News In Short : અલ્કારેઝ મૅડ્રિડનો યંગેસ્ટ ચૅમ્પિયન

10 May, 2022 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે ૧૮ વર્ષની ઉંમરે અલ્કારેઝ પહેલી વાર મૅડ્રિડ ઓપનમાં રમ્યો ત્યારે તેનો આશય ટોચના પ્લેયરો સાથે રમીને અનુભવ મેળવવાનો તેમ જ તેમના પર્ફોર્મન્સ પરથી કંઈક નવું શીખવાનો હતો.

અલ્કારેઝ મૅડ્રિડનો યંગેસ્ટ ચૅમ્પિયન

સ્પેનનો ૧૯ વર્ષનો ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારેઝ રવિવારે તેના જ દેશની પ્રતિષ્ઠિત મૅડ્રિડ ઓપન સ્પર્ધા સૌથી યુવાન વયે જીતનારો ખેલાડી બન્યો છે. તેણે ફાઇનલમાં ઍલેક્ઝાંડર ઝ્‍‍વેરેવને ૬-૩, ૬-૧થી હરાવ્યો હતો. ક્વૉર્ટર ફાઇનલમાં અલ્કારેઝે સૌથી વધુ ૨૧ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર રાફેલ નડાલને અને સેમી ફાઇનલમાં વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચને હરાવ્યો હતો. ગઈ કાલે નડાલે તેને સોશ્યલ મીડિયા પર ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ કાર્લોસ’ કહીને અભિનંદન આપ્યાં હતાં. ગયા વર્ષે ૧૮ વર્ષની ઉંમરે અલ્કારેઝ પહેલી વાર મૅડ્રિડ ઓપનમાં રમ્યો ત્યારે તેનો આશય ટોચના પ્લેયરો સાથે રમીને અનુભવ મેળવવાનો તેમ જ તેમના પર્ફોર્મન્સ પરથી કંઈક નવું શીખવાનો હતો.

નિવૃત્તિ પાછી ખેંચનાર રૂપિન્દર પાલ કૅપ્ટન

જકાર્તામાં ૨૩ મેથી રમાનારી એશિયા કપ હૉકી ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમના સુકાની તરીકે રૂપિન્દર પાલ સિંહની નિયુક્તિ કરવામાં આવી છે. રૂપિન્દર થોડા દિવસ પહેલાં નિવૃત્તિ પાછી ખેંચીને ફરી રમવા આવ્યો છે. ૮ દેશ વચ્ચેની આ સ્પર્ધા વર્લ્ડ કપની ક્વૉલિફાયર સમાન છે અને એના ૨૦ પ્લેયર્સની ટીમ આ મુજબ છેઃ પંકજકુમાર રાજક (ગોલકીપર), સૂરજ કરકેરા (ગોલકીપર), રૂપિન્દર પાલ સિંહ (કૅપ્ટન), યશદીપ સિવાચ, અભિષેક લાકરા, બિરેન્દર લાકરા (વાઇસ-કૅપ્ટન), મનજિત, દીપ્સન તિર્કે, વિષ્ણુકાંત સિંહ, રાજકુમાર પાલ, મરીશ્વરન સક્થીવેલ, શેશ ગોવડા બીએમ, સિમરનજિત સિંહ, પવન રાજભર, અભરન સુદેવ, એસ. વી. સુનીલ, ઉત્તમ સિંહ, એસ. કાર્તિ, મનિન્દર સિંહ, નીલમ સંજીપ ઝેસ.

ચૅમ્પિયન રિયલ મૅડ્રિડને આંચકો

સ્પેનની લા લીગા લીગમાં રવિવારે ઍટ્લેટિકો મૅડ્રિડે સૌથી વધુ પૉઇન્ટ્સના આધારે ચૅમ્પિયન બનેલી રિયલ મૅડ્રિડ ટીમને ૧-૦થી હરાવીને ચૅમ્પિયન્સ લીગમાં સ્થાન મેળવવાનો દાવો વધુ મજબૂત કર્યો હતો. ઍટ્લેટિકો મૅડ્રિડ વતી ૪૦મી મિનિટે યાનિક કૅરેસ્કોએ ગોલ કર્યો હતો. ૨૦૧૮ પછી ઍટ્લેટિકોની રિયલ મૅડ્રિડ સામેની આ પહેલી જ જીત હતી.

અદાણી ગ્રુપ ક્રિકેટમાંઃ કંપનીએ યુએઈમાં ફ્રૅન્ચાઇઝી ખરીદ્યું

અદાણી ગ્રુપની અદાણી સ્પોર્ટ્સલાઇન કંપનીએ યુએઈ ટી૨૦ લીગમાં ફ્રૅન્ચાઇઝીની માલિકી ધરાવવા અને એનું સંચાલન કરવાના હક મેળવીને ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. ૩૪ મૅચની આ ટુર્નામેન્ટમાં કુલ ૬ ટીમ ભાગ લેશે, જેમાં વિશ્વના ઘણા જાણીતા ખેલાડીઓનો સમાવેશ હોવાની ધારણા છે.

રાજસ્થાન રૉયલ્સની આવતી કાલે પહેલી કાર્બન ન્યુટ્રલ મૅચ

રાજસ્થાન રૉયલ્સે ક્રિકેટપ્રેમીઓ માટે એક અનોખી સસ્ટેનેબલ મૅચ રાખવાની જાહેરાત કરી છે. ‘ગ્રીન યોદ્ધા’ બનવાની પ્રતિજ્ઞા લઈ ચૂકેલી અને ક્રિકેટને પર્યાવરણને સુરક્ષા અપાવવામાં મોટી ભૂમિકા ભજવવાનું નક્કી કરી ચૂકેલી આ ટીમ આવતી કાલે ડી. વાય. પાટીલમાં દિલ્હી કૅપિટલ્સ સામેના મુકાબલા દરમ્યાન સ્નાઇડર ઇલેકટ્રિક સાથેના સહયોગમાં પોતાની સૌપ્રથમ કાર્બન ન્યુટ્રલ મૅચ રમશે. આ મૅચ દરમ્યાન ઉત્પન્ન થનારા લગભગ ૧૦,૦૦૦ કાર્બન ડાયોક્સાઇડની અસરને સરભર કરવાના આશયથી આશરે ૧૭,૦૦૦ વૃક્ષ વાવવામાં આવશે.

ભારતે કૅનેડાને પણ ૫-૦થી હરાવ્યું : નૉકઆઉટમાં પ્રવેશ

ભારતે બૅન્ગકૉકની થોમસ કપ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગઈ કાલે કૅનેડાને પણ ૫-૦થી હરાવીને નૉકઆઉટ રાઉન્ડ માટેનું ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું. રવિવારે ભારતે જર્મનીને ૫-૦થી પરાસ્ત કર્યું હતું. સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત, એચ. એસ. પ્રણોય અને પ્રિયાંશુ રાજાવતે પોતાની મૅચ જીતી લીધી હતી. ડબલ્સમાં સાત્ત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી તથા ક્રિષ્ના પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજાલાની જોડીએ વિજય મેળવ્યો હતો.

sports sports news