ ટુર્નામેન્ટ સતત બીજી વાર જીતી હતી. તેણે ફાઇનલમાં બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ અરીના સબાલેન્કાને ૬-૩, ૬-૪થી હરાવી હતી. આ મૅચ એક કલાક ૫૦ મિનિટ સુધી ચાલી હતી. સ્વૉનટેકે આ ટાઇટલ જાળવી રાખ્યું છે. ગયા વર્ષે પણ તેણે સબાલેન્કાને ફાઇનલમાં હરાવી હતી. સ્વૉનટેકનું આ ૧૩મું ટાઇટલ છે. વિશ્વની ટોચની બે ખેલાડી સ્ટટગાર્ટની ક્લે કોર્ટની ફાઇનલમાં ટકરાઈ હોય એવું એક દાયકામાં બન્યું છે. ૨૦૧૩માં રોલાં ગૅરોંમાં સેરેનાએ શારાપોવાને ફાઇનલમાં હરાવી હતી.

sports news sports football tennis news wrestling narendra modi