News In Short: પેનલ્ટીને ગોલમાં ફેરવવાની કચાશને લીધે હાર્યા : હૉકી કોચ

24 January, 2023 12:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક સમયે ભારત ૩-૧થી આગળ હતું, પરંતુ ન્યુ ઝીલૅન્ડે ઉપરાઉપરી બે ગોલ કરી લેતાં મૅચ છેવટે ડ્રૉ થઈ હતી.

ભારતીય ટીમે હૉકી વિશ્વકપમાંથી બહાર

પેનલ્ટીને ગોલમાં ફેરવવાની કચાશને લીધે હાર્યા : હૉકી કોચ

ઓડિશાના મેન્સ હૉકી વર્લ્ડ કપમાં રવિવારે હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતની ન્યુ ઝીલૅન્ડ સામે ૩-૩ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૫થી થયેલી હારને પગલે કોચ ગ્રેહામ રીડે પત્રકારોને કહ્યું કે ‘પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરવાની કચાશ, ગોલપોસ્ટ નજીકના સર્કલમાં મજબૂત બનાવેલા સંરક્ષણનો પૂરતો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળતાને લીધે અને હાથમાં આવેલી તક ગુમાવવા બદલ ભારતીય ટીમે હૉકી વિશ્વકપમાંથી બહાર થઈ જવું પડ્યું.’ એક સમયે ભારત ૩-૧થી આગળ હતું, પરંતુ ન્યુ ઝીલૅન્ડે ઉપરાઉપરી બે ગોલ કરી લેતાં મૅચ છેવટે ડ્રૉ થઈ હતી. ભારત ૪૮ વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ જીતવા તત્પર હતું, પણ એ સપનું સતત બીજી વાર (૨૦૧૮ બાદ હવે ૨૦૨૩માં) ચકનાચૂર થઈ ગયું છે.

ભારતની મહિલા હૉકી પ્લેયર્સ હજી પણ અપરાજિત

સાઉથ આફ્રિકામાં ભારતીય મહિલા હૉકી ટીમે ચાર મૅચની સિરીઝ ૩-૦થી જીતી લીધી છે. છેલ્લી મૅચ રવિવારે ૨-૨થી ડ્રૉ ગઈ એ પહેલાં ભારતે સિરીઝની ત્રણ મૅચ ૫-૧, ૭-૦ અને ૪-૦થી જીતી લીધી હતી. રવિવારે ભારતના બન્ને ગોલ શ્રેણીમાં પહેલી જ વાર રમનાર વૈષ્ણવી ફાળકેએ કર્યા હતા. ભારત હવે વર્લ્ડ નંબર-વન નેધરલૅન્ડ્સ સામે રમશે.

ભારતમાં લાયન-ઍગરની સ્પિન જોડી કારગત નીવડશે : લીમન

ઑસ્ટ્રેલિયાની મેન્સ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ ડૅરેન લીમનનું માનવું છે કે આવતા મહિને ભારતમાં ચાર મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા જનાર ટીમમાં જો નૅથન લાયન ઉપરાંતના બીજા સ્પિનર તરીકે (ફિંગર સ્પિનર) ઍશ્ટન ઍગરને ટીમમાં સમાવાશે તો ઘણો ફાયદો થશે. ભારતમાં ઑસ્ટ્રેલિયન ટીમ છેલ્લે ૨૦૧૭માં ટેસ્ટ-મૅચ જીતી હતી અને ત્યારે લીમન કોચ હતા. ત્યારે કાંગારૂઓએ પુણેમાં જીતેલી ટેસ્ટમાં સ્પિનર સ્ટીવ ઑકીફે કુલ ૧૨ વિકેટ (૩૫ રનમાં ૬ અને ૩૫ રનમાં ૬) લીધી હતી.

sports sports news indian womens hockey team hockey indian womens cricket team