08 October, 2024 11:58 AM IST | India | Gujarati Mid-day Correspondent
ઍથ્લીટ દીપા કર્માકર
ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા જિમ્નૅસ્ટ બનીને ઇતિહાસ સર્જનાર અનુભવી ઍથ્લીટ દીપા કર્માકરે ગઈ કાલે નિવૃત્તિ જાહેર કરી હતી. તે રિયો ઑલિમ્પિક્સ ૨૦૧૬માં ચોથા સ્થાને રહીને ૦.૧૫ પૉઇન્ટથી મેડલ ચૂકી ગઈ હતી. અગરતલાની વતની દીપાને પોતાની કરીઅરમાં અનેક ઈજાઓ અને સર્જરી સહિતના પડકારોનો સામનો કરવો પડ્યો છે. પ્રતિબંધિત પદાર્થના સેવન બદલ તેના પર ૨૦૨૩ સુધી બે વર્ષનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.
અર્જુન પુરસ્કાર, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અને પદ્મશ્રીથી સન્માનિત ૩૧ વર્ષની દીપાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘ઘણા વિચાર પછી મેં સ્પર્ધાત્મક જિમ્નૅસ્ટિક્સમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ સરળ નિર્ણય નથી, પરંતુ મને લાગે છે કે આ યોગ્ય સમય છે. જિમ્નૅસ્ટિક્સ મારા જીવનનું કેન્દ્ર રહ્યું છે અને હું ઉતાર-ચડાવ અને વચ્ચેની દરેક ક્ષણ માટે આભારી છું. આશા છે કે જીવનના અમુક તબક્કે કોચ બનીને રમતમાં પાછી ફરીશ અથવા ભારતના જિમ્નૅસ્ટની આગામી પેઢીની સમર્થક બની શકું.’