News In Short : જૉકોવિચ હાર્યો : ગોલ્ડન સ્લૅમની આશા પર પાણી ફરી વળ્યું

31 July, 2021 09:33 AM IST  |  Mumbai | Agency

ઑલિમ્પિક્સમાં હારી જતાં તે હવે યુએસ ઓપન જીતશે તો પણ આ સિદ્ધિથી તો વંચિત રહી જશે.

જૉકોવિચ હાર્યો : ગોલ્ડન સ્લૅમની આશા પર પાણી ફરી વળ્યું

ટોક્યો ઑલિમ્પિક્સમાં ગઈ કાલે ટેનિસનો વર્લ્ડ નંબર વન સર્બિયાનો નોવાક જૉકોવિચ સેમી ફાઇનલમાં હારી જતાં એક કૅલેન્ડર યરમાં ગ્રૅન્ડ સ્લૅમ વિજેતાપદ ઉપરાંત ઑલિમ્પિક્સનો પણ તાજ જીતીને ગોલ્ડન સ્લૅમની સિદ્ધિ હાંસલ કરવાની તેની આશા પર પાણી ફરી વળ્યું હતું. જૉકોવિચ ગઈ કાલે સેમીમાં જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્‍વેરેવ સામે ૬-૧, ૩-૬, ૧-૬થી હારી ગયો હતો. જૉકોવિચ એક કૅલેન્ડર યરમાં તમામ ગ્રૅન્ડ સ્લૅમ ઉપરાંત ઑલિમ્પિક્સ જીતનારો પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી બનવાના પ્રયાસમાં હતો. તે આ વર્ષે ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન તથા વિમ્બલ્ડન જીત્યો છે અને ગોલ્ડન સ્લૅમની સિદ્ધિ માટે તેને ઑલિમ્પિક્સ તથા યુએસ ઓપનના તાજની જરૂર હતી. જોકે ઑલિમ્પિક્સમાં હારી જતાં તે હવે યુએસ ઓપન જીતશે તો પણ આ સિદ્ધિથી તો વંચિત રહી જશે.
સ્ટેફી ગ્રાફ ૧૯૮૮માં ગોલ્ડન સ્લૅમની સિદ્ધિ હાંસલ કરનાર એકમાત્ર ટેનિસ ખેલાડી છે.
દરમ્યાન, ઝ્‍વેરેવ હવે ફાઇનલમાં રશિયાના કરૅન ખેચાનોવ સામે રમશે.
જૉકોવિચ હવે બ્રૉન્ઝ મેડલ માટે કૅરેનો બસ્ટા સામે રમશે.

પહેલી વાર ઑલિમ્પિક્સમાં પુરુષો-મહિલાઓ સાથે તરશે

તમામ ક્ષેત્રોમાં પુરુષસમોવડી બનેલી મહિલાઓ ઑલિમ્પિક્સમાં પણ કેમ પાછળ રહી જાય, ખરુંને? જોકે, હરીફાઈઓના આ સૌથી મોટા ‘મહોત્સવ’માં આયોજકોએ પહેલી વાર એવી સિસ્ટમ બનાવી છે જેમાં પુરુષો સાથે મહિલા સ્વિમરો પણ હરીફાઈના હોજમાં ડાઇવ મારશે.
૪X૧૦૦ મીટર મિક્સ્ડ મેડલી રિલે નામની સ્પર્ધાને પહેલી જ વાર ઑલિમ્પિક્સમાં પ્રવેશ મળ્યો છે. એની પહેલી હરીફાઈ આજે છે. આ સ્પર્ધામાં દરેક દેશની ચાર સ્પર્ધકોની ટીમમાં બે પુરુષ તથા બે મહિલા હોય છે અને તેઓ બૅકસ્ટ્રોક, બ્રેસ્ટસ્ટ્રોક, બટરફ્લાય તથા ફ્રીસ્ટાઇલની પદ્ધતિઓમાં પોતાની તાકાત અને ક્ષમતાનું પ્રદર્શન કરે છે. પ્રત્યેક પ્રકારના સ્ટ્રોકમાં સ્પર્ધક કોણ હશે એ દરેક ટીમે નક્કી કરવાનું હોય છે. એને જોતાં ઉદાહરણ તરીકે એક જ સમયે એક ટીમમાંથી એક મહિલા અને બીજી ટીમમાંથી એક પુરુષ બટરફ્લાયના પ્રકારમાં જોવા મળી શકે.

sports news sports