નેપોલીની પહેલી હાર : ચૅમ્પિયન ઇન્ટર મિલાન હવે બરાબરીમાં

23 November, 2021 06:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બન્ને હરીફ ટીમ ૧૩-૧૩ મૅચમાં ૧૦-૧૦ મૅચ જીતી છે, ૧-૧ મૅચ હારી છે અને ૨-૨ મૅચ ડ્રૉ કરી છે. ઇન્ટર મિલાન ટીમ ૨૮ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.

ઇટાલિયન લીગમાં જોરદાર રસાકસી

સેરી-એ તરીકે ઓળખાતી ઇટાલિયન ફુટબૉલ લીગમાં શનિવાર પહેલાં નેપોલીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે હતી અને આ સીઝનમાં એકેય વાર હારી નહોતી, પરંતુ ગયા વખતની ચૅમ્પિયન ઇન્ટર મિલાન એને ૩-૨થી હરાવીને ત્રીજા નંબરે આવી ગઈ છે. હવે સ્થિતિ એ છે કે નેપોલી અને એ. સી. મિલાન ૩૨-૩૨ પૉઇન્ટ સાથે બરાબરીમાં છે. આ બન્ને હરીફ ટીમ ૧૩-૧૩ મૅચમાં ૧૦-૧૦ મૅચ જીતી છે, ૧-૧ મૅચ હારી છે અને ૨-૨ મૅચ ડ્રૉ કરી છે. ઇન્ટર મિલાન ટીમ ૨૮ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.
પાંચેપાંચ સ્પર્ધાની એકમાત્ર અપરાજિત
નેપોલીની ટીમ ઇટાલિયન લીગમાં તો શું, યુરોપની પાંચેપાંચ લીગ ટુર્નામેન્ટમાં આ સીઝનમાં એકેય મૅચ ન હારનારી ટીમ હતી. આ સ્પર્ધાઓની બાકીની બધી ટીમ ઓછામાં ઓછી એક મૅચ હારી જ હતી, પરંતુ શનિવારે ૧૩મા રાઉન્ડમાં નેપોલીનો અપરાજિત રહેવાનો સિલસિલો તૂટ્યો હતો. ઇન્ટર મિલાન વતી આર્જેન્ટિનાના લૌટેરો માર્ટિનેઝે ૬૧મી મિનિટે ઇન્ટર મિલાન વતી ત્રીજો ગોલ કર્યો હતો. ત્યાર પછી ૭૮મી મિનિટે નેપોલીના ડ્રિસ મર્ટેન્સે ગોલ કર્યો હતો જે ટીમનો બીજો ગોલ હતો, પણ પછી નેપોલીનો એકેય ગોલ ન થતાં ઇન્ટર મિલાનનો ૩-૨થી પરાજય થયો હતો.
અન્ય સ્પર્ધાઓમાં શું બન્યું
લા લીગા તરીકે જાણીતી સ્પૅનિશ લીગમાં રિયલ મૅડ્રિડે સતત ચોથી જીત મેળવીને ટેબલ પર મોખરાનું સ્થાન જાળવ્યું હતું. એણે ગ્રેનેડાને ૪-૧થી હરાવ્યું હતું.
ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ટોટનહૅમની ટીમ સતત છઠ્ઠા હાફમાં ગોલ વિનાની રહી હતી, પરંતુ લીડ્સ યુનાઇટેડ સામેની મૅચના ફર્સ્ટ હાફના અંતે એના ચાહકોએ ટોટનહૅમના ખેલાડીઓનો હુરિયો બોલાવ્યા બાદ બીજા હાફમાં આ ટીમે બે ગોલ કરીને લીડ્સને ૨-૧થી હરાવી હતી. 
આ સ્પર્ધામાં ચેલ્સી ૨૯ પૉઇન્ટ સાથે મોખરે છે. આ જ સ્પર્ધાની અન્ય મૅચમાં બીજા નંબરની મૅન્ચેસ્ટર સિટીએ ૧૧મા ક્રમની એવર્ટનને ૩-૦થી હરાવી હતી.

કિક આૅફ ધ મૅચ

મેક્સિકોમાં રવિવારે એક ફુટબૉલ ટુર્નામેન્ટની મૅચમાં ક્રૂઝ એઝુલના પારાગ્વે દેશના ડિફેન્ડર યુઆન ઍસ્કોબારે (ડાબે) મૉન્ટેરી ટીમના આર્જેન્ટિનિયન ખેલાડી મૅક્સ મેઝાની પીઠ પર સવાર થઈને બૉલને કિક લગાવીને એને પોતાના કબજામાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ મૅચમાં મૉન્ટેરીએ ક્રૂઝ એઝુલને ૪-૧થી હરાવી હતી. વિજેતા ટીમનો ત્રીજો ગોલ મૅક્સ મેઝાએ કર્યો હતો.  એ.એફ.પી.

sports news sports