News In Short : પી. વી. સિંધુ ફરી ઍથ્લીટોના પંચની ચૂંટણીમાં ઝુકાવશે

24 November, 2021 03:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંચની નિયુક્તિ ૨૦૨૫ના વર્ષ સુધીની રહેશે. સિંધુ આ પંચમાં સૌથી પહેલાં ૨૦૧૭માં ચૂંટાઈ હતી અને તેણે આ વખતે ફરી ચૂંટાઈ આવવા ઉમેદવારી નોંધાવી છે.

પી. વી. સિંધુ ફરી ઍથ્લીટોના પંચની ચૂંટણીમાં ઝુકાવશે

બે વખત ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી ભારતની વર્લ્ડ ચૅમ્પિયન બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ સ્પેનમાં ૧૭ ડિસેમ્બરે વર્લ્ડ ચૅમ્પિયન દરમ્યાન યોજાનારી બીડબ્લ્યુએફ ઍથ્લીટ્સ કમિશનની ચૂંટણી લડશે. એમાં કુલ ૬ હોદ્દા માટેની ચૂંટણીમાં સિંધુ સહિત કુલ ૯ ઉમેદવારો નોંધાયા છે. પંચની નિયુક્તિ ૨૦૨૫ના વર્ષ સુધીની રહેશે. સિંધુ આ પંચમાં સૌથી પહેલાં ૨૦૧૭માં ચૂંટાઈ હતી અને તેણે આ વખતે ફરી ચૂંટાઈ આવવા ઉમેદવારી નોંધાવી છે.

ટીમ ઇન્ડિયાને માત્ર ‘હલાલ મીટ’ની છૂટથી જાગ્યો મોટો વિવાદ

કાનપુરમાં આવતી કાલે ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે કહેવાય છે કે ટીમ-મૅનેજમેન્ટે ટીમ ઇન્ડિયા માટે જે નવો ડાયટ-પ્લાન નક્કી કર્યો છે એનાથી વિવાદ જાગ્યો છે. સોશ્યલ મીડિયામાં ક્રિકેટચાહકો આ પ્લાન સામે સવાલ ઉઠાવી રહ્યા છે અને કેટલાક નેટિઝન્સે પણ પિત્તો ગુમાવ્યો છે.
ટીમ માટેના ડાયટ-પ્લાનમાં (મેનુમાં) ગૌમાંસ અને ડુક્કરના માંસને સમાવવા પર પ્રતિબંધ મુકાયો છે અને ફક્ત ‘હલાલ મીટ’ સામેલ કરવાની છૂટ છે. બીજા કોઈ પણ પ્રકારના માંસની પરવાનગી નથી. ‘હલાલ ફૂડ’ ઇસ્લામી કાયદા મુજબનું કહેવાય છે અને ટીમમાં મોટા ભાગના બિનમુસ્લિમ પ્લેયરો હોવાથી ટીમ પર શા માટે આ નિયમ લાગુ કરાયો એ મુદ્દે મીડિયામાં વિવાદ જાગ્યો છે. હિન્દુઓ અને સિખો સામાન્ય રીતે ‘ઝટકા મીટ’ પસંદ કરતા હોય છે.

આજથી જુનિયર હૉકી વર્લ્ડ કપ : ભારત અને ફ્રાન્સ વચ્ચે થશે ટક્કર

પુરુષોના જુનિયર હૉકી વર્લ્ડ કપમાં ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને આજે ભારતમાં આ સ્પર્ધા શરૂ થઈ રહી છે જેમાં ભારતનો ફ્રાન્સ સાથે મુકાબલો થશે. આ સ્પર્ધામાં સારું રમનારા ભારતીયોને ટોક્યો ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ-મેડલિસ્ટ ભારતીય ટીમમાં સામેલ થવાનો મોકો મળી શકશે. વિવેક સાગર પ્રસાદ ભારતીય જુનિયર હૉકી ટીમનો કૅપ્ટન અને સંજય વાઇસ-કૅપ્ટન છે. ૧૬ દેશો વચ્ચેની આ સ્પર્ધામાં ભારતના પૂલ-‘બી’માં ફ્રાન્સ ઉપરાંત કૅનેડા અને પોલૅન્ડ છે. ભારતનું હરીફ પાકિસ્તાન પૂલ-‘ડી’માં જર્મની, ઇજિપ્ત અને આર્જેન્ટિના સાથે સામેલ છે. જર્મની સૌથી વધુ ૬ વાર અને ભારત બે વખત આ સ્પર્ધામાં ચૅમ્પિયન બન્યું છે. ભુવનેશ્વરના કલિન્ગા સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના તમામ મૅચો રમાશે.

સ્મિથને ફરી કૅપ્ટન્સી સોંપવાથી ફાયદો નહીં થાય : હિલી

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઇયાન હિલીએ કહ્યું કે ‘ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં જ ટિમ પેઇને ચાર વર્ષ પહેલાંના મહિલા કર્મચારીને મોકલેલા અશ્લીલ મેસેજિસના કિસ્સામાં અત્યારે અચાનક કૅપ્ટન્સી છોડી દીધી હોવાને પગલે સ્ટીવ સ્મિથને ફરી સુકાન સોંપવાની જે હિલચાલ થઈ રહી છે એનાથી ઑસ્ટ્રેલિયન ક્રિકેટને કોઈ ફાયદો નથી થવાનો, કારણ કે સ્મિથ ફરી કૅપ્ટન બનવાથી અત્યારે ટેસ્ટના નેતૃત્વની બાબતમાં જે સર્કસ ચાલે છે એમાં વધારો જ થશે.’

sports news sports pv sindhu