કોવિડ-19ને કારણે નૅશનલ ગેમ્સનું આયોજન કરવા તૈયાર નથી ગોવા

30 May, 2020 05:45 PM IST  |  Goa | Gujarati Mid-day Correspondent

કોવિડ-19ને કારણે નૅશનલ ગેમ્સનું આયોજન કરવા તૈયાર નથી ગોવા

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યા પ્રમાણે કોવિડ-19ને કારણે ગોવા નૅશનલ ગેમ્સનું આયોજન કરવા તૈયાર નથી. આ ગેમ્સ ૨૦ ઑક્ટોબરથી શરૂ થવાની છે. આ વાતની જાણ ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનને કરવા માટે રાજ્ય સરકાર યુનિયન સ્પોર્ટ્સ મંત્રાલય સાથે વાટાઘાટો કરી રહી છે. આ વિશે વાત કરતાં પ્રમોદ સાવંતે કહ્યું કે ‘અમે ૧૦૦ ટકા નૅશનલ ગેમ્સ યોજવા માગીએ છીએ. આ ઇવેન્ટ યોજવાનું અમને ગમશે, પણ કોવિડ-19ને કારણે અમે એ મોકૂફ રાખવા માગીએ છીએ. જોકે ગોવા ગ્રીન ઝોનમાં છે માટે અહીં દેશના વિવિધ ખૂણેથી આવેલા પ્લેયરો ભાગ લઈ શકે છે. આ મહાબીમારીની પરિસ્થિતિને જોતાં અમે હજી નવી તારીખ નક્કી નથી કરી.’

જાન્યુઆરી ૨૦૨૧માં યોજાશે વર્લ્ડ જુનિયર બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપ

આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યુ ઝીલૅન્ડના ઓકલૅન્ડમાં યોજાનારી વર્લ્ડ જુનિયર બૅડ્‍મિન્ટન ચૅમ્પિયનશિપ હવે આવતા વર્ષે એટલે કે ૨૦૨૧ની ૧૧થી ૨૪ જાન્યુઆરી દરમ્યાન યોજાશે. કોરોના વાઇરસને કારણે ધી બૅડ્‍મિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યુએફ) દ્વારા આ નક્કી કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં વર્લ્ડ જુનિયર મિક્સ્ડ ટીમ ચૅમ્પિયનશિપનો પણ સમાવેશ કરાયો છે જે ૧૧થી ૧૬ જાન્યુઆરી દરમ્યાન યોજાશે. બીડબ્લ્યુએફના સેક્રેટરી જનરલ થોમસ લુંડનું કહેવું છે કે ‘દરેક વાતને ધ્યાનમાં રાખીને અમે માનીએ છીએ કે આગળ વધવામાં જ ભલાઈ છે. ઓકલૅન્ડમાં સારો શો યોજાય એ માટે અમે બૅડ્‍મિન્ટન ન્યુ ઝીલૅન્ડ સાથે મળીને કામ કરવા માગીએ છીએ.’

sports sports news