લેજન્ડરી ખેલાડી કોબી બ્રાયન્ટ અને તેની દીકરીનું અકસ્માતમાં મૃત્યુ

27 January, 2020 10:10 AM IST  |  Los Angeles | Mumbai Desk

લેજન્ડરી ખેલાડી કોબી બ્રાયન્ટ અને તેની દીકરીનું અકસ્માતમાં મૃત્યુ

દીકરી જિયાના સાથે કોબી બ્રાયન્ટ - તસવીર સૌજન્ય એનબીએ ટ્વીટર એકાઉન્ટ

અમેરિકાનાં દિગ્ગજ બાસ્કેટ બોલ ખેલાડી કોબી બ્રાયન્ટ અને તેમની 13 વર્ષની દીકરી જિયાના મારિયા ઓનોર બ્રાયન્ટ સહિત સાત જણા એક હેલિકૉપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. સિટી ઑફ કૈલાબૈસસનાં અધિકૃત ટ્વિટર એકાઉન્ટે પણ આ સમાચારની પુષ્ટી આપી છે. કેલિફોર્નિયાથી 65 કિલો મિટર દૂર આ ઘટના ઘટી હતી. કોબીની સરખામણી બાસ્કેટ બોલનાં લેજન્ડ એવા માઇકલ જોર્ડન સાથે થતી હતી. વીસ વર્ષ સુધી એન્જલ્સ લેકર્સ ટીમ સાથે રમેલા કોબીએ અનેક યાદગાર મેચ ખેલી હતી. 

 

 

આ ભયાનક દુર્ઘટનાને પગલે ભારતીય ખેલ વિશ્વમાં પણ શોકની લાગણી છવાઇ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ પણ કોબી બ્રાયન્ટના મૃત્યુ અંગ શોકની લાગણી વ્યક્ત કરી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અત્યારે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે અને ત્યાંથી જ તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર કોબી બ્રાયન્ટના મોત અંગે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે આ જે થયું તે બહુ જ ખોટું થયું છે. પોતાની ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં વિરાટે લખ્યું કે, "આજે આ સમાચાર સાંભળીને બહુ ખરાબ લાગી રહ્યું છે. નાનપણની કેટલી બધી યાદો તેમને જોઇને પસાર થઇ છે. કોર્ટમાં જે રીતે આ જાદુગર કામ કરતો તે જોઇને બહુ સારું લાગતું. હું તો તેમને જોઇને મંત્રમુગ્ધ થઇ જતો. જીવન કેટલું અનપેક્ષિત અને ચંચળ છે. તેમની દીકરી જિયાના પણ આ દુર્ઘટનામાં મૃત્યુ માપી છે. મારું હ્રદય ભાંગી ગયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે, પરિવારને શક્તિ અને સંવેદના આપે."

 

 

રોહિત શર્માએ પણ કોબી બ્રાયંટના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. હિટમેને પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કોબી અને તેમની દીકરીનો ફોટોગ્રાફ શેર કર્યો છે અને લખ્યું છે કે, "આજનો દિવસ ખેલ વિશ્વ માટે બહુ જ દુઃખદ છે. બાસ્કેટબોલના એક મહાન ખેલાડીએ જલ્દી જ દુનિયાને અલવિદા કહી દિધું. કોબી બ્રાયન્ટ ભગવાન તમને અને તમારી દીકરી જિયાના સહિત દરેક મૃતકની આત્માને શાંતિ અર્પે."

 

 

સીએનએન અનુસાર પાંચ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન ચેમ્પિયનશીપ જીતવા વાળા કોબી બ્રાયંટ સાથે આ ઘટના ત્યારે ઘટી જ્યારે કૈલાબેસસ શહેરમાં ધુમ્મસ છવાયું હતું. અહીંથી જેવું હેલિકૉપ્ટર પસાર થયું તો તેમાં આગ લાગી ગઇ અને તે ક્રેશ થઇ ગયું. આ હેલિકૉપ્ટરમાં દિગ્ગજ ખેલાડી, તેમની દીકરી અને સાથે અન્ય સાત જણાનું મૃત્યુ થયું. 41 વર્ષનાં કોબી બ્રાયંટ અને તેમની દીકરી જિયાના, રવિવારે બપોરે થાઉઝન્ડ ઑક્સની મામ્બા સ્પોર્ટ્સ એકેડેમીમાં થનારી એક બાસ્કેટ બોલ મેચમાં હિસ્સો લેવાના હતા પરંતુ એક પહાડી પર તેમનું હેલિકૉપ્ટર ક્રેશ થઇ ગયું.

sports national basketball association virat kohli rohit sharma basketball