૯૦ મીટરનો ટાર્ગેટ ચૂક્યો, પણ મારા બેસ્ટ થ્રોએ બધી નિરાશા દૂર કરી : નીરજ ચોપડા

02 July, 2022 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વીડનની સ્પર્ધામાં ૮૯.૯૪ મીટરના નવા નૅશનલ રેકૉર્ડ સાથે જીત્યો સિલ્વર

ગુરુવારે સ્વીડનની હરીફાઈમાં બીજા નંબરે આવ્યા બાદ નીરજ ચોપડા. તે હવે ૧૫ જુલાઈએ અમેરિકામાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે. પી.ટી.આઇ.

૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઈમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર ભારતના નીરજ ચોપડાએ ગુરુવારે સ્વીડનમાં સ્ટૉકહોમ ડાયમન્ડ લીગ નામની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ૯૦ મીટરનો લક્ષ્યાંક જરાક માટે ચૂકી ગયા પછી અને સિલ્વર મેડલ મેળવ્યા બાદ કહ્યું કે ‘હું ભલે ૯૦ મીટર સુધી ભાલો ન ફેંકી શક્યો, પણ ૮૯.૯૪ મીટરનો મારો બેસ્ટ-એવર થ્રો નોંધાવી શક્યો એનાથી હું બહુ ખુશ છું અને મારી બધી નિરાશા દૂર થઈ ગઈ છે.’
૨૪ વર્ષનો નીરજ સ્ટાર-ઍથ્લીટ્સની હાજરી વચ્ચે ફક્ત ૬ સેન્ટિમીટર માટે ૯૦ મીટરનો માર્ક ચૂકી ગયો હતો. જોકે તેણે ૮૯.૩૦ મીટરનો પોતાનો રાષ્ટ્રીય વિક્રમ તોડી નાખ્યો હતો. ગ્રેનાડાનો વર્લ્ડ ચૅમ્પિયન ઍન્ડરસન પીટર્સ ત્રીજા પ્રયાસમાં ૯૦.૩૧ મીટરના સૌથી લાંબા થ્રો બદલ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જર્મનીનો વિશ્વનો ચોથા નંબરનો જુલિયન વેબર ૮૯.૦૮ મીટરના થ્રો સાથે નીરજ ચોપડા પછી ત્રીજા નંબરે આવતાં બ્રૉન્ઝ જીત્યો હતો.

sports news neeraj chopra