Pro Kabaddi League 2019 : સતત છ હાર બાદ ગુજરાતે જીતનો સ્વાદ ચાખ્યો

24 August, 2019 05:25 PM IST  |  Chennai

Pro Kabaddi League 2019 : સતત છ હાર બાદ ગુજરાતે જીતનો સ્વાદ ચાખ્યો

Chennai : પ્રો કબડ્ડી લીગ 2019માં ગુજરાતની ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસને પોતાના હોમ ગ્રાઉન્ડમાં કારમા હારનો સામનો કરવો પડ્યો હતો. એવું પહેલીવાર બન્યું હતું કે ગુજરાતની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત મેચ હારી હોય. ત્યારે આ વખતે અમદાવાદમાં તમામ મેચ હાર્યા બાદ ચેન્નઇમાં રમાયેલી પટના સામેની મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો. ગુજરાતીની ટીમે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા રસાકસીવાળી મેચમાં 29-26 થી પટના ટીમને માત આપી હતી. આમ ગુજરાતે સતત છ મેચ હારવાનો સીલસીલો તોડ્યો હતો.


ગુજરાતના સ્ટાર રેડર રોહિત ગુલીયાની શાનદાર સુપર 10 રેડ
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટની ટીમના સ્ટાર રેડર રોહિત ગુલીયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાતની ટીમની જીતનો મુખ્ય હિરો રોહિત ગુલીના છે. રોહિતની સુપર 10 (10 રેડ પોઇન્ટ) રેડ એ હરીફ ટીમ પટનાના સ્ટાર ખેલાડી પ્રદીપ નરવાલ (9 પોઇન્ટ) જેવા ખેલાડી પર ભારી પડી હતી. મેચની વાત કરીએ તો પટનાએ ગુજરાત સામે દમદાર શરૂઆત કરી હતી. પટનાએ શરૂઆતમાં 10-3 પોઇન્ટ કરી મેચમાં મજબુત પકડ જમાવી હતી. પણ ગુજરાતની ટીમે દમદાર વાપસી કરી હતી અને હરીફ ટીમને હંફાવવાનું શરૂ કરી દીધું હતું. આમ હાફ ટાઇમ સુધી ગુજરાતે ટીમનો સ્કોર 15-11 સુધી પહોંચાડી દીધો હતો અને પટનાને પોતાની રણનીતિ બદલવામાં મજબુર કરી હતી.


આ પણ જુઓ : Photos: પ્રો કબડ્ડી લીગ માટે આકરી મહેનત કરી રહી છે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ ટીમ

પટનાએ અંત સુધી ગુજરાતના આપી મજબુત ટક્કર
હાફ ટાઇમ બાદ ગુજરાત ફોર્ચ્યુન જાયન્સે પોતાની દમદાર રમત ચાલુ રાખી હતી. જોકે પટનાએ પણ જોરદાર કમબેક કર્યું હતું અને મેચની 31મી મિનિટે સ્કોર 22-22 સુધી પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ ગુજરાતની ટીમે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી અને મેચને 29-26 પોઇન્ટ સાથે પુરી કરી હારનો દુકાળ પુરો કર્યો અને સતત છ મેચની હાર બાદ પહેલી જીત મેળવી હતી.

sports news kabaddi news pro kabaddi league