આર્ચરી વર્લ્ડ કપમાં ભારતીય જોડી જીતી ગોલ્ડ

26 June, 2022 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટેજ ૩ એડિશનમાં અભિ​ષેક વર્મા અને જ્યોતિ સુરેખા વેનમે અનુભવી ફ્રેન્ચ હરીફ જીન બૉલ્ચ અને ઑલિમ્પિકમાં મેડલ જીતનાર ૪૮ વર્ષના સોફી ડોડેમોન્ટને ૧૫૨-૧૪૯થી હરાવ્યાં હતાં

ગોલ્ડ મેડલ જીતનાર જ્યોતિ સુરેખા વેનમ અને અભિ​ષેક વર્મા

પૅરિસમાં રમાઈ રહેલા આર્ચરી વર્લ્ડ કપની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમે દેશને પહેલો ગોલ્ડ અપાવ્યો છે. સ્ટેજ ૩ એડિશનમાં અભિ​ષેક વર્મા અને જ્યોતિ સુરેખા વેનમે અનુભવી ફ્રેન્ચ હરીફ જીન બૉલ્ચ અને ઑલિમ્પિકમાં મેડલ જીતનાર ૪૮ વર્ષના સોફી ડોડેમોન્ટને ૧૫૨-૧૪૯થી હરાવ્યાં હતાં. કમ્પાઉન્ડ મિક્સ્ડ ઇવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે. ભારતે બીજો એક મેડલ પણ પાકો કર્યો છે, જેમાં મહિલાઓની રિકર્વ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં દીપિકા કુમારી, અંકિતા ભાકત અને સિમરનજિત કૌર રવિવારે રમશે.

સાત મહિના બાદ વાપસી કરનાર વિશ્વની ત્રીજા ક્રમાંકની ખેલાડી જ્યોતિ ફ્રેન્ચ હરીફ સોફી સામે વ્યક્તિગત સ્પર્ધાની સેમી ફાઇનલમાં પણ ટકરાવાની છે. અભિષેક અને જ્યોતિ ભારતની સૌથી સફળ જોડી રહી છે. તેઓ ઘણી વખત વર્લ્ડ કપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યાં છે. ગયા વર્ષે તેઓ વર્લ્ડ કપ ફાઇનલમાં સિલ્વર જીત્યાં હતાં, જે તેમનું એ સમય સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.

sports sports news