News in short: આફ્રિકા કપની આક્રમક શરૂઆત

11 January, 2022 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આફ્રિકાના ૨૪ દેશો વચ્ચે શરૂ થયેલી આફ્રિકા કપ ઑફ નેશન્સ ફુટબૉલ સ્પર્ધાની ૩૩મી સીઝન રવિવારે શરૂ થઈ હતી

આફ્રિકા કપની આક્રમક શરૂઆત

આફ્રિકાના ૨૪ દેશો વચ્ચે શરૂ થયેલી આફ્રિકા કપ ઑફ નેશન્સ ફુટબૉલ સ્પર્ધાની ૩૩મી સીઝન રવિવારે શરૂ થઈ હતી જેમાં પ્રથમ મૅચમાં એક તબક્કે યજમાન કૅમેરુનનો અને બકિના ફાસો ટીમનો ખેલાડી ટકરાતાં ફુટબૉલ જાણે હૅન્ડબૉલ બની ગયો હતો (ઉપર). આ જ મૅચમાં કૅમેરુનના કૅપ્ટન વિન્સેન્ટ ઍબોઉબાકરે બકિના ફાસો દેશની ટીમ સામે પોતાનો બીજો ગોલ કર્યા પછી આક્રમક મૂડમાં સેલિબ્રેશન કર્યું હતું (નીચે). કૅમેરુને આ મૅચ ૨-૧થી જીતી લીધી હતી.  એ.પી.

સાવચેતી રાખ્યા છતાં હું કોરોના-પૉઝિટિવ થયો : પંકજ અડવાણી

સ્નૂકર અને બિલિયર્ડ્સમાં કુલ મળીને ૨૩ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલો ૩૬ વર્ષનો પંકજ અડવાણી કોરોનાગ્રસ્ત થયો છે. ગઈ કાલે સવારે તે ઊંઘમાંથી ઊઠ્યો ત્યારે તેને તાવ હતો અને શરીરમાં થોડી ધ્રુજારી પણ હતી. તેણે ઘરમાં જ ટેસ્ટ-કિટ પરથી જાણ્યું કે તે કોવિડ-પૉઝિટિવ છે. તેણે પી.ટી.આઇ.ને જણાવ્યું હતું કે ‘હું તમામ પ્રકારનાં કોવિડને લગતાં નિયંત્રણો પાળતો હતો અને બધી સાવચેતી રાખી હતી છતાં મને કોરોના વાઇરસનો ચેપ લાગી ગયો. હું બધાને સલાહ આપવા માગું છું કે આ ત્રીજી લહેરમાં બધાએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. મહેરબાની કરીને પોતાને સેફ રાખો અને કોઈ પણ પ્રકારનું બિનજરૂરી જોખમ ન ઉઠાવો. આપણા બધા માટે અત્યારે મુશ્કેલ સમયગાળો ચાલી રહ્યો છે. મેં દવા લીધી છે અને અઠવાડિયામાં સાજો થવાની આશા રાખું છું.’

૩૨ પ્લેયર્સને કોવિડ : કૂચ બિહારની મૅચો મોકૂફ

અન્ડર-19 કૂચ બિહાર ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી ટીમના ઘણા પ્લેયરો અને સપોર્ટ-સ્ટાફના મેમ્બરો કોરોનાગ્રસ્ત હોવાથી આ ટુર્નામેન્ટની આજે પુણેમાં શરૂ થનારી નૉકઆઉટ મૅચો બીસીસીઆઇએ મોકૂફ રાખી છે. આ સ્પર્ધા સાથે સંકળાયેલી ૮ ટીમના કુલ ૩૮ જણને કોવિડ થયો છે. એમાં ૩૨ ખેલાડીઓ અને ૬ સ્ટાફ મેમ્બરો સામેલ છે.

અજાઝ પટેલ બન્યો ‘પ્લેયર ઑફ ધ મન્થ

તાજેતરમાં વાનખેડેમાં ભારત સામેની ટેસ્ટના એક દાવમાં તમામ ૧૦ વિકેટ લેનાર ન્યુ ઝીલૅન્ડનો સ્પિનર અજાઝ પટેલ ‘આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ’ અવૉર્ડનો વિજેતા ઘોષિત થયો છે. મયંક અગરવાલ અને મિચલ સ્ટાર્ક પણ આ પુરસ્કાર માટેના દાવેદાર હતા. આઇસીસી વોટિંગ ઍકૅડેમીના મેમ્બર જે. પી. ડુમિનીએ અજાઝની પ્રશંસા કરતાં કહ્યું કે તેણે એવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે જે ક્રિકેટપ્રેમીઓને વર્ષો સુધી યાદ રહેશે.

sports news football