News In Short: મયાર શરીફ ટાઇટલ જીતનાર ઇજિપ્તની પ્રથમ પ્લેયર

03 October, 2022 01:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મયાર શરીફ વિમેન્સ ટેનિસ અસોસિએશન (ડબ્લ્યુટીએ) ટાઇટલ જીતનારી ઇજિપ્તની પહેલી મહિલા ખેલાડી બની છે

મયાર શરીફ

મયાર શરીફ ટાઇટલ જીતનાર ઇજિપ્તની પ્રથમ પ્લેયર

મહિલા ટેનિસમાં ૭૪મો ક્રમ ધરાવતી ૨૬ વર્ષની મયાર શરીફ વિમેન્સ ટેનિસ અસોસિએશન (ડબ્લ્યુટીએ) ટાઇટલ જીતનારી ઇજિપ્તની પહેલી મહિલા ખેલાડી બની છે. તેણે ઇટલીના પર્મા શહેરમાં આયોજિત ટુર્નામેન્ટની ફાઇનલમાં ગ્રીસની મારિયા સેક્કારીને ૭-૫, ૬-૩થી હરાવી હતી. મયારનું આ પહેલું ટાઇટલ હતું, ઇજિપ્ત માટે પણ તેણે પ્રથમ ડબ્લ્યુટીએ ટાઇટલનો ઇતિહાસ રચ્યો હતો. મયાર અને મારિયાએ શુક્રવારની સેમી ફાઇનલ વરસાદને કારણે રદ થયા બાદ શનિવારે એ બાકી રહેલી સેમી ફાઇનલ ઉપરાંત ફાઇનલ રમવી પડી હતી.

ટીટીમાં ભારતે નંબર-ટૂ જર્મનીને હરાવ્યું

ચીનના ચેન્ગડુ શહેરમાં આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ્સમાં ગઈ કાલે ભારતના પુરુષોની ટેબલ ટેનિસ ટીમે વર્લ્ડ નંબર-ટૂ જર્મનીને ૩-૧થી હરાવીને સનસનાટી મચાવી હતી. શનિવારે ઉઝબેકિસ્તાન સામેનો પ્રથમ રાઉન્ડ જીતી જનાર વિશ્વની ૧૭મા નંબરની ભારતીય ટીમમાં જી. સાથિયાન, હરમીત દેસાઈ અને માનવ ઠક્કરનો સમાવેશ છે. સાથિયાન પોતાની બન્ને સિંગલ્સ જીતી ગયો હતો, પરંતુ હરમીત પરાજિત થતાં સ્કોર ૨-૧ થયા બાદ માનવે સિંગલ્સમાં જીત મેળવી લેતાં ભારતની ૩-૧થી જીત થઈ હતી. મહિલા વર્ગમાં ભારતે ચેક રિપબ્લિક સામે ૩-૦થી વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમમાં મનિકા બત્રા, શ્રીજા અકુલા અને દિયા ચિતળેનો સમાવેશ છે.

આઇસીસીએ યુએસએ ક્રિકેટનું ફન્ડ અટકાવ્યું

યુએસએ ક્રિકેટ તરીકે જાણીતા અમેરિકાના ક્રિકેટ બોર્ડે જૂન, ૨૦૨૨ પછી પણ બીજા ત્રૈમાસિક સમયગાળા માટેનો ફાઇનૅન્શિયલ રિપોર્ટ ન આપ્યો હોવાથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આ બોર્ડ માટેનું ભંડોળ રોક્યું છે. યુએસએ ક્રિકેટે આઇસીસીને ૨૦૨૧ માટેની એજીએમની મિનિટ્સ પણ સોંપી નથી. એક અહેવાલ મુજબ યુએસ ક્રિકેટ બોર્ડે પોતાના કર્મચારીઓને અને ખેલાડીઓને થોડા સમયથી પૈસા જ નથી આપ્યા તેમ જ આ બોર્ડના ૨,૦૦,૦૦૦ ડૉલર કરતાં પણ વધુ કિંમતનાં ઇન્વોઇસિસ હજી પેન્ડિંગ છે.

sports news sports tennis news