૬૩મા પ્રયાસે ફ્રેન્ચ ખેલાડી કૉર્નેટનો ગ્રૅન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ

25 January, 2022 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોથા રાઉન્ડમાં અપસેટ સર્જતાં રોમાનિયાની સિમોના હેલપને ત્રણ સેટના રોમાંચક જંગમાં ૬-૪, ૩-૬, ૬-૪થી હરાવી

૬૩મા પ્રયાસે ફ્રેન્ચ ખેલાડી કૉર્નેટનો ગ્રૅન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ

મેલબર્નમાં ચાલી રહેલી વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે ફ્રાન્સની ૩૨ વર્ષની મહિલા ટેનિસ ખેલાડી એલિઝ કૉર્નેટના લાંબા ઇન્તેઝારનો અંત આવ્યો હતો. બે દિવસ પહેલાં જ પોતાનો ૩૨મો જન્મદિન મનાવનાર કૉર્નેટ ર ગ્રૅન્ડ સ્લૅમમાં ૬૩મા પ્રયાસે આખરે ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કૉર્નેટ ૧૭મી વાર ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહી છે.
ગઈ કાલે ચોથા રાઉન્ડમાં તેણે બે વખતની ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા અને ૨૦૧૮ની ઑસ્ટ્રેલિયન ઓપનની રનર-અપ રોમાનિયાની સિમોના હેલપને ત્રણ સેટની સંઘર્ષપૂર્ણ ટક્કરમાં ૬-૪, ૩-૬, ૬-૪થી પરાસ્ત કરીને તેનું સપનું સાકાર કર્યું હતું. કૉર્નેટે પહેલો સેટ આસાનાથી જીતી લીધો હતો અને બીજા સેટમાં પણ ૩-૧થી આગળ હતી, પણ ત્યાર બાદ હેલપે શાનદાર કમબૅક કરતાં સળંગ ૧૬ પૉઇન્ટ અને પાંચ ગેમ્સ જીતીને બીજો સેટ ૬-૩થી જીતીને બરોબરી કરી લીધી હતી. ત્રીજા અને નિર્ણાયક સેટમાં કૉર્નેટે ૬-૪થી જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 
૨૦૦૫થી કરી રહી હતી પ્રયાસ
કૉર્નેટે ૨૦૦૫ના વર્ષમાં ફેન્ચ ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા ગ્રૅન્ડ સ્લૅમમાં ડેબ્યુ કર્યું હતું. આ પહેલાં તે પાંચ-પાંચ વાર ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી, પણ એ પાંચ વાર તે હારી ગઈ હતી. ૨૦૨૨ની આ સીઝન તેની કરીઅરની આખરી સીઝન માનીને તેણે શરૂઆત કરનાર કૉર્નેટને આખરે સપનું સાકાર થતાં ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળતા મળી છે. જોકે જીત્યા બાદ તે કોર્ટમાં ઘૂંટણિયે બેસી પડી હતી અને સપનું સાકાર થયું હોવાનું માનવામાં તેને થોડો સમય લાગ્યો હતો. હવે ક્વૉર્ટર ફાઇનલમાં તેની ટક્કર ૨૭મી સીડેડ અમેરિકન ખેલાડી ડૅનીલ કૉલિન્સ સામે થશે. કૉલિન્સે ૧૯મી સીડેડ એલિસા માર્ટેન્સને ત્રણ મૅચના સંઘર્ષમાં ૪-૬, ૬-૪, ૬-૪થી પરાસ્ત કરી હતી. 
સપનું થયું સાકાર

જીત્યા બાદ કૉર્નેટે કોર્ટ પર જ આપેલા ટીવી-ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફરી પ્રયાસ કરવામાં ક્યારેય મોડું થતું નથી. આ મારો પ્રથમ જ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ છે. આ તો મારા માટે સપનું સાકાર થવા જેવું છે. સફર જળવાઈ રહેશે. જોકે મને તો હજીય વિશ્વાસ નથી બેસતો.’

પ્રથમ વાર બે કૅનેડિયનો ક્વૉર્ટરમાં

મેન્સ સિંગલ્સમાં ચોથા રાઉન્ડમાં વિજય મેળવીને ફેલિક્સ ઑગર-એલિયાસસિમી અને ડેનિસ શાપોવાલોવે ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે ઑસ્ટ્રેલિયન ઓપનમાં પ્રથમ વાર કૅનેડાના બે પુરુષ ખેલાડીઓ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઑગર-એલિયાસસિમીએ ગઈ કાલે મારીન સિલિકને ૨-૬, ૭-૬, ૬-૨, ૭-૬થી મહાત આપી હતી. જ્યારે શાપોવાલોવે રવિવારે જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્‍વેરેવને ૬-૩, ૭-૫, ૬-૩થી હરાવીને અપસેટ સરજ્યો હતો. શાપોવાલોવની ટક્કર આજે ૨૧મા ગ્રૅન્ડ સ્લૅમ જીતવા થનગની રહેલા રાફેલ નડાલ સામે થશે. જ્યારે ઑગર-એલિયાસસિમીની ટક્કર વર્લ્ડ નંબર ટૂ રશિયન ખેલાડી ડૅનિલ મેડવેદેવ સામે આવતી કાલે થશે. 
મેડવેડેવ, સ્વિયાટેક ક્વૉર્ટરમાં 
વર્લ્ડ નંબર ટૂ રશિયન ખેલાડી અને ગયા વખતના રનર-અપ ડૅનિલ મેડવેદડેવે પણ તેનો વિજયરથ જાળવી રાખતાં અમેરિકન ખેલાડી મૅક્સિમ ક્રેસી સામે ચાર સેટના સંઘર્ષમાં ૬-૨, ૭-૬, ૬-૭, ૭-૫થી વિજય મેળવ્યો હતો. મહિલા વિભાગમાં સાતમી સીડેડ ઇગા સ્વિયાટેકે રોમાનિયાની સોરાના કિર્સસ્ટીને ૫-૭, ૬-૩, ૬-૩થી મહાત આપીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

sports news sports