લિએન્ડર પેસના કોચ ટેનિસ લેજન્ડ અખ્તર અલીનું નિધન

08 February, 2021 11:49 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

લિએન્ડર પેસના કોચ ટેનિસ લેજન્ડ અખ્તર અલીનું નિધન

ઇન્ડિયાના દિગ્ગજ ટેનિસ પ્લેયર અને કોચ અખ્તર અલી ગઈ કાલે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને લીધે જન્નતનશીન થયા હતા. તેઓ ૮૩ વર્ષના હતા. અખ્તર ૧૯૫૮થી ૧૯૬૪ દરમ્યાન ૮ ઇન્ડિયન ડેવિસ કપ મૅચ રમ્યા હતા.

અખ્તર અલીના પરિવારજનોએ જણાવ્યા પ્રમાણે બે અઠવાડિયાં પહેલાં તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ અગાઉથી જ માનસિક સ્વાસ્થ્ય અને પ્રોસ્ટેટના કૅન્સરથી પીડાતા હતા. તેમની નાજુક હાલતને ધ્યાનમાં લઈને ડૉક્ટરોએ તેમને કોઈ પણ કૅન્સર થેરપી કરાવવાની ના પાડી દીધી હતી. તેમણે મોડી રાતે ૨.૩૦ વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. પોતાની આક્રમક કોચિંગ-સ્ટાઇલને લીધે જાણીતા અખ્તરની કોચિંગ હેઠળ તેમનો દીકરો ઝિશાન અને લિએન્ડર પેસ જેવા પ્લેયર તૈયાર થયા હતા. વિજય અમૃતરાજ અને રમેશ ક્રિષ્નન જેવા ખેલાડીઓ પર પણ અખ્તરની કોચિંગની અસર જોવા મળતી હતી.

અખ્તર અલીના નિધન પર શોક વ્યક્ત કરતાં ઑલ ઇન્ડિયા ટેનિસ અસોસિએશન (એઆઇટીએ)એ કહ્યું કે ‘૨૦૨૧ની ૭ ફેબ્રુઆરીએ કલકત્તામાં અખ્તર અલીના થયેલા નિધન પર ‍ઑલ ઇન્ડિયા ટેનિસ અસોસિએશન શોક પ્રગટ કરે છે. આ કપરા સમયમાં એઆઇટીએના તમામ સભ્યો, ઑફિસ-બેરર્સ અને પ્રતિનિધિઓ સાથે મળીને દુ:ખની લાગણી પ્રગટ કરીએ છીએ.’

sports sports news tennis news