ગુવાહાટી-ગર્લ અશ્મિતાએ ઇન્ડિયા ઓપનમાં સરજ્યો અપસેટ

12 January, 2022 12:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રશિયાની બૅડ્‍મિન્ટન પ્લેયરને હરાવી : સિંધુની પણ વિજયી શરૂઆત

ભારતની વિજેતા પ્લેયર અશ્મિતા ચલિહા

ગુવાહાટીની યુવાન બૅડ્મિન્ટન ખેલાડી અશ્મિતા ચલિહાએ ગઈ કાલે દિલ્હીની ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટમાં અપસેટ સરજ્યો હતો. અનસીડેડ ચલિહાએ પહેલા રાઉન્ડમાં સ્પર્ધાની પાંચમી ક્રમાંકિત અને વિશ્વમાં ૨૮મો નંબર ધરાવતી રશિયન પ્લેયર એવગેનિયા કૉસેત્સકાયાને ૨૪-૧૨, ૨૧-૧૬થી હરાવી હતી.
બાવીસ વર્ષની ચલિહાની વિશ્વમાં ૭૭મી રૅન્ક છે. તે ૨૦૧૮માં ટાટા ઓપન ઇન્ડિયા ઇન્ટરનૅશનલ અને દુબઈ ઇન્ટરનૅશનલ સ્પર્ધા જીતી હતી. ચલિહા હવે દિલ્હીની સ્પર્ધામાં ફ્રાન્સની યોલે હોયોક્સ સામે રમશે. યોલેએ ગઈ કાલે ભારતની રિયા મુખરજીને ૧૪-૨૧, ૧૩-૨૧થી હરાવી હતી.
ગઈ કાલે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુએ પ્રથમ રાઉન્ડમાં ભારતની જ શ્રીક્રિષ્ના પ્રિયા કુદરાવલ્લીને ૨૧-૫, ૨૧-૧૬થી હરાવીને બીજા રાઉન્ડમાં આસાનીથી પ્રવેશ કરી લીધો હતો.
જોકે પુરુષ વર્ગમાં ચિરાગ સેન મલેશિયાના સૂન્ગ જુ વેન સામે ૮-૨૧, ૭-૨૧થી પરાજિત થયો હતો.

sports sports news