લોન બૉલમાં ગોલ્ડ જીતનાર નયનમોની સૈકિયાએ ગુજરાતની ખેલાડીને હરાવી

29 September, 2022 12:02 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં આયોજિત કૉમનવેલ્થમાં ઇતિહાસ સર્જનારી આસામની ખેલાડીનું નૅશનલ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન

નયનમોની સૈકિયા

ગુજરાતમાં આયોજિત નૅશનલ ગેમ્સમાં ગઈ કાલે કૉમનવેલ્થ ગેમ્સની લોન બૉલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર આસામની નયનમોની સૈકિયાએ તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તેણે બે સિંગલની અને ટીમ ગેમ સરળતાથી જીતી લીધી હતી. ગ્રુપ-એની પહેલી મૅચમાં તેણે ગુજરાતની વૈશાલી મકવાણાને ૨૩-૦થી હરાવી હતી, તો પશ્ચિમ બંગાળની બીના શાહને ૨૧-૧૦થી હરાવી હતી. અમદાવાદના કેન્સવિલે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં યોજાયેલી આ સ્પર્ધાન‌ી ટીમ મૅચમાં તેણે મણિપુરની ટીમને ૩૩-૩થી હરાવી હતી.  

ગયા મહિને બર્મિંગહૅમમાં રમાયેલી લોન બૉલ ગેમમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેળવ્યો હતો, જેની નયનમોની પણ એક સભ્ય હતી. આસામની ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ નયમમોનીએ કહ્યું કે ગોલ્ડ મેડલને લીધે લોન બૉલને ઘણી લોકપ્રિયતા મળી છે, પરંતુ અમે નથી ઇચ્છતા કે આ ઘટના માત્ર અપવાદરૂપ બને અને એની લોકપ્રિયતા ટકી રહે એ માટે અમે શાનદાર પ્રદર્શન કરતા રહીશું.

દરમ્યાન ભાવનગરમાં રમાયેલી પુરુષોની નેટબૉલ સ્પર્ધાની ફાઇનલમાં ગુજરાતની ટીમે પંજાબને ૫૭-૩૩થી હરાવી હતી. ગુજરાતની ટીમ હવે ગ્રુપ-બી અને ગ્રુપ-એ ટીમના ટૉપર્સના વિજેતા સાથે ટકરાશે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટે‌ડિયા સ્ટેડિયમમાં યોજાયેલી રગ્બી સ્પર્ધામાં દિલ્હી અને પશ્ચિમ બંગાળની પુરુષોની ટીમે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

sports sports news