News In Short : રત્નાગિરિની ૧૯ વર્ષની દીપ્તિને ડૉક્ટર બનવા મદદ કરશે સચિન

29 July, 2021 04:11 PM IST  |  Mumbai | Agency

પાડોશીઓ અને સગાંસંબંધીઓ પાસેથી મળેલી મદદ વડે તેણે કૉલેજની ફી તો ભરી દીધી હતી, પણ અન્ય ખર્ચાઓ માટે મુંઝવણમાં હતા. તેન્ડુલકર અને તેના એનજીઓ સેવા સહયોગ ફાઉન્ડેશનને આ વાતની જાણ થતાં તેમણે દીપ્તિને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો હતો.

News In Short : રત્નાગિરિની ૧૯ વર્ષની દીપ્તિને ડૉક્ટર બનવા મદદ કરશે સચિન

રત્નાગિરિની ૧૯ વર્ષની દીપ્તિ વિશ્વાસરાવના ડૉક્ટર બનવાના સપનાને આડે આવી રહેલી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા સચિન તેન્ડુલકર આગળ આવ્યો છે. રત્નાગિરિના ઝરે ગામની દીપ્તિએ એનઈઈટીમાં ૭૨૦માંથી ૫૭૪ માર્ક મેળવીને એક સરકારી મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન મેળવી લીધું છે. જોકે સામાન્ય સ્થિતિ ધરાવતા તેના ખેડૂત પરિવારને ફી તેમ જ બીજા ખર્ચાઓ માટે ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી હતી. પાડોશીઓ અને સગાંસંબંધીઓ પાસેથી મળેલી મદદ વડે તેણે કૉલેજની ફી તો ભરી દીધી હતી, પણ અન્ય ખર્ચાઓ માટે મુંઝવણમાં હતા. તેન્ડુલકર અને તેના એનજીઓ સેવા સહયોગ ફાઉન્ડેશનને આ વાતની જાણ થતાં તેમણે દીપ્તિને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો હતો. સચિનના આ એનજીઓએ અત્યાર સુધીમાં ચાર રાજ્યના ૨૫ જિલ્લામાં કુલ ૮૩૩ બાળકોને આર્થિક સહાય કરી ચૂકી છે. આ મદદ બદલ દીપ્તિએ આભાર માનતાં કહ્યું હતું કે ‘મને સ્કૉલરશિપ આપવા બદલ સચિન તેન્ડુલકરના ફાઉન્ડેશનની આભારી છું, જેના વડે મારો બધો જ ખર્ચ કવર થઈ જવાનો હોવાથી હું હવે ફક્ત ભણવા પર જ ધ્યાન કૅન્દ્રિત કરી શકીશ અને ડૉક્ટર બનવાનું મારું સપનું પૂરું કરી શકીશ. ભવિષ્યમાં હું પણ આવી જ રીતે જરૂરતમંદ વિદ્યાર્થીઓને મદદ કરીશ.’

ટી૨૦ રૅન્કિંગમાં વિરાટે પાંચમું, રાહુલે છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું

ગઈ કાલે જાહેર થયેલી આઇસીસી રૅન્કિંગમાં ટી૨૦માં શ્રીલંકા સિરીઝમાં ન રમવા છતાં વિરાટ કોહલીએ બૅટ્સમેનોમાં પાંચમું અને લોકેશ રાહુલે છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું હતું. હાલ શ્રીલંકામાં રમી રહેલી ટીમના કૅપ્ટન શિખર ધવન ૨૯મા ક્રમાંકે પહોંચી ગયો છે. ભારત સામે શાનદાર પર્ફોર્મન્સને લીધે શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા બોલરોમાં બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. 

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલને રેકૉર્ડ ૧૭ કરોડ ૭૦ લાખ લોકોએ માણી

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે જૂનમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ આ ચૅમ્પિયનશિપની બધી જ સિરીઝોની સૌથી વધુ લોકોએ જોયેલી મૅચ બની ગઈ છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના જણાવ્યા મુજબ દુનિયાભરમાં આ ફાઇનલને ૧૭ કરોડ ૭૦ લાખ લોકોએ માણી હતી. ૧૮થી ૨૩ જૂન દરમ્યાન રમાયેલી આ ફાઇનલની લાઇવ વ્યુઅરશિપ ૮૯ ક્ષેત્રોમાં ૧૩.૬ કરોડની નોંધાઈ હતી. કુલ વ્યુઅરશિપની ૯૪.૬ ટકા ભારતમાં નોંધાઈ હતી, જ્યારે ન્યુ ઝીલૅન્ડમાં અડધી રાત્રે પ્રસારણ થઈ રહ્યું હોવા છતાં બે લાખ કરતાં વધુ લોકોએ રાતભર જાગીને ફાઇનલને માણી હતી. 

 

sports sports news