પિસ્તોલ શૂટિંગમાં ત્રણેય મેડલ ભારતીયોના નામે

25 March, 2021 12:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપમાં મહિલાઓના પચીસ મીટર શૂટિંગમાં ચિન્કી યાદવને ગોલ્ડ, રાહી સરનોબતને સિલ્વર તો મનુ ભાકરે જીત્યો બ્રૉન્ઝ

મેડલ વિતરણ સમારંભમાં કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરેન રિજિજુ સાથે ડાબેથી રાહી સરનોબત, ચિન્કી યાદવ અને મનુ ભાકર (તસવીર: પી.ટી.આઇ.)

ભોપાલની શૂટર ચિન્કી યાદવે ગઈ કાલે અનુભવી રાહી સરનોબત અને મનુ ભાકરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે દિલ્હીમાં રમાઈ રહેલી ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનના બૅનર હેઠળની નિશાનબાજીના વર્લ્ડ કપની મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ત્રણેય મેડલ જીત્યા હતા. આથી ભારતમાં શૂટિંગમાં કેટલી બધી પ્રતિભા છે એનો પણ અંદાજ આવે છે. ૨૩ વર્ષની ચિન્કીએ એકસરખા ૩૨ પૉઇન્ટને કારણે થયેલા શૂટ-ઑફમાં સરનોબતને હરાવી હતી અને ભારતના ગોલ્ડ મેડલની સંખ્યાને ૯ કરી દીધી હતી. ૧૯ વર્ષની મનુ ભાકરે ડૉ. કર્ણી સિંહ શૂટિંગ રેન્જમાં આયોજિત આ સ્પર્ધામાં ૨૮ પૉઇન્ટથી બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. ચિન્કીએ ૨૦૧૯માં દોહામાં રમાયેલી ૧૪મી એશિયન ચૅમ્પિયનશિપમાં બીજા ક્રમાંકે રહીને ઑલિમ્પિક ક્વૉટા મેળવ્યો હતો.

ગઈ કાલે રમાયેલી ફાઇનલ પહેલાં ૨૦ નિશાનમાં ચિન્કી ૧૪ના સ્કોર સાથે ટોચ પર હતી તો ત્યાર બાદ મનુ ૧૩ પૉઇન્ટ સાથે બીજા ક્રમાંક પર હતી. ત્યાર બાદ ચિન્કીએ ૨૧નો સ્કોર કરીને ટોચ પર આવી ગઈ હતી. જોકે અનુભવી સરનોબતે પણ શાનદાર વાપસી કરતાં બરાબરી કરી હતી.

sports sports news