હૉકી ફેડરેશને સરકારને પૂછ્યા વિના કૉમનવેલ્થમાંથી નીકળી જવાનો નિર્ણય કેમ લીધો? : સ્પોર્ટ્સ મિનિસ્ટર

11 October, 2021 05:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયાએ આવતા વર્ષે ઇંગ્લૅન્ડમાં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સમાંથી પોતાનું નામ પાછું ખેચીં લેવાની જાહેરાત કરી એ બદલ સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે હૉકી ઇન્ડિયાનો ઊધડો લીધો છે

સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે ગઈ કાલે દિલ્હીમાં દિલ્હી હૉકી પ્રીમિયર વીકએન્ડ લીગના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના હૉકીસમ્રાટ મેજર ધ્યાનચંદના સ્મારકને અંજલિ આપી હતી. (તસવીર : પી.ટી.આઇ.)

ભારતમાં આ મહિને યોજાનારા જુનિયર હૉકી વર્લ્ડ કપમાંથી ઇંગ્લૅન્ડ નીકળી ગયું એની સંભવિત પ્રતિક્રિયામાં તેમ જ ભારતથી આવતા પ્રવાસીઓના વૅક્સિનેશન સંબંધમાં ઇંગ્લૅન્ડે ભેદભાવવાળા નિયમ ઘડ્યા એને પગલે ભારતની સર્વોચ્ચ હૉકી સંસ્થા હૉકી ઇન્ડિયાએ આવતા વર્ષે ઇંગ્લૅન્ડમાં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સમાંથી પોતાનું નામ પાછું ખેચીં લેવાની જાહેરાત કરી એ બદલ સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે હૉકી ઇન્ડિયાનો ઊધડો લીધો છે.

પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ પત્રકારો સાથેની વાતચીતમાં ઠાકુરે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર સાથે વાતચીત કર્યા વગર હૉકી ઇન્ડિયા કોઈ સ્પર્ધામાંથી નીકળી જવાનો નિર્ણય કઈ રીતે લઈ શકે? દેશમાં ઑલિમ્પિક સ્પોર્ટ્સની બાબતમાં સરકાર સૌથી મોટી ફાઇનૅન્શિયર છે એટલે રાષ્ટ્રીય પ્રતિનિધિત્વની બાબતમાં નિર્ણય લેવાનો અધિકાર સરકારને જ છે. કોઈ પણ ફેડરેશને આવા એકપક્ષી નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ. ૧૩૦ કરોડની વસ્તીમાંથી માત્ર ૧૮ પ્લેયરો કંઈ દેશનું પ્રતિનિધિત્વ નથી કરતા. અંતિમ નિર્ણય સરકાર જ લેશે.’

sports sports news