N‍ews In Short: સમીર વર્લ્ડ નંબર થ્રી સામે જીત્યો : લક્ષ્ય હારી ગયો

23 October, 2021 03:40 PM IST  |  New Delhi | Agency

વિશ્વના ૨૮મા નંબરના સમીરનો ૫૦ મિનિટમાં ૨૧-૧૪, ૨૧-૧૮થી વિજય થયો હતો. જોકે લક્ષ્ય સેનનો ઑલિમ્પિક્સ વિજેતા વિક્ટર ઍક્સલસેન સામે ૧૫-૨૧, ૭-૨૧થી પરાજય થયો હતો.

સમીર વર્લ્ડ નંબર થ્રી સામે જીત્યો : લક્ષ્ય હારી ગયો

ડેન્માર્ક ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે ભારતના સમીર વર્માએ વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ઍન્ડર્સ ઍન્ટોન્સનને સ્ટ્રેઇટ ગેમ્સથી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વના ૨૮મા નંબરના સમીરનો ૫૦ મિનિટમાં ૨૧-૧૪, ૨૧-૧૮થી વિજય થયો હતો. જોકે લક્ષ્ય સેનનો ઑલિમ્પિક્સ વિજેતા વિક્ટર ઍક્સલસેન સામે ૧૫-૨૧, ૭-૨૧થી પરાજય થયો હતો.

ઉમેશ યાદવ વિદર્ભની ટી૨૦ ટીમમાં : અક્ષય બન્યો કૅપ્ટન

ચોથી નવેમ્બરે સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટ્રોફી શરૂ થઈ રહી છે અને એ માટે ગઈ કાલે જાહેર કરવામાં આવેલી વિદર્ભની ટીમમાં પેસ બોલર ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યો છે. અક્ષય વાડકર આ ટીમનો કૅપ્ટન છે. ઉમેશ ભારત વતી ૪૯ ટેસ્ટ અને ૭૫ વન-ડે રમી ચૂક્યો છે. ટીમમાં તેની સાથેના બીજા મુખ્ય બોલરોમાં દર્શન નાલકંડે અને યશ ઠાકુરનો સમાવેશ છે. વિદર્ભની ટીમ ૨૦૧૮ અને ૨૦૧૯માં રણજી ચૅમ્પિયન બની હતી.
દરમ્યાન મુશ્તાક અલી ટ્રોફી માટેની મુંબઈની ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપાયું છે.

ભારતમાં વિદેશી હૉકી ટીમને ક્વૉરન્ટીન થવામાંથી અપાઈ મુક્તિ

આવતા મહિને ભુવનેશ્વરમાં પુરુષોનો જુનિયર હૉકી વર્લ્ડ કપ યોજાવાનો છે અને એમાં ભાગ લેવા વિદેશથી આવનારી ટીમોને ક્વૉરન્ટીન થવામાંથી મુક્તિ અપાઈ છે. જોકે આ વિદેશી ખેલાડીઓ અને તેમના સ્ટાફે ભારતમાંના રોકાણ દરમ્યાન પોતાને કોવિડને લગતાં લક્ષણ છે કે નહીં એનું સમયાંતરે ચેક-અપ કરાવવું પડશે. આ નિર્ણય ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાએ સ્પોર્ટ્સ મંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી એલ. એસ. સિંહની વિનંતીના આધારે લીધો છે.

sports news sports