ગરીબોને જમાડવા ભારતીય મહિલા હૉકી ટીમ એકત્ર કરશે ભંડોળ

18 April, 2020 08:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગરીબોને જમાડવા ભારતીય મહિલા હૉકી ટીમ એકત્ર કરશે ભંડોળ

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાઇરસને કારણે ઘણા લોકોનું જીવન અસરગ્રસ્ત થયું છે. આ વાઇરસને લીધે જે ગરીબ લોકોનું જીવન અસરગ્રસ્ત થયું છે તેમને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ભારતીય મહિલા હૉકી ટીમ ભંડોળ એકત્ર કરશે. આ માટે તેમણે ૧૮ દિવસની ફન ફિટનેસ ચૅલેન્જ ગઈ કાલથી શરૂ કરી છે. આ ચૅલેન્જના માધ્યમથી લોકો પાસેથી ભંડોળ એકત્ર કરવામાં આવશે અને તેમને આ લૉકડાઉનના ગાળામાં ઍક્ટિવ લાઇફસ્ટાઇલ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. ભારતીય મહિલા હૉકી ટીમની કપ્તાન રાનીએ કહ્યું કે ‘કોવિડ-19ની આ કપરી પરિસ્થિતિમાં લાખો લોકોનાં જીવનને અસર પહોંચી છે અને એ વિશે આપણે રોજ સમાચાર અથવા તો સોશ્યલ મીડિયા પર વાંચતા હોઈએ છીએ. ઘણા લોકો ખાવા માટે પણ તલસી રહ્યા છે માટે અમે નક્કી કર્યું છે કે એક ટીમ તરીકે અમે તેમને મદદ કરીશું. અમે જ્યારે આ વિશે બ્રેઇનસ્ટ્રોમિંગ કર્યું ત્યારે અમને ફિટનેસ ચૅલેન્જનો વિચાર આવ્યો. આ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન અમે લોકોને ઍક્ટિવ રહેવાની અપીલ કરીશું. અમારું લક્ષ્ય અંદાજે ૧૦૦૦ પરિવારોને ભોજન પૂરું પાડવાનું છે. દરેક દિવસે અમે મસ્તીભરી નવી ચૅલેન્જ આપીશું. જે લોકો આ ચૅલેન્જ લેવા માગે છે તેઓ ૧૦૦ રૂપિયા અથવા વધારે ડોનેટ કરી શકે છે. અમને લાગે છે કે લોકો અમને આ કામમાં જરૂર મદદ કરશે. ભારતીય મહિલા હૉકી ટીમની મોટા ભાગની યુવતીઓ ગરીબ પરિવારમાંથી આવે છે અને અમે સ્ટ્રગલ કરતા દિવસો જોયા છે. આજે અમે એ પોઝિશન પર છીએ કે ગરીબ અને ભૂખ્યા પરિવારને મદદ કરી શકીએ. થોડા દિવસ પહેલાં જ મારા પપ્પાએ મને કહ્યું હતું કે જો હું હૉકી ન રમી હોત તો અમે આજે પણ ગરીબીમાં જ રહ્યા હોત અને કદાચ આ ગરીબ પરિવારમાંના જ એક હોત અને ભોજન માટે રિબાતાં હોત. આ સાંભળીને મારું હૃદય દ્રવી ઊઠ્યું. અમારી ટીમની ઘણી છોકરીઓએ એવા દિવસ જોયા છે અને જ્યારે ખાવાનું ન મળે ત્યારે જે દર્દ થાય એ પણ અમે અનુભવ્યું છે. અમે આ નવા જીવન માટે હૉકીના આભારી છીએ, કેમ કે આવી તક બધાને નથી મળતી.’

sports sports news hockey indian womens hockey team