23 March, 2023 02:45 PM IST | Buenos Aires | Gujarati Mid-day Correspondent
મેસીને સોમવારે બ્યુનસ આયરસની રેસ્ટોરાંમાં કોઈ તકલીફ નહોતી થઈ. તે ઘણા સામે હસ્યો પણ હતો (ડાબે), પરંતુ પછીથી બહાર આવીને લોકોઅે તેને ઘેરી લીધો હતો. એક યુવાને તેને માથા પર હાથ અડાડ્યો હતો (જમણે).
સોમવારે આર્જેન્ટિનાના પાટનગર બ્યુનસ આયરસની નજીકના પાલેર્મો વિસ્તારની એક રેસ્ટોરાંમાં દેશનો ફુટબૉલ લેજન્ડ લિયોનેલ મેસી ડિનર માટે આવ્યો હોવાના ન્યુઝ વાઇરલ થતાં તેના સેંકડો ચાહકો રેસ્ટોરાંની બહાર દોડી આવ્યા હતા અને ઘણી વાર સુધી મેસીની રાહ જોયા પછી તે બહાર આવતાં જ તેને ઘેરી વળ્યા હતા. મેસીને તેના સહાયકો રેસ્ટોરાંની બહાર લાવ્યા બાદ મહામહેનતે તેની કાર સુધી લઈ જઈ રહ્યા હતા ત્યારે મેસીએ ખીચોખીચ ઊભેલા લોકો વચ્ચેથી પસાર થવું પડ્યું હતું, જેમાં એક યુવાને તેના માથા પર ટપલું માર્યું હતું. ઘણા લોકો તેની સાથે સેલ્ફી લેવામાં સફળ થયા હતા.
૩૫ વર્ષનો મેસી તાજેતરના કતાર વર્લ્ડ કપનો સુપરસ્ટાર હતો. તેના સુકાનમાં અને તેના સુપર પર્ફોર્મન્સમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને થ્રિલિંગ ફાઇનલમાં હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. એ મુકાબલા પછી મેસી આર્જેન્ટિનામાં આવ્યો ત્યારે લોકોએ તેને બસ-પરેડમાં નજીકથી જોયો હતો, પરંતુ સોમવારે તે વધુ નજીક આવતાં લોકોએ તેની પાસે પહોંચવાનો મોકો ઝડપી લીધો હતો. અસંખ્ય ચાહકોએ ‘મેસી...મેસી...’ની બૂમ પાડીને ‘મુશાકૉઝ’ તરીકે જાણીતું આર્જેન્ટિનાની ફુટબૉલ ટીમ માટેનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત ગાયું હતું.
આર્જેન્ટિનામાં લોકોમાં મેસી ખૂબ પૉપ્યુલર છે અને ખુદ મેસીને પણ આર્જેન્ટિના ફુટબૉલનું ભારે વળગણ છે. ૨૦૧૬માં જ્યારે આર્જેન્ટિનાની ટીમ ઇન્ટરનૅશનલ મૅચોમાં ખરાબ પર્ફોર્મ કરી રહી હતી ત્યારે કેટલાક લોકોએ મેસીને જવાબદાર ગણ્યો હતો એટલે રિસાયેલો મેસી ત્યારે નૅશનલ ટીમ છોડી ગયો હતો. જોકે પછીથી તે પાછો ટીમમાં જોડાયો હતો.
63,000
આજે બ્યુનસ આયરસમાં વર્લ્ડ કપ ટાઇટલની ખુશાલીમાં પનામા સામેની ફ્રેન્ડ્લી મૅચમાં મેસી રમવાનો છે એ જાણીને આટલી ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી.