મૅન્ચેસ્ટર સિટીની વિજયકૂચ અટકી : ડ્રોનને કારણે મૅચમાં બ્રેક

24 January, 2022 12:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મૅન્ચેસ્ટરની મૅચમાં સધમ્પ્ટનના કાઇલ વૉકર-પીટર્સે ગોલ કર્યો ત્યાર પછી ૬૫મી મિ‌નિટે સિટીના ઍમેરિક લાપોર્ટનો હેડરથી ગોલ થયો ત્યાર બાદ મૅચમાં એકેય ગોલ નહોતો થયો

બ્રેન્ટફર્ડમાં રવિવારે મૅચ દરમ્યાન અચાનક બ્રેન્ટફર્ડ અને વલ્વ્ઝ વચ્ચેની મૅચ દરમ્યાન આકાશમાં ડ્રોન (ઉપર) દેખાતાં રેફરીએ તમામ પ્લેયરોને મેદાનની બહાર મોકલી દીધા હતા. (તસવીર : એ.પી.)

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં મોખરાની ટીમ મૅન્ચેસ્ટર સિટીની શનિવારે સધમ્પ્ટન સામેની મૅચ ૧-૧થી બરાબરીમાં રહેતાં સિટીએ લાગલગાટ ૧૨ જીત પછી પહેલી વાર ડ્રૉનું પરિણામ જોવું પડ્યું હતું. એક તરફ ઈપીએલની આ સીઝનમાં સૌથી વધુ ૫૭ પૉઇન્ટ ધરાવતી સિટીની ટીમે મૅન્ચેસ્ટરમાં બે પૉઇન્ટ ગુમાવવા પડ્યા હતા ત્યાં બીજી બાજુ વેસ્ટ લંડનમાં બ્રેન્ટફર્ડ અને વલ્વ્ઝ વચ્ચેની મૅચ દરમ્યાન ડ્રોન આકાશમાં ચકરાવો લઈ રહ્યું હોવાનું દેખાતાં રેફરીએ તમામ ખેલાડીઓને મેદાનની બહાર જતા રહેવાની સૂચના આપી હતી. ડ્રોનને કારણે ૨૦ મ‌િનિટ સુધી રમત અટકી હતી અને ફરી બધા રમવા આવ્યા ત્યાર બાદ છેવટે વલ્વ્ઝે ૨-૧થી વિજય મેળવ્યો હતો.
મૅન્ચેસ્ટરની મૅચમાં સધમ્પ્ટનના કાઇલ વૉકર-પીટર્સે ગોલ કર્યો ત્યાર પછી ૬૫મી મિ‌નિટે સિટીના ઍમેરિક લાપોર્ટનો હેડરથી ગોલ થયો ત્યાર બાદ મૅચમાં એકેય ગોલ નહોતો થયો.
રેશફર્ડની છેલ્લી કિકથી એમયુની જીત
ઈપીએલમાં ૧૮મા નંબરની ન્યુ કૅસલની ટીમે શનિવારે લીડ્સ યુનાઇટેડ સામે ૧-૦થી વિજય મેળવ્યો હતો. ન્યુ કૅસલે આ પહેલાં ૨૦ મૅચમાં માત્ર એક જીત મેળવી હતી. અન્ય મૅચોમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)નો વેસ્ટ હૅમ સામે ૧-૦થી વિજય થયો હતો. ઇન્જરી ટાઇમમાં ૯૩મી મ‌િનિટ સુધી બન્ને ટીમ ૦-૦ની બરાબરીમાં હતી, પણ મૅચની લગભગ છેલ્લી કિક માર્કસ રેશફર્ડે મારી હતી અને એમાં ગોલ થતાં એમયુનો એક્સાઇટિંગ વિજય થયો હતો. વેસ્ટ હૅમને હટાવી એમયુ હવે પૉઇન્ટ્સમાં ચોથા નંબરે છે.
નૉર્વિચ સિટીનો વૉટફર્ડ સામે ૩-૦ અને ઍસ્ટન વિલાનો એવર્ટન સામે ૧-૦થી વિજય થયો હતો.
ઍટ્લેટિકોની બે મિનિટમાં બે ગોલથી જીત
સ્પેનની લા લીગા લીગમાં શનિવારે ચોથા નંબરની ઍટ્લેટિકો મૅડ્રિડે નવમા ક્રમની વૅલેન્સિયા સામે ૩-૨થી નાટ્યાત્મક જીત મેળવી હતી. ૯૦ મિનિટના ફુલ ટાઇમ સુધી ઍટ્લેટિકોની ટીમ ૧-૨થી પાછળ હતી અને હારવાની તૈયારીમાં જ હતી, પણ ઇન્જરી ટાઇમ શરૂ થયા પછી પહેલી જ મિનિટમાં (કુલ ૯૧મી મિનિટે) એન્જલ કોરિયાના ગોલથી સ્કોર ૨-૨થી બરાબરીમાં થયો હતો અને બે મિનિટ બાદ (૯૩મી મિનિટે) મારિયો હર્મોસોએ ગોલ કરીને ઍટ્લેટિકોને ૩-૨થી રોમાંચક વિજય અપાવ્યો હતો. બીજા નંબરની સવિલાની ટીમની ૧૧મા નંબરની સેલ્ટા વિગો સામેની મૅચ ૨-૨થી ડ્રૉમાં જતાં સવિલાએ મહત્ત્વના બે પૉઇન્ટ ગુમાવ્યા હતા.

sports sports news