ન્યુઝ શોર્ટમાં : અમેરિકાની ખેલાડીને રશિયામાં ૯ વર્ષની જેલ

06 August, 2022 02:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવા નિયમ સાથે પ્રીમિયર લીગની નવી સીઝન શરૂ અને વધુ સમાચાર

બ્રિટની ગ્રાઇનર

અમેરિકાની ખેલાડીને રશિયામાં ૯ વર્ષની જેલ

નશીલાં દ્રવ્યોની દાણચોરી કરવા અને એનો જથ્થો રાખવા બદલ રશિયાની અદાલતે અમેરિકાની બાસ્કેટબૉલ ખેલાડી બ્રિટની ગ્રાઇનરને ૯ વર્ષની જેલની સજા ફટકારી છે. આ ૩૧ વર્ષની ખેલાડીએ પોતાની પાસે કૅનેબીઝ ઑઇલ હોવાનું કબૂલ્યું હતું, પરંતુ એ તેની ભૂલ હતી એવું પણ તેણે કહ્યું હતું. જોકે કોર્ટે આ ડબલ ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટને સજા ફરમાવી છે. વિશ્વભરની શ્રેષ્ઠ બાસ્કેટબૉલ ખેલાડીઓમાં ગણાતી બ્રિટનીને ફેબ્રુઆરીમાં મોસ્કો ઍરપોર્ટ નજીક પકડવામાં આવી હતી. બ્રિટની આ ચુકાદા સામે અપીલમાં જશે. 

 

નવા નિયમ સાથે પ્રીમિયર લીગની નવી સીઝન શરૂ

ઇંગ્લૅન્ડમાં ફુટબૉલની ૩૧મી પ્રીમિયર લીગ સીઝન સામાન્ય સમયગાળા કરતાં વહેલી શરૂ થઈ ગઈ છે અને ઘણી ક્લબો નવા-નવા કરાર કરીને પોતાની ટીમમાં નવા ખેલાડીઓને સમાવી રહી છે. આ વખતે સૌથી મોટો ફેરફાર એ છે કે હવેથી દરેક ટીમ પ્રત્યેક મૅચમાં બેન્ચ પરના ૯ ખેલાડીમાંથી ત્રણને બદલે પાંચ સબસ્ટિટ્યુટ ખેલાડીને મેદાન પર ઉતારી શકશે.

 

શાકિબને બેટિંગ કંપની સાથે કરાર કરવાની મનાઈ

બંગલાદેશના ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસને ‘બેટવિનર ન્યુઝ’ નામની કંપની સાથે ભાગીદારી કરી હોવાની સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી એ સાથે જ બંગલાદેશ ક્રિકેટ બોર્ડનાં ભવાં તણાઈ ગયાં છે. બોર્ડે ગુરુવારે કહી દીધું હતું કે કોઈ પણ સંજોગોમાં બેટિંગ (સટ્ટા) સાથે જોડાયેલી કંપની સાથે કોઈ સોદો નહીં કરવા દે. બોર્ડ શાકિબને શો-કૉઝ નોટિસ પણ મોકલશે જેમાં જણાવાયું હશે કે તેણે આ સોદો કરતાં પહેલાં એની જાણ બોર્ડને કેમ નહોતી કરી?

sports sports news