News In Short: વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપનું પોસ્ટર ફિફાએ લૉન્ચ કર્યું

09 March, 2023 02:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં સંયુક્ત રીતે યોજાવાનો છે

વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપનું પોસ્ટર

વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપનું પોસ્ટર ફિફાએ લૉન્ચ કર્યું

ફિફાએ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના પ્રસંગે ૨૦૨૩ના મહિલા ફુટબૉલ વિશ્વકપનું સત્તા વાર પોસ્ટર લૉન્ચ કર્યું હતું. આ વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં સંયુક્ત રીતે યોજાવાનો છે. આ પોસ્ટરમાં ફુટબૉલની આસપાસ ત્રણ સામાન્ય મહિલાઓનાં અને બે મહિલા ફુટબોલરનાં છાયાચિત્રો બતાવાયાં છે. આવું પોસ્ટરમાં મહિલાઓમાં ફુટબૉલની રમત પ્રત્યેની પૅશન, તેમના કૌશલ્ય તેમ જ વિમેન્સ સ્પોર્ટ્સમાં જે સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે એ બતાવવામાં આવ્યું છે. દરમ્યાન બ્રાઝિલ ૨૦૨૭નો વિમેન્સ સૉકર વર્લ્ડ કપ યોજવા માટેનું બિડ મોકલવા વિચારે છે.

ચેલ્સી અને બેન્ફિકા ચૅમ્પિયન્સ લીગની ક્વૉર્ટર ફાઇનલમાં

લંડન અને લિસ્બનથી મળતા અહેવાલ મુજબ ચેલ્સી અને બેન્ફિકાએ ચૅમ્પિયન્સ લીગની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મંગળવારે ચેલ્સીએ ડોર્ટમન્ડને ૨-૦થી હરાવીને લાસ્ટ-એઇટમાં એન્ટ્રી કરી હતી. એ સાથે, ચેલ્સીના કોચ ગ્રેહામ પૉટરનો હોદ્દો બચી ગયો હોય એવું લાગે છે. બીજી મૅચમાં બેન્ફિકાએ બ્રુઝ ક્લબની ટીમને ૫-૧થી કચડીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ચૅમ્પિયન્સ લીગના નૉકઆઉટમાં બ્રુઝની ટીમ પહેલી જ વાર રમી હતી.

અઢી દિવસમાં પૂરી થતી મૅચ ટેસ્ટ માટે ખતરો : ગંભીર

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ત્રણેય ટેસ્ટ ત્રણ દિવસની અંદર પૂરી થઈ ગઈ એ મુદ્દાને નજરસમક્ષ રાખીને ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ટેસ્ટ-મૅચ અઢી કે ત્રણ દિવસમાં પૂરી થઈ જાય એ વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે, ‘ટર્નિંગ પિચ પર રમવું એ સારું કહેવાય, પરંતુ ટેસ્ટ અઢી દિવસમાં પૂરી થઈ જાય એ તો બહુ ખરાબ કહેવાય. ખરી ટેસ્ટ તો તાજેતરમાં ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચે પૂરી થઈ એને કહેવાય. મૅચ ચોથા-પાંચમા દિવસ સુધી રમાય એ જ સારું કહેવાય.’

sports news sports gautam gambhir football chelsea