આફ્રિકા કપમાં મૅચ પછી હરીફ ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ

16 January, 2022 02:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શુક્રવારે મૅચમાં છેલ્લી ઘડીના ગોલને કારણે ૧-૧થી ડ્રૉમાં ગઈ હતી

હરીફ ખેલાડીઓ વચ્ચે મારામારી

કૅમેરુનમાં આફ્રિકાના ૨૪ દેશો વચ્ચે ચાલી રહેલી આફ્રિકા કપ ઑફ નેશન્સ ફુટબૉલ સ્પર્ધામાં ચાર વખત ચૅમ્પિયન બનેલા ઘાના અને ગેબોન દેશ વચ્ચે શુક્રવારે મૅચમાં છેલ્લી ઘડીના ગોલને કારણે ૧-૧થી ડ્રૉમાં ગઈ હતી, પરંતુ ફુલ ટાઇમના અંતે રેફરીની ફાઇનલ વ્હિસલ બાદ ઘાનાના સબસ્ટિટ્યુટ બેન્જામિન ટેટેહે હરખાઈને મેદાન પર દોડી આવેલા ગેબોનના એરોન બૉપેન્ડ્ઝાને જમણા હાથે જોરદાર પંચ માર્યો હતો. પરિણામે બન્ને ટીમના ખેલાડીઓ અને કેટલાક અધિકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, તેઓએ એકબીજાને ધક્કા માર્યા હતા અને ખૂબ બોલાચાલી પણ થઈ હતી. ટેટેહને આગામી મૅચમાં તો નહીં જ રમવા મળે, તેના પર પ્રતિબંધનો પણ વિચાર થઈ રહ્યો છે.‍ ૮૮મી મિનિટે ૧-૦થી આગળ રહેલા ઘાનાના એક પ્લેયરે જાણીજોઈને કિક મારીને બૉલ મેદાનની બહાર મોકલી દીધો જેથી પોતાના એક ‘ઈજાગ્રસ્ત’ પ્લેયરની સારવાર થઈ શકે અને ગેબોનના પ્લેયરોની એકાગ્રતા ભંગ થાય. જોકે ગેબોનની ટીમે રમવાનું ચાલુ રાખ્યું હતું અને એના પ્લેયર જિમ ઓલેવિનાહે તકનો લાભ લઈ ગોલ કરીને સ્કોરને ૧-૧ની બરાબરીમાં કરી નાખ્યો હતો. ગેબોનના આ ગોલને ઘાનાએ રમતની ભાવનાની વિરુદ્ધમાં ગણાવતાં બન્ને ટીમ વચ્ચે મૅચ પછી બબાલ શરૂ થઈ હતી અને મામલો કાબૂ બહાર ગયો હતો. ઘાનાની ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ શકે એમ છે, જયારે મૉરોક્કોએ કૉમોરોસને ૨-૦થી હરાવીને પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ નિશ્ચિત બનાવ્યો હતો. માલવીએ ઝિમ્બાબ્વેને ૨-૧થી હરાવ્યું હતું.

sports sports news