ટોક્યો પહોંચી ગયા છે ભારતીય ખેલાડીઓ

19 July, 2021 04:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવી દિલ્હીમાં તેમને વિદાય આપવા ખાસ સ્પોર્ટ્સ મિનિસ્ટર તેમ જ અન્ય અધિકારીઓ હાજર રહ્યા

ટોક્યોમાં આવેલા ઑલિમ્પિક વિલેજ તરફ જતી ભારતીય બૅડ્મિન્ટન ટીમ. તસવીર : પી.ટી.આઇ.

આગામી ૨૩ જુલાઈએ કોવિડથી પ્રભાવિત ટોક્યો ગેમ્સમાં ભાગ લેવા માટે ૮૮ સભ્યોનું પ્રતિનિધિમંડળ ગઈ કાલે સવારે ટોક્યો પહોંચી ગયું હતું. તીરંદાજી, બૅડ્મિન્ટન, ટેબલ ટેનિસ, હૉકી, જુડો, જિમ્નૅસ્ટિક, સ્વિમિંગ અને વેઇટલિફ્ટિંગના ખેલાડીઓ નવી દિલ્હીથી ઍૅર ઇન્ડિયાના સ્પેશ્યલ વિમાનમાં ટોક્યો પહોંચ્યા હતા. ૮૮ સભ્યો પૌકી ૫૪ ઍથ્લેટિક ઉપરાંત અન્ય સપોર્ટ સ્ટાફ અને ભારતીય ઑલિમ્પિક અસોસિએશનના પ્રતિનિધિઓ છે. કુરોબે સિટીના પ્રતિનિધિએ ઍરપોર્ટ પર ભારતીય ખેલાડીઓને આવકાર્યા હતા. સૌથી વધુ ખેલાડીઓ હૉકીના હતા. શનિવારે રાતે સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઍરપોર્ટ પર તેમને વિદાય આપવા ગયા હતા.  
સરકારે આ પ્રસંગે વિશેષ વ્યવસ્થા કરી હતી. પ્રતિનિધિમંડળ માટે લાલ જાજમ પાથરવામાં આવી હતી અને તેમને માટે અલગ ઇમિગ્રેશનની લાઇન હતી. સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉપરાંત રાજ્ય કક્ષાના સ્પોર્ટ્સ મિનિસ્ટર નિશિથ પ્રામાણિક, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ સંદીપ પ્રધાન, ભારતીય ઑલિમ્પિક અસોસિએશનના પ્રધાન નરિન્દર બત્રા અને સેક્રેટરી રાજીવ મહેતા પણ હાજર હતા. કેટલાક ખેલાડીઓ વિદેશ તાલીમ માટે ગયા હતા તેઓ ત્યાંથી જ જપાન ગયા હતા. એમાં અમેરિકાના સેન્ટ લુઇસથી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ, ઇટલીથી બૉક્સર અને ક્રોએશિયાથી શૂટર પણ ટોક્યો પહોંચ્યા છે.

૬ કલાક ઍરપોર્ટ પર રોકાણ
ટોક્યો ઍરપોર્ટ પર આવી પહોંચેલું ભારતીય દળ ઑલિમ્પિક વિલેજ તરફ રવાના થઈ ગયું હતું, પરંતુ એ પહેલાં તેમણે ૬ કલાક સુધી ઍરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. ભારતીય પ્રતિનિધિમંડળના એક સભ્યના જણાવ્યા અનુસાર ઑલિમ્પિક વિલેજમાં બે ખેલાડીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તમામની ટેસ્ટ લેવામાં આવી હતી, જે નેગેટિવ આવ્યા બાદ તમામ સભ્યોને વિલેજ જવાની પરવાનગી મળી હતી.

sports news sports