ન્યુઝ શોર્ટમાં : એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ બન્નેમાં રમવા માગે છે પહેલવાન બજરંગ

26 June, 2022 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચિલી સામે હારી ભારતીય મહિલા ફુટબૉલ ટીમ અને વધુ સમાચાર

બજરંગ પુનિયા

એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ બન્નેમાં રમવા માગે છે પહેલવાન બજરંગ

પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે મોકૂફ રાખવામાં આવેલી એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ વચ્ચે જો ઓછામાં ઓછું એક મહિનાનું અંતર હશે તો તે આવતા વર્ષે યોજાનારી બન્ને સ્પર્ધાઓમાં તે ભાગ લેશે. ચીનમાં કોરોનાના વધતા કેસને કારણે એશિયન ગેમ્સ ૨૦૨૨ મોકૂફ રાખવામાં આવી હતી. આયોજકોએ હજી સુધી આ રમતોત્સવની નવી તારીખ જાહેર કરી નથી. વર્લ્ડ ચૅમ્પિયનશિપ સપ્ટેમ્બર ૨૦૨૩માં રશિયામાં રમાશે અને એ ઑલિમ્પિક ક્વૉલિફાઇંગ સ્પર્ધા છે. બજરંગે સાઇના સન્માન સમારોહ દરમ્યાન કહ્યું હતું કે ‘મારું લક્ષ્ય વર્લ્ડ ચૅમ્પિયનશિપથી પૅરિસ ગેમ્સ માટે ક્વૉલિફાય કરવાનું છે. અત્યારે ખબર નથી કે આ બન્ને વચ્ચે કેટલું અંતર હશે. જો બન્ને વચ્ચે એક કે દોઢ મહિનાનુ અંતર હશે તો હું બન્નેમાં ભાગ લઈશ. બજરંગ કૉમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે આજે અમેરિકા રવાના થશે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ વિજેતાએ કહ્યું કે જ્યારે ત્યાં પ્રૅક્ટિસ કરું છું ત્યારે મને સારા સાથીદાર મળે છે. એનાથી મને ફાયદો થાય છે.’

 

ચિલી સામે હારી ભારતીય મહિલા ફુટબૉલ ટીમ

ઇટલીના ઍકિલિયામાં રમાતી ચાર દેશોની સ્પર્ધામાં ભારતની અન્ડર-17 મહિલા ફુટબૉલ ટીમ સારું પ્રદર્શન કર્યા છતાં ચિલી સામે ૧-૩થી હારી ગઈ હતી. ભારતીય ટીમ ઇટલી સામે ૦-૭ના નિરાશાજનક પ્રદર્શન બાદ આ મૅચ રમવા આવી હતી. ભારતને પહેલી તક મળી હતી, પરંતુ એ ફ્રી કિકને ગોલમાં પરિવર્તિત કરી શકી નહોતી. ૧૧મી મિનિટે ચિલીએ ગોલ કરીને લીડ મેળવી હતી અને ત્યાર બાદ ૧૯મી મિનિટે ચિલીએ બીજો ગોલ કર્યો હતો. ભારતે પણ એક ગોલ કર્યો હતો, પણ ૬૭મી મિનિટે ચિલીએ વધુ એક ગોલ કરીને ૩-૧થી મૅચ જીતી લીધી હતી. 

 

બંગલાદેશે બીજી ટેસ્ટમાં આપ્યો જવાબ

પહેલી ટેસ્ટમાં સાવ પાણીમાં બેસી જનાર બંગલાદેશની ટીમે બીજી ટેસ્ટમાં પહેલા દિવસે કુલ ૨૩૪ રન કર્યા બાદ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝના પહેલા સેશનમાં કુલ ચાર વિકેટ પણ લીધી હતી. એક સમયે વિના વિકેટ ૯૭ રન કરનાર વેસ્ટ ઇન્ડીઝની ટીમે આ લખાય છે ત્યાં સુધી ૪૪ ઓવરમાં ૧૩૮ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ક્રેગ બ્રેથવેઇટે ૫૧ અને જૉન કૅમ્પબેલે ૪૫ રન કર્યા હતા. જોકે આ બન્ને ખેલાડીઓ આઉટ થયા બાદ બંગલાદેશના બોલર ખાલેદ અહમદે અન્ય બે વિકેટ પણ ઝડપી લીધી હતી. મહેંદી હસન મિરાઝે બ્રેથવેઇટને આઉટ કર્યો હતો, તો શોરીફુલ ઇસ્લામ કૅમ્પબેલને કૅચઆઉટ કરાવ્યો હતો. આ લખાય છે ત્યા સુધી વેસ્ટ ઇન્ડિઝ ૭૭ રનથી હજી પાછળ છે. 

sports sports news