ફુટબૉલ-વિશ્વમાં ભારત કેટલું પાણીમાં?

27 November, 2022 06:46 PM IST  |  Mumbai | Ajay Motivala

જોકે ફુટબૉલમાં ભારતનું કોઈ નામોનિશાન નથી એવું નથી. એક સમયે એશિયામાં ભારતીય ફુટબૉલ ટીમ બેસ્ટ કહેવાતી હતી

ફુટબૉલ-વિશ્વમાં ભારત કેટલું પાણીમાં?

દર ચાર વર્ષે આવતો ફુટબૉલ કાર્નિવલ ચાલી રહ્યો છે જેને યજમાન દેશ કતારમાં તો લાખો પ્રેક્ષકો દરરોજ માણી જ રહ્યા છે. ભારતમાં ઘરોમાં, ઑફિસોમાં બેસીને અને ક્યાંક મેગા સ્ક્રીન પર કરોડો લોકો એક્સાઇટિંગ અને અપસેટવાળી મૅચો માણી રહ્યા છે. જોકે ન ગમે એવી સ્વીકારવા જેવી વાત એ છે કે ક્રિકેટના ત્રણ-ત્રણ વર્લ્ડ કપ અને હૉકી સહિત બીજી અનેક રમતોમાં સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચી ચૂકેલા ભારતની ફુટબૉલ-વિશ્વમાં બહુ ઓછી હાજરી છે. ફુટબૉલના ફિફા વર્લ્ડ કપમાં આપણે ક્વૉલિફાય પણ નથી થઈ શક્યા. વર્લ્ડ ફુટબૉલમાં ભારતનો રૅન્ક ૧૦૬ અને એશિયામાં ૧૯ છે.

જોકે ફુટબૉલમાં ભારતનું કોઈ નામોનિશાન નથી એવું નથી. એક સમયે એશિયામાં ભારતીય ફુટબૉલ ટીમ બેસ્ટ કહેવાતી હતી. ૧૯૫૦ના આખા દાયકામાં અને ૧૯૬૦ના શરૂઆતનાં વર્ષોમાં આપણો એશિયન ફુટબૉલમાં ગોલ્ડન પિરિયડ ચાલતો હતો. ત્યારે ભારત ૧૯૫૧ની અને ૧૯૬૨ની એશિયન ગેમ્સમાં ફુટબૉલમાં ચૅમ્પિયન બન્યું હતું અને ૧૯૫૬માં આપણે ફિફા દ્વારા આયોજિત સમર ઑલિમ્પિક્સમાં ચોથા નંબર પર આવ્યા હતા. ભારત ત્યારે સેમી ફાઇનલ સુધી પહોંચનારો પ્રથમ એશિયન દેશ બન્યો હતો, જેમાં આપણે યુગોસ્લાવિયા સામે હારી ગયા હતા. નેવિલ ડિસોઝા, નૂર મોહમ્મદ, તુલસીદાસ બલરામ, મોહમ્મદ અબ્દુસ સલામ, નિખિલ નન્દી, જે. ક્રિષ્નસ્વામી, પ્રદીપ બૅનરજી વગેરે આપણા એ સમયના ટોચના ફુટબોલર્સ હતા.

ભૂટિયાએ ભારતનું નામ ઉજાળ્યું

૨૦૦૨ના ફિફા વર્લ્ડ કપના ક્વૉલિફાઇંગના પ્રથમ રાઉન્ડની પહેલી મૅચમાં આપણે યુએઈને ૧-૦થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. એ પહેલાં, ૧૯૯૫માં બાઇચુન્ગ ભૂટિયાના ડેબ્યુ પછી એશિયન ફુટબૉલમાં આપણે ઘણી પ્રગતિ કરી હતી. સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (સાફ) ચૅમ્પિયનશિપમાં આપણે ૮ વાર ચૅમ્પિયન થયા છીએ. સાઉથ એશિયન ગેમ્સના પણ ત્રણ ગોલ્ડ મેડલ આપણી પાસે છે. એશિયામાં પર્ફોર્મન્સ સુધારતા રહીને આપણે એક દિવસ વિશ્વ ફુટબૉલ સુધી પહોંચી શકીશું.

સ્ટાર ખેલાડીઓમાં છેત્રી સુપર્બ

૧૯૫૦ના ભારતના ગોલ્ડન એરાથી જોઈએ તો શેઉ મેવાલાલ, ચુની ગોસ્વામી (જેમનું દોઢ વર્ષ પહેલાં ૮૨ વર્ષની વયે અવસાન થયું), પી. કે. બૅનરજી, સૈયદ નઇમુદ્દીન, પીટર થન્ગારાજ વગેરે સ્ટાર ખેલાડીઓ બાદ એમ. વિજયન અને બાઇચુન્ગ ભૂટિયાએ ભારતને ખાસ કરીને એશિયન સ્પર્ધાઓમાં સિદ્ધિઓ અપાવી છે. તેના પછી થોડાં વર્ષોથી સુનીલ છેત્રી ભારતીય ટીમની કમાન સંભાળે છે. ૮૪ આંતરરાષ્ટ્રીય ગોલ કરી ચૂકેલો સુનીલ છેત્રી ઇન્ટરનૅશનલ ગોલસ્કોરર્સમાં વર્તમાન ખેલાડીઓમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી પછી ત્રીજા નંબરે છે અને તેની એ ઉપલબ્ધિ ભારતના અત્યાર સુધીના તમામ ખેલાડીઓમાં સર્વોત્તમ કહી શકાય.

sports news football