લેજન્ડ દોડવીર મિલ્ખા સિંહ કોરોના સામેની રેસ હારી ગયા

20 June, 2021 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, પંજાબે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત અનેક મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ 

લેજન્ડ દોડવીર મિલ્ખા સિંહને જાણીતા સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે પુરી બીચ પર માટીનું શિલ્પ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. પીટીઆઇ

પત્નીના મૃત્યુના પાંચ દિવસ બાદ ફ્લાઇંગ સિખે પણ શુક્રવારે રાતે ૧૧.૩૦ વાગ્યે કર્યું અલવિદા : ટોક્યો ઑલિમ્પિક્સના એક મહિના પહેલાં જ ભારતીય ખેલાડીઓએ ગુમાવ્યા તેમના પ્રેરણામૂર્તિ : પંજાબમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, પંજાબે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત અનેક મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ 

લેજન્ડરી દોડવીર અને ફ્લાઇંગ સિખ તરીકે નામના મેળવનાર મિલ્ખા સિંહનું ૯૧ વર્ષની ઉંમરે શુક્રવારે રાતે ૧૧.૨૦ વાગ્યે કોરોના અને ત્યાર બાદના કૉમ્પ્લીકેશનને કારણે અવસાન થયું હતું. મિલ્ખા સિંહ અને તેમનાં પત્ની નિર્મલદેવી છેલ્લા એક મહિનાથી કોરોના સામે લડી રહ્યાં હતાં. તેમનાં પત્નીનું પાંચેક દિવસ પહેલાં જ મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ બાદ મિલ્ખા સિંહ મનથી તૂટી ગયા હતા અને આખરે શુક્રવારે રાતે તેમણે પણ વિદાય લીધી હતી. મિલ્ખા સિંહનો પુત્ર જીવ મિલ્ખા સિંહ જાણીતો ગોલ્ફ ખેલાડી છે અને તેમની ત્રણ પુત્રીમાંની એક મોના અમેરિકામાં ડૉક્ટર છે. માતા-પિતાને હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ તે અમેરિકાથી ચંડીગઢ આવી ગઈ હતી અને તેમની સારવાર કરનાર ડૉક્ટરોની ટીમમાં તે પણ સામેલ હતી. 
એક મહિનો લડ્યા કોરોના સામે
ગયા મહિને ૧૯ મેએ મિલ્ખા સિંહનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. પહેલાં તેમને ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવ્યા હતા, પણ ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેએક દિવસ બાદ પત્નીની પણ તબિયત લથડતાં તેમને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો. ૩૦ મેએ  તેઓ હૉસ્પિટલમાંથી ઘરે આવી ગયા હતા. ત્રણેક દિવસ બાદ ફરી તબિયત લથડતાં ત્રીજી જૂને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ૧૩ જૂને પત્ની નિર્મલદેવીનું કોરોનાને લીધે અવસાન થયું હતું. ૧૬ જૂને મિલ્ખા સિંહનો રિપોર્ટ આખરે નેગેટિવ આવ્યો હતો, પણ ૧૮ જૂને ઑક્સિજન-લેવલ ફરી ઓછું થઈ ગયું હતું અને તેમની હાલત સિરિયસ થઈ ગઈ હતી અને આખરે ૧૧.૩૦ વાગ્યે તેમણે પ્રાણ ત્યાગી દીધા હતા. 
મિલ્ખા સિંહના અવસાનના સમાચાર બાદ ખેલાડીઓ, રાજનેતાઓ, ફિલ્મસ્ટારો સહિત અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન, રાષ્ટ્રપતિ સહિત અનેક દિગ્ગજોએ ટ્વીટ કરીને મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે મિલ્ખા સિંહના અવસાન બદલ પંજાબમાં એક દિવસના રાજકીય શોકની ઘોષણા કરી હતી. 
ગઈ કાલે સાંજે પંજાબમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 
જન્મ પાકિસ્તાનમાં
૧૯૨૯ની ૨૦ નવેમ્બરે ગોવિંદપુરા (જે હવે પાકિસ્તાનમાં છે)માં એક સિખ પરિવારમાં મિલ્ખા સિંહનો જન્મ થયો હતો. ભાગલા બાદ તેઓ ભારત આવતા રહ્યા હતા અને ભારતીય સેનામાં સામેલ થઈ ગયા હતા. થોડો સમય સેનામાં ફરજ બજાવ્યા બાદ ખેલ પ્રત્યેના રસને લીધે તેમણે ક્રૉસ કન્ટ્રી દોડમાં ભાગ લીધો, જેમાં ૪૦૦થી વધુ સૈનિકોએ ભાગ લીધો હતો. મિલ્ખા સિંહ એ રેસમાં છઠ્ઠા નંબરે રહ્યા હતા. 
