નડાલ, મેડવેડેવ, બાર્ટી, કૉલિન્સને ઐતિહાસિક વિજેતાપદની તલાશ

28 January, 2022 03:44 PM IST  |  Mumbai | Agency

ટેનિસના ઓપન યુગમાં પ્રથમ મોટું (ગ્રૅન્ડ સ્લૅમ) ટાઇટલ જીત્યા પછી સતત બીજી ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાનું ટાઇટલ જીતનારો તે પ્રથમ ખેલાડી બનશે.

નડાલ, મેડવેડેવ, બાર્ટી, કૉલિન્સને ઐતિહાસિક વિજેતાપદની તલાશ

૨૦૨૨ના વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપનમાં ક્લાઇમૅક્સ નજીક આવી ગઈ છે. પુરુષોની આજની એક સેમી ફાઇનલમાં સ્પેનનો રાફેલ નડાલ ઇટલીના મૅટિયો બેરેટિની સામે રમશે, જ્યારે બીજી સેમી ફાઇનલ વર્લ્ડ નંબર-ટૂ ડેનિલ મેડવેડેવ અને ચોથા ક્રમના સ્ટેફાનોસ સિત્સીપાસ વચ્ચે રમાશે.
નડાલની આજે સેમી ફાઇનલ
નડાલ અને મેડવેડેવ બન્નેને અલગ રીતે નવો ઇતિહાસ સર્જવાનો મોકો છે, પરંતુ તેમનામાંથી કોઈ એક જ જણ એ સર્જી શકશે, કારણકે જો પોતપોતાની સેમીમાં તેઓ જીતશે તો ફાઇનલમાં સામસામે આવી જશે. નડાલને રૉજર ફેડરર અને નોવાક જૉકોવિચની ગેરહાજરીમાં વિક્રમજનક ૨૧મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સૌપ્રથમ ખેલાડી બનવાનો સુવર્ણ અવસર મળ્યો છે અને તે એ અમૂલ્ય ટ્રોફીથી બે જ ડગલાં દૂર છે. મેડવેડેવ ૨૦૨૧ના વર્ષની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા યુએસ ઓપનનું ટાઇટલ જીત્યો હતો જે તેનું પહેલું જ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ હતું. ટેનિસના ઓપન યુગમાં પ્રથમ મોટું (ગ્રૅન્ડ સ્લૅમ) ટાઇટલ જીત્યા પછી સતત બીજી ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાનું ટાઇટલ જીતનારો તે પ્રથમ ખેલાડી બનશે.
ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર વન ઍશ બાર્ટી પોતાના જ દેશની આ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાના સિંગલ્સના ટાઇટલથી હજી સુધી વંચિત રહી છે, પણ તે ફાઇનલમાં પહોંચી ગઈ હોવાથી હવે એ ટ્રોફી તેના હાથવેંતમાં જ છે. 
બાર્ટીએ ગઈ કાલે સેમી ફાઇનલમાં અનસીડેડ ખેલાડી મૅડિસન કીઝને ૬-૧, ૬-૩થી હરાવી હતી. અગાઉ છેક ૧૯૮૦માં ઑસ્ટ્રેલિયાની વેન્ડી ટમ્બલ પોતાના જ દેશની આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને હવે બાર્ટીએ તેની બરાબરી કરી છે. ૧૯૭૮માં ક્રિસ ઑનીલની જીત પછી એકેય મહિલા ઑસ્ટ્રેલિયન આ સ્પર્ધાનો સિંગલ્સનો તાજ નથી જીતી જે હવે બાર્ટીને જીતવાનો મોકો મળ્યો છે.
ફાઇનલમાં બાર્ટી વિરુદ્ધ કૉલિન્સ
ઍશ બાર્ટી શનિવારની ફાઇનલમાં અમેરિકાની ડેનિયેલ કૉલિન્સ સામે રમશે. કૉલિન્સે ગઈ કાલે સેમી ફાઇનલમાં પોલૅન્ડની ઇગા સ્વાન્ટેકને ૬-૪, ૬-૧થી હરાવીને પહેલી જ વાર ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કૉલિન્સે હજી એપ્રિલમાં પેટની સર્જરી કરાવી હતી. તેની ૨૭મી રૅન્ક છે અને શનિવારની ફાઇનલમાં બાર્ટીને હરાવવા માટે ફેવરિટ તો નથી, પણ ગઈ કાલે જે આસાનીથી તેણે સાતમી ક્રમાંકિત સ્વાન્ટેકને પરાજિત કરી એ જોતાં બાર્ટી તેનાથી જરૂર ચેતી તો જશે જ.

ઑસ્ટ્રેલિયન ઓપનની ડબલ્સમાં ચારેય ખેલાડી ઑસ્ટ્રેલિયાના

ઑસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષોની ડબલ્સની ફાઇનલમાં અનોખી સ્થિતિ સર્જાઈ છે. ડબલ્સની ફાઇનલમાં જે બે જોડીએ પ્રવેશ કર્યો છે એમાંના ચારેચાર ખેલાડીઓ યજમાન ઑસ્ટ્રેલિયાના છે. ગઈ કાલે ડબલ્સની પહેલી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસ તથા થનાસી કૉકિનાકિસની જોડીએ સ્પેન-આર્જેન્ટિનાના માર્સેલ ગ્રૅનોલર્સ તથા હૉરેસિયો ઝેબાલૉસને ૭-૪, ૬-૪થી હરાવ્યા હતા. બીજી સેમીમાં ઑસ્ટ્રેલિયાના મૅથ્યુ એબ્ડેન તથા મૅક્સ પર્સેલે અમેરિકા-બ્રિટનના રાજીવ રામ તથા જો સેલિસબરીને ૬-૩, ૧૧-૯થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ 
કર્યો હતો.

sports news sports