ભારતે હૉકીમાં યજમાન ઇન્ડોનેશિયાને ૧૬-૦થી કચડ્યું

27 May, 2022 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશિયા કપના સુપર-ફોર રાઉન્ડમાં પ્રવેશ ઃ ભારતે ૧૫ ગોલના માર્જિનથી જીતવાનું હતું અને ૧૬-૦થી મેળવ્યો વિજય

ભારતે હૉકીમાં યજમાન ઇન્ડોનેશિયાને ૧૬-૦થી કચડ્યું, પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી આઉટ કર્યું

એશિયા કપ હૉકીના ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે ગઈ કાલે જકાર્તામાં હૉકીના મેદાન પર હાહાકાર મચાવ્યો હતો. બીરેન્દ્ર લાકરાના સુકાનમાં અને સરદાર સિંહના કોચિંગમાં ભારતીય ટીમે યજમાન ઇન્ડોનેશિયાને ૧૬-૦થી કચડીને સુપર-ફોર તરીકે જાણીતા નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ભારતે તાજેતરમાં પુરુષો માટેની બૅડ્મિન્ટનની થોમસ કપ સ્પર્ધામાં ઇન્ડોનેશિયાને ૩-૦થી પરાસ્ત કરીને પહેલા જ ફાઇનલ-પ્રવેશમાં વિજય મેળવી ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી હતી. હવે હૉકીમાં પણ ભારતે એ દેશ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું છે.
ગઈ કાલે ગ્રુપ-‘એ’માંથી ભારતે નૉકઆઉટ (સુપર-ફોર)માં પહોંચવા ૧૫-૦થી કે એના કરતાં વધુ ગોલના માર્જિનથી જીતવાનું હતું, પરંતુ ભારતે ૧૬-૦થી અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. આ મૅચના થોડા કલાક પહેલાં આ જ ગ્રુપમાં જપાને પાકિસ્તાનને ૩-૨થી હરાવી દેતાં પાકિસ્તાને ભારતની મૅચના પરિણામ પર નિર્ભર રહેવું પડ્યું હતું. જપાન ઉપરાંત મલેશિયા અને સાઉથ કોરિયા પણ નૉકઆઉટમાં પહોંચી જતાં ચોથા સ્થાન માટે ભારત-પાકિસ્તાન વચ્ચે હરીફાઈ હતી, પરંતુ ભારતે ઇન્ડોનેશિયાને કચડીને પાકિસ્તાનને એશિયા કપની મુખ્ય સ્પર્ધા ઉપરાંત આગામી વર્લ્ડ કપની બહાર ફેંકી દીધું છે.
ગ્રુપ-‘બી’માં મલેશિયાએ બંગલાદેશને ૮-૧થી અને કોરિયાએ ઓમાનને ૫-૧થી હરાવીને નૉકઆઉટમાં રમવાની તૈયારી કરી લીધી હતી.

હવે સુપર-ફોર રાઉન્ડમાં ભારતે ૨૮ મેથી જપાન, મલેશિયા, સાઉથ કોરિયા સામે રમવાનું છે. ચારમાંની દરેક ટીમ એકમેક સામે એક-એક મૅચ રમશે અને ટોચની બે બેસ્ટ ટીમ ફાઇનલમાં પહોંચશે.

94
ભારત આટલાં વર્ષ પહેલાં ૨૬ મેએ હૉકીમાં ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીત્યું હતું. ગઈ કાલે પણ ૨૬ મે હતી.

૧૬માંથી કોણે કેટલા ગોલ કર્યા?
દીપસન તિર્કી ભારતની જીતનો સુપરહીરો હતો. તેણે પાંચ (૪૧, ૪૨, ૪૭, ૫૯ અને ૫૯મી મિનિટે) ગોલ કર્યા હતા. અભરન સુદેવે ત્રણ (૪૫, ૪૬, ૫૫મી મિનિટે) ગોલ, પવન રાજભરે બે (૧૦, ૧૧મી મિનિટે) ગોલ, એસ.વી. સુનીલે બે (૧૯, ૨૪મી મિનિટે) ગોલ, કાર્તિ સેલવમે બે (૪૦, ૫૬મી મિનિટે) ગોલ કર્યા હતા તેમ જ ઉત્તમ સિંહે એક (૧૫મી મિનિટે) અને નીલમ સંજીવે એક (૨૦મી મિનિટે) ગોલ કર્યો હતો.

hockey sports news sports