News In Short: ચેસ સ્પર્ધામાં ભારતના બે ટીનેજર ક્વૉર્ટરમાં

23 September, 2022 12:14 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન ૩૪ પૉઇન્ટ સાથે મોખરે છે

અર્જુન ઇરિગૈસી અને આર. પ્રજ્ઞાનાનંદ

ચેસ સ્પર્ધામાં ભારતના બે ટીનેજર ક્વૉર્ટરમાં

ન્યુ યૉર્કની જુલિયસ બેઅર જનરેશન કપ ઑનલાઇન રૅપિડ ચેસ ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભારતના બે ટીનેજ ખેલાડીઓ અર્જુન ઇરિગૈસી અને આર. પ્રજ્ઞાનાનંદ પૉઇન્ટ્સ-ટેબલમાં અનુક્રમે બીજા અને ચોથા નંબરે રહ્યા હોવાથી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ થયા હતા. વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન ૩૪ પૉઇન્ટ સાથે મોખરે છે. ૧૯ વર્ષનો અર્જુન (૨૫ પૉઇન્ટ) બીજા નંબરે, હૅન્સ નીમૅન (૨૪) ત્રીજા સ્થાને અને ૧૭ વર્ષનો પ્રજ્ઞાનાનંદ (૨૩) ચોથા નંબરે છે.

ઑલિમ્પિક અસોસિએશનના પ્રમુખપદેથી અનિલ ખન્નાનું રાજીનામું

ભારતીય ખેલજગતના વરિષ્ઠ વહીવટકાર અનિલ ખન્નાએ ગઈ કાલે ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશન (આઇઓએ)ના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. ૮ સપ્ટેમ્બરે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીએ આઇઓએને ચેતવણી આપી હતી કે એણે આ વર્ષે ડિસેમ્બર સુધી ચૂંટણી રાખવી પડશે. આઇઓએમાં નરિન્દર બત્રાના શાસનનો અંત આવ્યો ત્યાર બાદ ખન્નાએ સૂત્રો સંભાળ્યાં હતાં.

આઇપીએલ ફરી જૂના હોમ-અવેના ફૉર્મેટમાં

કોવિડની મહામારી હવે અંકુશમાં આવી ગઈ હોવાથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૩ની સીઝનથી ફરી હોમ-અવેના જૂના ફૉર્મેટ પર આવી જશે. આ જાણકારી બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ રાજ્યોનાં ક્રિકેટ અસોસિએશનોને આપી છે. ૨૦૨૦માં કોરોના વાઇરસનો ફેલાવો શરૂ થયા બાદ આઇપીએલની મૅચો મર્યાદિત સ્થળે રમાઈ છે. એની મૅચો યુએઈ (દુબઈ, શારજાહ, અબુ ધાબી)માં પણ રમાઈ છે.

sports news sports chess new york