20 June, 2023 12:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતની ફુટબૉલ ટીમ
ભુવનેશ્વરમાં રવિવારે અસહ્ય ગરમી અને ભેજવાળા હવામાનમાં ભારતની ફુટબૉલ ટીમે પોતાનાથી ચડિયાતા ક્રમના લેબૅનનને ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપની ફાઇનલમાં ૨-૦થી હરાવ્યું એની પાછળના રહસ્ય પરથી કૅપ્ટન સુનીલ છેત્રીએ ગઈ કાલે પડદો ઉઠાવ્યો હતો.
ફુટબૉલમાં ફિફાના રૅન્કિંગ્સ મુજબ રવિવારની મૅચ પહેલાં ભારતનો ૧૦૧મો અને લેબૅનનનો ૯૯મો રૅન્ક હતો. ૪૫ મિનિટના ફર્સ્ટ-હાફમાં બન્નેમાંથી એક પણ ટીમ ગોલ નહોતી કરી શકી. ખાસ કરીને સુનીલ છેત્રીની ટીમ લેબૅનનના મજબૂત ડિફેન્સને તોડી નહોતી શકી, પરંતુ બ્રેકના ટાઇમમાં કોચ ઇગોર સ્ટિમૅકે ભારતીય ટીમના ખેલાડીઓને કડક શબ્દોમાં ચેતવ્યા હતા કે તેમણે કોઈ પણ હાલતમાં આ ફાઇનલ જીતવી પડશે.
આ મૅચમાં ૮૭મો ઇન્ટરનૅશનલ ગોલ કરનાર સુનીલ છેત્રીએ પત્રકારોને કહ્યું કે ‘અમે હાફ ટાઇમમાં એકેય ગોલ નહોતા કરી શક્યા. બ્રેક પડતાં કોચ ઇગોરે અમને બધાને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. તેઓ ઘણું બોલ્યા હતા. તેમના અમુક શબ્દો હું અહીં તમારી સામે બોલી શકું એમ નથી. જોકે અમને ખાતરી અને આત્મવિશ્વાસ હતો કે અમે જીતવા સક્ષમ છીએ. સેકન્ડ હાફમાં અમે જે રમ્યા એ કાબિલેદાદ છે. અમે બન્ને ગોલ બીજા હાફમાં કર્યા અને લેબૅનનની સ્ટ્રૉન્ગ ટીમને હરાવીને ટાઇટલ જીતી લીધું એનો અમને બેહદ આનંદ છે.’
બ્લુ ટાઇગર્સ તરીકે ઓળખાતી ભારતીય ટીમ વતી ફર્સ્ટ હાફ પછી ૪૬મી મિનિટે સુનીલ છેત્રીએ ટીમ વતી પ્રથમ ગોલ અને ૬૬મી મિનિટે લલ્લીઆનઝુઆલા છાન્ગ્ટેએ બીજો ગોલ કર્યો હતો. ભારત ૨૦૧૮માં પણ આ ટાઇટલ જીત્યું હતું.
ભારતીય ટીમે ઇનામનો ૨૦ ટકા ભાગ બાલાસોર માટે ડોનેટ કર્યો
સુનીલ છેત્રીના સુકાનમાં ભારતીય ટીમે રવિવારે લેબૅનનને ફાઇનલમાં ૨-૦થી હરાવીને ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપ જીતી લીધો એ બદલ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઈકે ભારતીય ટીમ માટે કુલ એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. જોકે આ રકમમાંથી ૨૦ લાખ રૂપિયા ભારતીય ટીમે ઓડિશાના બાલાસોરમાં તાજેતરમાં થયેલા ગમખ્વાર ટ્રેન-અકસ્માતમાં ભોગ બનેલાઓના પરિવારની સહાય માટે ડોનેટ કરી દીધા છે.
ભારતીય ટીમ ફર્સ્ટ હાફમાં પહેલી ૧૦ મિનિટમાં સારું રમી અને પછી ૨૦ મિનિટમાં લેબૅનનની ટીમને અંકુશ જમાવવા દીધો એ મને જરાય નહોતું ગમ્યું. બ્રેકના ટાઇમમાં મેં ભારતીય ખેલાડીઓને ખૂબ ઠપકો આપ્યો જે છેવટે કારગત નીવડ્યો હતો.
હું પર્ફોર્મન્સની દૃષ્ટિએ જે ભારતીય ટીમને જોવા માગતો હતો એવી જ મને જોવા મળી. ઇગોર સ્ટિમૅક (ભારતના ક્રોએશિયન કોચ)