મિલ્ખા સિંહ એકમાત્ર એવા ઍથ્લિટ છે જેઓ એશિયન ગેમ્સમાં અને કૉમનવેલ્થ ગેમ્સ બન્નેમાં ૪૦૦ મીટરની રેસમાં ગોલ્ડ જીત્યા હતા. તેઓ ૧૯૫૮ અને ૧૯૬૨ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે ૧૯૫૬માં મેલબર્નમાં, ૧૯૬૦માં રોમમાં અને ૧૯૬૪માં ટોક્યોમાં યોજાયેલી સમર ઑલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે તેમને ૧૯૬૦માં ઑલિમ્પિક્સ ગેમ્સની ૪૦૦ મીટરની રેસ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. એ રેસમાં એ મેડલથી માત્ર ૦.૧ સેકન્ડથી ચૂકી ગયા હતા. 
વર્ષો સુધી દેશભરમાં ઍથ્લિટો અને અન્ય રમતવીરોને એક લેજન્ડ તરીકે પ્રેરિત કરતા રહેલા મિલ્ખા સિંહને તેમની ઝળહળતી સફળતા બદલ ૧૯૫૮માં દેશનો સિવિલિયન અવૉર્ડ પદ્‍મશ્રીથી એનાયત કરવામાં આવ્યા હતા. ૨૦૦૧માં તેમને અર્જુન અવૉર્ડ માટે એમ કહીને ના પાડી દીધી હતી કે એ અવૉર્ડ યુવા રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે છે. 
મિલ્ખા સિંહે તેમની કરીઅરમાં દુનિયાભરની ૮૦ રેસમાં ભાગ લીધો હતો જેમાંથી ૭૭ જીત્યા હતા જે એક સમયે રેકૉર્ડ હતો. 
એ ૦.૧ સેકન્ડને તેઓ જિંદગીભર ન ભૂલ્યા 
૧૯૬૦માં રોમ ઑલિમ્પિક્સમાં મિલ્ખા સિંહ પાસેથી દેશવાસીઓને મેડલની ભારે આશા હતી. આ સ્પર્ધામાં તેમના સાથીઓને પણ વિશ્વાસ હતો કે મિલ્ખા સિંહ ગોલ્ડ કે સિલ્વર નહીં તો બ્રૉન્ઝ મેડલ જીતશે જ. ઇતિહાસ રચાવાનો છે એક વિશ્વાસ સાથે એ ૪૦૦ મીટરની રેસની બધા રાહ જોઈ રહ્યા હતા અને એ રેસ દરમ્યાન સાથીઓ સાથે દેશવાસીઓનો પણ શ્વાસ થોડા સમય માટે થંભી ગયો હતો. ૨૦૦થી ૨૫૦ મીટર સુધી મિલ્ખા સિંહ આગળ હતા, પણ ત્યાર બાદ એક ભૂલ કરી બેઠા અને થોડા ધીમા થઈ ગયા અને આખરે ૪૫.૬ સેકન્ડના ટાઇમ સાથે ચોથા ક્રમાંકે રહ્યા. બ્રૉન્ઝ મેડલ જીતનાર સાઉથ આફ્રિકન ખેલાડીથી તેઓ માત્ર ૦.૧ સેકન્ડ જ પાછળ હતા. જોકે તેમનો આ ૪૫.૬ સેકન્ડનો ટાઇમ ૪૦ વર્ષ સુધી ભારતીય રેકૉર્ડ રહ્યો હતો.
આ ૦.૧ સેકન્ડનો સમય તેઓ જિંદગીભર ન ભૂલી શક્યા. મિલ્ખા સિંહ પણ હંમેશાં તેમની લાઇફના ક્યારેય ન ભુલાય એવા બે પ્રસંગોમાં આ ૦.૧ સેકન્ડથી હારવાને ગણાવતા હતા. બીજો પ્રસંગ હતો ભાગલા વખતે પાકિસ્તાનમાં તેમનાં માતા-પિતાની હત્યા. 
...તો આજે ઘરે-ઘરે મિલ્ખા હોત
રોમ ઑલિમ્પિક્સની યાદ કરતાં મિલ્ખા સિંહ કહેતા હતા કે ‘આખી દુનિયાને એમ જ લાગતું હતું કે રોમ ઑલિમ્પિક્સની ૪૦૦ મીટરની દોડ મિલ્ખા સિંહ જ જીતશે, પણ હું મારી ભૂલને કારણે મેડલ ન જીતી શક્યો. હું વર્ષોથી રાહ જોઈ રહ્યો છું કે કોઈ બીજો ભારતીય એ કારમાનું કરી બતાવે જે હું ચૂકી ગયો હતો, પણ હજી સુધી કોઈ ઍથ્લિટ ઑલિમ્પિક મેડલ નથી લાવી શક્યો.’
ઍથ્લિટ્સને એક રોલમૉડલની જરૂર છે એમ કહીને મિલ્ખા સિંહ વધુમાં કહ્યું હતું કે ‘જો મેં એ વખતે મેડલ જીતી લીધો હોત તો આજે ભારતમાં પણ જમૈકાની જેમ ઘરે-ઘરે દોડવીરો હોત. એ રોમમાં માત્ર મેડલ જીતવાથી નહોતો ચૂક્યો, પણ દેશને એક રોલમૉડલ અને સપનાં અપાવાથી ચૂકી ગયો હતો. મારા પછી પી. ટી ઉષા અને શ્રીરામ સિંહ પણ મેડલ ચૂકી ગયાં હતાં. જો અમે મેડલ જીત્યા હોત તો યુવાનોમાં આ ગેમ્સ પ્રત્યે પણ એટલો જ ઉત્સાહ હોત જે ધ્યાનચંદ સમયે હૉકીમાં અને ૧૯૮૩ વર્લ્ડ કપ જીત્યા બાદ ક્રિકેટ પ્રત્યે હતો.  

