ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સને ઝટકો : બેન્ઝેમા વર્લ્ડ કપની બહાર

21 November, 2022 12:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્ટાર પ્લેયર કરીમ બેન્ઝેમા ડાબી સાથળના સ્નાયુના દુખાવાને કારણે વર્લ્ડ કપમાં નહીં રમે

કરીમ બેન્ઝેમા

છેલ્લે ૨૦૧૮માં યોજાયેલા ફિફા વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનેલા ફ્રાન્સને ગઈ કાલે વિશ્વકપની શરૂઆત પહેલાં જ મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર પ્લેયર કરીમ બેન્ઝેમા ડાબી સાથળના સ્નાયુના દુખાવાને કારણે વર્લ્ડ કપમાં નહીં રમે. સર્વશ્રેષ્ઠ ખેલાડી બદલ ગોલ્ડન બૉલ અવૉર્ડ જીત્યાના ગણતરીના જ દિવસો બાદ તેને હવે વર્લ્ડ કપમાં ફ્રાન્સ વતી ટ્રોફી-વિનિંગ પર્ફોર્મ કરવાની આશા હતી, પરંતુ એના પર પાણી ફરી વળ્યું છે. બેન્ઝેમા ૨૦૧૮નો વિશ્વકપ પણ નહોતો રમી શક્યો.

બેન્ઝેમાને શનિવારે ટ્રેઇનિંગ સેશન દરમ્યાન આ ઈજા થઈ હતી. પ્રોફેશનલ લીગમાં રિયલ મૅડ્રિડ વતી રમતા બેન્ઝેમાની સાથળનું દોહામાં સ્કૅન કરાવાતાં એમાં તેને ગંભીર ઈજા હોવાનું જણાયું હતું અને ડૉક્ટરની સલાહને આધારે તેણે વર્લ્ડ કપની બહાર થઈ જવાનો નિર્ણય લીધો હતો.

બેન્ઝેમાએ પછીથી પત્રકારોને કહ્યું કે ‘હું જિંદગીમાં ક્યારેય હિંમત નથી હાર્યો અને છેક સુધી આશા નથી છોડી, પણ અત્યારે મેં ટીમના હિતમાં નિર્ણય લીધો છે. મને આશા છે કે મારા સ્થાને જે પ્લેયરને રમાડવામાં આવશે તે વર્લ્ડ કપને યાદગાર બનાવવામાં ફ્રાન્સને મદદરૂપ થશે.

આવતી કાલે ગ્રુપ ‘ડી’માં ફ્રાન્સની ઑસ્ટ્રેલિયા સામે અને ત્યાર બાદ ડેન્માર્ક તથા ટ્યુનિશિયા સામે મૅચ રમાશે.

sports news sports footpath