News In Short: ઑલિમ્પિક્સના જોશ બાદ હવે વર્લ્ડ કપમાં મેડલ જીતીશું : સવિતા

25 June, 2022 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણી ટીમે વધુ સારું રમવા પરની એકાગ્રતા અને તાકાત વધાર્યાં અને એટલે જ તાજેતરમાં આપણે એફઆઇએચ પ્રો લીગમાં ત્રીજા નંબરે રહ્યાં.’

ઑલિમ્પિક્સના જોશ બાદ હવે વર્લ્ડ કપમાં મેડલ જીતીશું : સવિતા

પહેલી જુલાઈએ નેધરલૅન્ડ્સ અને સ્પેનમાં મહિલા હૉકીનો વર્લ્ડ કપ રમાશે અને એમાં મેડલ જીતવા માટે ભારતીય ટીમ દૃઢ છે. ભારતીય વિમેન્સ ટીમ ગયા વર્ષે ટોક્યો ઑલિમ્પિક્સમાં ચોથા નંબરે આવી હતી જે ભારત માટે ઐતિહાસિક પર્ફોર્મન્સ હતો. વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમનો સૌથી સારો પર્ફોર્મન્સ ચોથા નંબરનો છે. ૧૯૭૪માં ભારત ચોથા નંબરે રહ્યું હતું. છેલ્લે ૨૦૧૮માં ભારત આઠમા સ્થાને હતું. કૅપ્ટન અને ગોલકીપર સવિતા પુનિયાએ ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘ઑલિમ્પિક્સમાં આપણી ટીમે જે પર્ફોર્મ કર્યું એના પરથી ખાતરીથી કહી શકું કે વિશ્વકપમાં આપણે મેડલ જીતી જ શકીશું, કારણ કે એ દેખાવ પછી આપણી ટીમે વધુ સારું રમવા પરની એકાગ્રતા અને તાકાત વધાર્યાં અને એટલે જ તાજેતરમાં આપણે એફઆઇએચ પ્રો લીગમાં ત્રીજા 
નંબરે રહ્યાં.’

મેડવેડેવ ગ્રાસ કોર્ટ પરની સતત ત્રીજી ફાઇનલ હાર્યો

વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ડેનિલ મેડવેડેવ મલ્લોર્કા ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં રૉબર્ટો બોટિસ્ટા ઍગટ સામે ૩-૬, ૨-૬થી હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગયો હતો. તેને માટે આ સીઝન ગ્રાસ કોર્ટ પર એક પણ ટાઇટલ વિનાની ગઈ છે. વધુ નવાઈની વાત એ છે કે તે ગ્રાસ કોર્ટ પરની લાગલગાટ ત્રીજી ફાઇનલ હારી ગયો છે. આ મહિનાની શરૂઆતમાં તે નેધરલૅન્ડ્સની સ્પર્ધાની ફાઇનલ અને પછી જર્મનીની ટુર્નામેન્ટની ફાઇનલ હાર્યો હતો. હવે તે સ્પેનમાં ગ્રાસ કોર્ટ પરની જ મલ્લોર્કા ચૅમ્પિયનશિપ હારી ગયો છે. રશિયન ખેલાડીઓ પરના પ્રતિબંધને કારણે તે સોમવારે શરૂ થતી ગ્રાસ કોર્ટ પરની વિમ્બલ્ડનમાં નહીં જોવા મળે.

પાકિસ્તાનમાં વિદેશી લીગમાં ન રમનાર ક્રિકેટરને બોર્ડ વળતર ચૂકવશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટેસ્ટ અને લિમિટેડ ઓવર્સ ક્રિકેટના ખેલાડીઓ માટેના નવા અલગ કૉન્ટ્રૅક્ટ જાહેર કર્યા છે અને મૅચ-ફીમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. જોકે જાહેરાતનો મુખ્ય મુદ્દો એ છે કે જો પાકિસ્તાનના કોઈ ખેલાડીને કોઈ વિદેશી ક્રિકેટ લીગ તરફથી રમવાની ઑફર થશે અને એ પ્લેયર એ ઑફર નહીં સ્વીકારે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ ખેલાડીને એ વિદેશી ઑફરની કૉન્ટ્રૅક્ટની રકમના ૫૦થી ૬૦ ટકાનું વળતર આપશે.

sports news sports