ન્યુઝ શોર્ટમાં : આઇઓએ સાથે અદાણી સ્પોર્ટ્‍સલાઇનનો કરાર

01 July, 2022 01:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રોનાલ્ડોનો મહિલાના વકીલ સામે જંગી દાવો; રાહુલે કરાવી સ્પોર્ટ્‍સ હર્નિયાની સર્જરી અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

આઇઓએ સાથે અદાણી સ્પોર્ટ્‍સલાઇનનો કરાર

આગામી ૨૮ જુલાઈથી બર્મિંગહૅમમાં શરૂ થનારી કૉમનવેલ્થ ગેમ્સ માટે અદાણી ગ્રુપની અદાણી સ્પોર્ટ્‍સલાઇન નામનો સ્પોર્ટ્‍સ વિભાગ ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશન (આઇઓએ)નો સત્તાવાર પાર્ટનર બન્યો છે. આ કરાર ૨૦૨૨ની એશિયન ગેમ્સ અને ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ માટે પણ લાગુ પડશે. આ પહેલાં અદાણી ગ્રુપના આ વિભાગે ગયા વર્ષે ટોક્યો ઑલિમ્પિક્સ વખતે પણ આઇઓએ સાથે કરાર કર્યો હતો.

 

રોનાલ્ડોનો મહિલાના વકીલ સામે જંગી દાવો

સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની સામે બળાત્કારનો ખોટો આક્ષેપ કરનાર મહિલાના વકીલ સામે ૬,૨૬,૦૦૦ ડૉલર (અંદાજે પાંચ કરોડ રૂપિયા)નો બદનક્ષીનો દાવો માંડ્યો છે. કૅથરીન મૅયોર્ગા નામની આ મહિલાએ ૧૦ વર્ષ પહેલાં લાસ વેગસમાં રોનાલ્ડોએ પોતાની જાતીય સતામણી કરી હતી એવા આક્ષેપ સાથે અને લાખો ડૉલરના વળતરની માગણી સાથે જે કેસ નોંધાવેલો એમાં કૅથરીન હારી ગઈ અને ન્યાયાધીશે રોનાલ્ડોને ક્લીન ચિટ આપી હતી. જોકે રોનાલ્ડોએ પોતાના વકીલ મારફત ન્યાયાધીશને વિનંતી કરી છે કે બદનક્ષીનો જે દાવો તેણે માંડ્યો છે એ મહિલાના વકીલ પોતે જ ભરે એવો આદેશ આપો.

 

પ્રણોયે વર્લ્ડ નંબર-ફોરને હરાવ્યો : સિંધુ પણ જીતી

ભારતની પી. વી. સિંધુ અને એચ. એસ. પ્રણોય ગઈ કાલે ક્વાલા લમ્પુરમાં મલેશિયા ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં હતાં. ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સિંધુની અત્યારે વિશ્વમાં ૭મી રૅન્ક છે. તેણે થાઇલૅન્ડની ફિટ્ટાયાપોર્ન ચાઇવાનને ૧૯-૨૧, ૨૧-૯, ૨૧-૧૪થી હરાવી હતી. સિંધુ હવે ચાઇનીઝ તાઇપેઇની કટ્ટર હરીફ તાઇ ત્ઝુ યિન્ગ સામે રમશે. વિશ્વમાં ૨૧મી રૅન્ક ધરાવતા પ્રણોયે વિશ્વના ચોથા નંબરના ખેલાડી ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ટિએન ચેનને ૨૧-૧૫, ૨૧-૭થી હરાવીને લાસ્ટ-એઇટમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે ઇન્ડોનેશિયાના જોનટન ક્રિસ્ટી સામે રમશે.

 

રાહુલે કરાવી સ્પોર્ટ્‍સ હર્નિયાની સર્જરી

ઓપનર અને વાઇસ-કૅપ્ટન કે. એલ. રાહુલે જર્મનીમાં સ્પોર્ટ્‍સ હર્નિયાની સર્જરી કરાવી છે અને તે લગભગ બે મહિના રમી નહીં શકે. રાહુલને ઘણા દિવસથી પેડુમાં દુખાવો થતો હતો. પેડુ ઉપરાંત સાથળના સ્નાયુઓમાં પણ તેને પેઇન હતું એટલે તેણે ઑપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું.

 

ઑસ્ટ્રેલિયા બીજા દિવસે ૧૦૧ રનથી આગળ

ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ગૉલમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ૮ વિકેટે ૩૧૩ રન બનાવ્યા હતા, જેમાં કૅમેરન ગ્રીનના ૭૭ રન, ઉસ્માન ખ્વાજાના ૭૧ રન અને ઍલેક્સ કૅરીના ૪૫ રન હતા. શ્રીલંકાના રમેશ મેન્ડિસે ચાર અને જેફરી વૅન્ડરસેએ બે વિકેટ લીધી હતી. એ પહેલાં શ્રીલંકાએ ૨૧૨ રન બનાવ્યા હતા જેને ગણતરીમાં લેતાં ગઈ કાલે કાંગારૂઓ ૧૦૧ રનથી આગળ હતા અને બે વિકેટ પડવાની બાકી હતી.

sports sports news