હૉકી વર્લ્ડ કપમાં ભારત ૩૨ વર્ષથી ઇંગ્લૅન્ડ સામે જીત્યું નથી

17 August, 2026 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે બીજી લીગ મૅચના હરીફ અંગ્રેજો સામે છેલ્લે ૧૯૯૪માં સિડનીમાં ૧-૦થી જીત્યા હતા

હૉકી વર્લ્ડ કપમાં ભારત ૩૨ વર્ષથી ઇંગ્લૅન્ડ સામે જીત્યું નથી

નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમના સંયુક્ત યજમાનપદે યોજાઈ રહેલા હૉકી વર્લ્ડ કપમાં ભારતે શનિવારે એની પ્રથમ મૅચમાં વેલ્સને ૩-૧થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. ૧૯૭૫માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ ક્યારેય આ ટુર્નામેન્ટમાં સેમી-ફાઇનલ સુધી ન પહોંચી શકનાર ભારતે આજે બીજી લીગ મૅચમાં (સાંજે ૬.૩૦ વાગ્યે) ઇંગ્લૅન્ડ સામે સૌથી મોટા પડકારનો સામનો કરવાનો છે. ઇંગ્લૅન્ડ હાલમાં વર્લ્ડ રૅન્કિંગમાં ત્રીજા નંબરે છે અને હૉકી વર્લ્ડ કપમાં ભારત છેલ્લાં ૩૨ વર્ષથી તેને નમાવી નથી શક્યું. અંગ્રેજો સામે છેલ્લે ૧૯૯૪માં સિડનીમાં પાંચમા અને છઠ્ઠા ક્રમાંક માટેના જંગમાં ૧-૦થી જીત મેળવી હતી. ઇંગ્લૅન્ડે એની પ્રથમ લીગ મૅચમાં પાકિસ્તાન સામે ૪-૧થી દમદાર વિજય મેળવ્યો હતો. 
દરેક ગ્રુપમાંથી ટૉપની બે ટીમ સેકન્ડ સ્ટેજમાં પ્રવેશ કરવાની છે અને ગ્રુપમાંથી ભારત અને ઇંગ્લૅન્ડ એ માટે ફેવરિટ છે. વર્લ્ડ કપના નવા ફૉર્મેટ પ્રમાણે લીગ રાઉન્ડનું એકબીજા સામેનું રિઝલ્ટ આગળના રાઉન્ડમાં ગણતરીમાં લેવાતું હોવાથી 
સેમી-ફાઇનલની રેસમાં ભારત અને ઇંગ્લૅન્ડ માટે આજનું રિઝલ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આમ હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતે આજે ૩૨ વર્ષના ઇન્તેજારનો અંત આણીને ઇંગ્લૅન્ડને હરાવવા શાનદાર રમત બતાવવી પડશે. ભારત એની છેલ્લી લીગ મૅચમાં બુધવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 

hockey Indian Mens Hockey Team england sports news sports