ગુજરાતે નૅશનલ ગેમ્સની સફળતા પરથી ઑલિમ્પિક્સનું આમંત્રણ મોકલવું જોઈએ : ગીત સેઠી

17 September, 2022 07:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યનાં છ શહેરો (અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર)માં વિવિધ રમતોની હરીફાઈ યોજાશે, જેમાં દેશભરના કુલ ૭૦૦૦ જેટલા ઍથ્લીટ્સ ભાગ લેશે.

ગીત સેઠી

અગાઉ દર વર્ષે યોજાતી નૅશનલ ગેમ્સ હવે આ વખતે છેક ૭ વર્ષના લાંબા ગાળા બાદ ફરી યોજાવાની છે અને એના આયોજનનું ગૌરવ ગુજરાતને મળ્યું છે. ગણતરીના દિવસોમાં આ આયોજનની તૈયારી કરી લેવાનું બીડું ગુજરાત સરકારે ઝડપી લીધું અને ૨૭ સપ્ટેમ્બરે શરૂ થનારા આ રાષ્ટ્રીય રમતોત્સવની મોટા ભાગની તૈયારીઓ થઈ ચૂકી છે. રાજ્યનાં છ શહેરો (અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર)માં વિવિધ રમતોની હરીફાઈ યોજાશે, જેમાં દેશભરના કુલ ૭૦૦૦ જેટલા ઍથ્લીટ્સ ભાગ લેશે.

૧૯૯૦ના દાયકામાં વિશ્વસ્તરે બિલિયર્ડ્સની રમતમાં પ્રભુત્વ જમાવનાર તથા સ્નૂકરમાં પણ ઘણી ટ્રોફી જીતનાર ૬૧ વર્ષના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ગીત સેઠી અમદાવાદમાં રહે છે.

આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ગીત સેઠીએ રાજ્યમાં ખેલકૂદને વ્યાપક સ્તરે પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર જે જહેમત ઉઠાવી રહી છે એ બદલ ભૂપેન્દ્ર પટેલ સરકારની તેમ જ કેન્દ્ર સરકારની ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ‘મારું એવું માનવું છે કે ગુજરાતમાં નૅશનલ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન થઈ જાય કે તરત જ રાજ્ય સરકારે નજીકના ભવિષ્યમાં ઑલિમ્પિક ગેમ્સના આયોજન માટેની ઑફર કરવી જોઈએ. મારી દૃષ્ટિએ નૅશનલ ગેમ્સની સફળતા ઑલિમ્પિક્સ યોજવાના આમંત્રણ માટે બહુ સારું માધ્યમ બની રહેશે.’

નૅશનલ ગેમ્સ ૧૦ ઑક્ટોબર સુધી ચાલશે. ગીત સેઠીએ એવું પણ કહ્યું હતું કે ‘ગુજરાતના ઊભરતા સ્પોર્ટ્સપર્સન્સને રાજ્યના અદ્યતન માળખાનો બહુ સારો લાભ મળશે. આપણે વર્લ્ડ ક્લાસ સુવિધા ઊભી કરવાની સાથે વર્લ્ડ ક્લાસ ઍથ્લીટ્સ પણ તૈયાર કરવા પ્રયત્નશીલ છીએ. ગુજરાતમાં નૅશનલ ગેમ્સ યોજ્યા પછી આપણે વિશ્વ સ્તરે નજર દોડાવીને વિશ્વના સૌથી મોટા ઑલિમ્પિક રમતોત્સવના આયોજન માટે પ્રયત્ન શરૂ કરી દેવા જોઈએ.’

 ગુજરાત રાજ્ય જો ગણતરીના દિવસોમાં નૅશનલ ગેમ્સનું આયોજન કરી શકે તો આ રાજ્ય ઑલિમ્પિક્સનું પણ આયોજન કરી શકે. સરકાર જો ઍથ્લીટ્સ મળીને કુલ ૨૦,૦૦૦ લોકો માટે વ્યવસ્થા કરી શકતી હોય તો ઑલિમ્પિક્સમાં તો ૧૧,૦૦૦ લોકો માટે વ્યવસ્થા કરવાની રહેશે જે શક્ય છે.
પુલેલા ગોપીચંદ -(ભારતના બૅડ્મિન્ટન-લેજન્ડ)

sports news sports