News In Short : કૃણાલ પંડ્યાનું ટ્વિટર અકાઉન્ટ હૅક થયું

28 January, 2022 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૅકરે શ્રેણીબદ્ધ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે કેટલાક બિટકૉઇન્સના બદલામાં કૃણાલનું અકાઉન્ટ વેચવા માગે છે. ભૂતકાળમાં શેન વૉટ્સનના ટ્વિટર તથા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થયાં હતાં.

ક્રુણાલ પંડ્યા

ભારતીય ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા સાઇબર ક્રાઇમનો શિકાર બન્યો છે. કોઈએ તેનું ટ્વિટર અકાઉન્ટ હૅક કરીને ફૉલોઅર્સ પાસે બિટકૉઇન્સની માગણી કરી હતી. હૅકરે શ્રેણીબદ્ધ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે કેટલાક બિટકૉઇન્સના બદલામાં કૃણાલનું અકાઉન્ટ વેચવા માગે છે. ભૂતકાળમાં શેન વૉટ્સનના ટ્વિટર તથા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થયાં હતાં.

ઇંગ્લૅન્ડ જુનિયર વર્લ્ડ કપની પ્રથમ સેમી ફાઇનલિસ્ટ ટીમ

વેસ્ટ ઇન્ડીઝમાં અન્ડર-19 ક્રિકેટરોનો જે વન-ડે વર્લ્ડ કપ ચાલે છે એમાં બુધવારની પ્રથમ ક્વૉર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકાને ૧૧૨ બૉલ બાકી રાખીને ૬ વિકેટના માર્જિનથી હરાવીને સેમી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. સાઉથ આફ્રિકાના ૨૦૯ રનના જવાબમાં ઇંગ્લૅન્ડે ઓપનર જેકબ બેથેલના ૮૮ રનની મદદથી ૩૧.૨ ઓવરમાં ચાર વિકેટે ૨૧૨ રન બનાવીને સેમીમાં એન્ટ્રી કરી લીધી હતી. ભારતની ક્વૉર્ટર ફાઇનલ આવતી કાલે બંગલાદેશ સામે રમાશે. 

તમીમે ૬ મહિનાનો બ્રેક પાછો ખેંચવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો

બંગલાદેશના ઓપનર તમીમ ઇકબાલે આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાંથી ૬ મહિનાનો બ્રેક લેવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. એ જોતાં તે આ વર્ષના ટી૨૦ વર્લ્ડ કપમાં નહીં રમે. જોકે તેણે એવું પણ કહ્યું છે કે જો બંગલાદેશ ક્રિકેટ બોર્ડ તેને વર્લ્ડ કપ પહેલાં જ આ બ્રેક પાછો ખેંચવાની વિનંતી કરશે તો તે વિચાર કરશે, પરંતુ તેને એવી કોઈ સંભાવના અત્યારે લાગતી નથી.

ભારતીય મહિલા હૉકી ટીમ આજે બ્રૉન્ઝ માટે રમશે

મસ્કતના એશિયા કપમાં ભારતની મહિલા હૉકી ટીમ સેમી ફાઇનલમાં કોરિયા સામે ૨-૩થી હારી ગયા બાદ ભારતની હવે આજે બ્રૉન્ઝ મેડલ માટે ચીન સામે મૅચ છે. આજની મૅચ પરથી સ્પર્ધાની ત્રીજા-ચોથા નંબરની ટીમ નક્કી થઈ જશે. ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમ ચોથા નંબર પર આવી હતી. વર્તમાન સ્પર્ધામાં ભારતે મલેશિયાને ૯-૦થી હરાવ્યા બાદ જપાન સામે પરાજય જોયો હતો, પણ પછી સિંગાપોરને ૯-૧થી હરાવ્યું હતું.

માલવિકાએ જુનિયર વર્લ્ડ નંબર વન તસ્નીમને હરાવી

કટકની ઓડિશા ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે યુવા પ્લેયર માલવિકા બનસોડે તાજેતરમાં જુનિયર વર્લ્ડ નંબર વન બનેલી ગુજરાતની ૧૬ વર્ષની તસ્નિમ મીરને ૨૧-૧૩, ૨૧-૧૫થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. માલવિકા તાજેતરમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની ફાઇનલમાં પી. વી. સિંધુ સામે હારી ગઈ હતી. એ પહેલાં તેણે સાઇના નેહવાલને હરાવી હતી.

sports news sports cricket news