મૅન્ચેસ્ટર યુનાઇટેડ રોનાલ્ડો વિના, રિવ્યુના વિવાદ વચ્ચે જીતીને ચોથા રાઉન્ડમાં

12 January, 2022 12:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ઍસ્ટન વિલા સામે ૧-૦થી વિજય

સોમવારે મૅન્ચેસ્ટરમાં ઍસ્ટન વિલાના મૅટ ટાર્ગેટે (જમણે) જાણે ફુટબૉલને નહીં, પણ મૅન્ચેસ્ટર યુનાઇટેડના ડિયોગો ડાલોટ (ડાબે)ને કિક મારી હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું. આ મૅચ યુનાઇટેડે ૧-૦થી જીતી લીધી હતી. (તસવીર : એ.પી.)

૧૫૧ વર્ષ જૂની ઇંગ્લૅન્ડની ફુટબૉલ સ્પર્ધા એફએ કપ (ફુટબૉલ અસોસિએશન કપ)માં સોમવારે મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ની ટીમ ઈજાગ્રસ્ત ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વગર તેમ જ વિડિયો અસિસ્ટન્ટ રેફરી (વીએઆર)ના વિવાદ વચ્ચે મૅન્ચેસ્ટરમાં ઍસ્ટન વિલાને સંઘર્ષપૂર્ણ મૅચમાં ૧-૦થી હરાવીને ચોથા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.
એકમાત્ર ગોલ ૮મી મિનિટે
૮મી મિનિટે સ્કૉટ મૅક્ટૉમિનેએ હેડરથી કરેલા ગોલ બાદ આખી મૅચમાં બીજો એકેય ગોલ નહોતો થયો અને એમયુએ ૫૩ પૉઇન્ટ સાથે મોખરે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. ચેલ્સી (૪૩) બીજા નંબર પર અને લિવરપુલ (૪૨) ત્રીજે છે. 
ઍસ્ટન વિલાની ટીમને ઑફસાઇડના કારણસર રેફરીએ બે ગોલ નકાર્યા હતા. આને કારણે મૅચ થોડી વિવાદાસ્પદ બની હતી.
આફ્રિકા કપમાં ઝિમ્બાબ્વે હાર્યું
આફ્રિકા કપ ઑફ નેશન્સમાં સોમવારે સેનેગલે ઝિમ્બાબ્વેને ૧-૦થી હરાવ્યું હતું. સેડ્યો મેનેએ ૯૭મી મિનિટે પેનલ્ટીના ગોલથી સેનેગલને જિતાડ્યું હતું. બીજી મૅચમાં મૉરોક્કોએ ઘાનાની ચડિયાતી ટીમને ૮૩મી મિનિટના ગોલથી ૧-૦થી હરાવ્યું હતું.

sports sports news