08 September, 2026 09:00 AM IST | Tashkent | Gujarati Mid-day Correspondent
ભારતની અન્ડર-20 મેન્સ ફુટબૉલ ટીમના સભ્યો.
૨૦ વર્ષ પછી ભારતે એશિયન ફુટબૉલ કન્ફેડરેશન (AFC) અન્ડર-20 એશિયન કપમાં વાપસી કરી છે. રવિવારે ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં અંતિમ ગ્રુપ B ક્વૉલિફાયર મૅચમાં ભારતે બંગલાદેશને ૩-૦થી હરાવીને AFC અન્ડર-20 એશિયન કપ 2027 માટે ક્વૉલિફાય કર્યું હતું. આ જીત સાથે ભારત ૩ મૅચમાંથી ૬ પૉઇન્ટ સાથે ગ્રુપ Bમાં બીજા સ્થાને રહ્યું હતું. ૮ ગ્રુપમાં ૭ શ્રેષ્ઠ રનરઅપ ટીમોમાંની એક તરીકે ભારત એશિયન કપ 2027 માટે ક્વૉલિફાય થયું છે. AFC અન્ડર-20 એશિયન કપ 2027 આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં ચીનમાં યોજાશે. આ ટુર્નામેન્ટ અન્ડર-20 વર્લ્ડ માટે ક્વૉલિફિકેશન ટુર્નામેન્ટ ગણાશે. ટોચની ૪ ટીમો આવતા વર્ષે અઝરબૈજાન અને ઉઝબેકિસ્તાનમાં યોજાનાર વર્લ્ડ કપ માટે સીધી ક્વૉલિફાય થશે.