ફ્લાઇંગ સિખ નામ કોણે પાડ્યું?

મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં એક સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા, જ્યાં તેમણે શાનદાર પર્ફોર્મ કરીને બધાનાં દિલ જીતી લીધાં હતાં. મિલ્ખા સિંહે પહેલાં તો જ્યાં તેમનાં માતા-પિતાની હત્યા થઈ હતી એ પાકિસ્તાનમાં જવાની ના પાડી દીધી હતી, પણ વડા પ્રધાન જવાહર લાલ નેહરુની વિનંતીને માન આપીને તેઓ ત્યાં ગયા હતા. એ સમયે એશિયનો સૌથી ઝડપી દોડવીર ગણાતા પાકિસ્તાનના અબ્દુલ ખલિકને મિલ્ખા સિંહે ૨૦૦ અને ૪૦૦ મીટરની રેસમાં હરાવીને સનસનાટી મચાવી હતી. લાહોરમાં ૨૦૦ મીટરમાં અબ્દુલ ખલિકને હરાવવાના પર્ફોર્મન્સને જોઈને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને તેમને ધ ફ્લાઇંગ સિખ નામ આપ્યું હતું. 

ફિલ્મ પણ રહી સુપરહિટ

મિલ્ખા સિંહના પ્રેરણાદાયક જીવન પરથી ૨૦૧૩માં હિન્દી ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ બની હતી. રાકેશ ઓમપ્રકાશ મેહરાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં મિલ્ખા સિંહનો રોલ ફરહાન અખ્તરે કર્યો હતો. ૨૦૧૪માં ૬૧મા રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડ્સમાં આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. એ ઉપરાંત કોરિયોગ્રાફી માટે પણ ફિલ્મને અવૉર્ડ મળ્યો હતો. એક ખેલાડીના જીવન પરની ફિલ્મ થતાં ત્યાર બાદ બૉલીવુડમાં અનેક બીજી એવી ફિલ્મો બની હતી જેમાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પરની ‘એમ. એસ. ધોની - ધ ટોલ્ડ સ્ટોરી’ અને રેસલર મહાવીર સિંહ ફોગાટ પરની ‘દંગલ’નો સમાવેશ છે.

ટોક્યો બાદ નિવૃત્તિ,    ટોક્યો પહેલાં વિદાય
મિલ્ખા સિંહે ૧૯૬૪માં ટોક્યો ઑલિમ્પિક્સ બાદ નિવૃત્ત જાહેર કરી દીધી હતી. હવે આવતા મહિને ટોક્યો ઑલિમ્પિક્સ યોજાવાની છે ત્યારે તેમણે ભાવભીની વિદાય લઈ લીધી છે. 

 આપણે એક મહાન ખેલાડીને ગુમાવી દીધો છે, જેમણે દેશવાસીઓના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. પ્રેરણાત્મક વ્યક્તિત્વને કારણે તેઓ લાખો લોકોના પ્રિય હતા. તેમના નિધનથી દુખી છું. થોડા દિવસ પહેલાં જ મિલ્ખા સિંહ સાથે વાત કરી હતી. ખબર નહોતી કે આ તેમની સાથેની છેલ્લી વાત હશે.
નરેન્દ્ર મોદી, વડા પ્રધાન 

 મિલ્ખા સિંહના નિધનના સમાચારથી દુખી છું. તેમના સંઘર્ષની વાત આવનારી પેઢીને પ્રેરણા આપતી રહેશે. 
રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ

 મારા આદર્શ અને પ્રેરણામૂર્તિના નિધનથી અંત્યત દુખી છું. તેમના અડગ નિર્ણય અને સખત પરિશ્રમની વાતોએ લાખો લોકોને પ્રેરણા આપી છે અને આપતી રહેશે. 
પી. ટી.ઉષા, ભૂતપૂર્વ ઍથ્લિટ

 આ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું. ભારતના મહાન ઍથ્લિટે હજારો યુવાઓને ઍથ્લિટ બનવાની પ્રેરણા આપી. તમને બહુ નજીકથી સમજવાનો લાભ મને મળ્યો.
સૌરવ ગાંગુલી

 તમે રહ્યા નથી એ હું માની શકતો નથી. કદાચ તમારા વારસામાંથી મને મળેલી જીદ આવું કરવા પ્રેરી રહી છે. તમે એક વિચાર, એક સપના સમાન છો, જે જણાવે છે કે અથાક મહેનત, પ્રામાણિકતાથી મનુષ્ય આકાશને પણ આંબી શકે છે. 
ફરહાન અખ્તર

sports news sports milkha singh