ફ્રાન્સ સામે ૬-૪થી જીતીને ઇંગ્લૅન્ડ પહેલી વખત ત્રીજા ક્રમની મૅચ જીત્યું

20 July, 2026 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વખત ત્રીજા ક્રમ માટેની મૅચમાં ૧૦ ગોલ થયા, ૬-૪ની સ્કોરલાઇન વર્લ્ડ કપ ઇતિહાસમાં પ્રથમ વાર જોવા મળી

બ્રૉન્ઝ મેડલ સાથે જીતની ઉજવણી કરતી ઇંગ્લૅન્ડની ટીમ

ગઈ કાલે માયામી સ્ટેડિયમમાં ફુટબૉલ વર્લ્ડ કપ 2026ની ત્રીજા ક્રમ માટેની ઐતિહાસિક મૅચ રમાઈ હતી. ઇંગ્લૅન્ડની ટીમે ૬-૪થી ફ્રાન્સ સામે જીત નોંધાવીને પહેલી વખત ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. એક માત્ર ૧૯૬૬માં ટાઇટલ જીત્યા બાદ ઇંગ્લૅન્ડનું બીજું સૌથી સફળ અભિયાન છે.

૧૯૯૮ અને ૨૦૧૮ની ચૅમ્પિયન ટીમ ફ્રાન્સ ચોથી વખત બ્રૉન્ઝ મેડલ મૅચ રમી રહ્યું હતું. તેઓ અગાઉ ૧૯૫૮માં જર્મની અને ૧૯૮૬માં બેલ્જિયમ સામે મેડલ જીત્યાં હતાં, જ્યારે ૧૯૮૨માં પોલૅન્ડ સામે હારી ગયા હતા. ઇંગ્લેન્ડ ત્રીજી વખત બ્રૉન્ઝ મેડલ મૅચ રમી રહ્યું હતું. તેઓ અગાઉ ૧૯૯૦માં ઇટલી અને ૨૦૧૮માં બેલ્જિયમ સામે બ્રૉન્ઝ મેડલ મૅચ હારી ગયા હતા.

૬-૪ની સ્કોરલાઇન મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલી વખત જોવા મળી છે. આ રોમાંચક ૧૦ ગોલની મૅચ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર કરનારી ત્રીજા સ્થાનની મૅચ બની હતી. અગાઉ ૧૯૫૮ના વર્લ્ડ કપની ત્રીજા ક્રમ માટેની મૅચમાં ૯ ગોલ થયા હતા જેમાં ફ્રાન્સે ૬-૩થી જર્મની સામે જીત નોંધાવી હતી. 

જૂડ બેલિંગમ એક જ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો

ઇંગ્લૅન્ડના મિડફીલ્ડર જૂડ બેલિંગમે ફ્રાન્સ સામે ત્રીજા સ્થાન માટે પ્લેઑફ મૅચમાં સ્ટૉપેજ ટાઇમમાં ૯૮મી મિનિટે ગોલ કર્યો હતો. તે એક જ મેન્સ વર્લ્ડ કપમાં ૭ ગોલ કરનાર પ્રથમ ઇંગ્લૅન્ડનો ખેલાડી બન્યો છે. આ ૨૩ વર્ષના ખેલાડીએ ૧૯૮૬માં ગેરી લિનેકર દ્વારા બનાવેલા છ ગોલના અગાઉના રેકૉર્ડને તોડી નાખ્યો હતો. ૨૦૧૮ અને ૨૦૨૬માં વર્તમાન કૅપ્ટન હૅરી કેને પણ ૬-૬ ગોલ કરીને આ રેકૉર્ડની બરાબરી કરી હતી.

એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ અસિસ્ટ કરવાનો પેલેનો રેકૉર્ડ તોડ્યો ફ્રાન્સના માઇકલ ઓલિસે

ફ્રાન્સના માઇકલ ઓલિસે વર્લ્ડ કપ ૨૦૨૬માં ૭ ગોલ અસિસ્ટ સાથે એક જ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ અસિસ્ટનો નવો રેકૉર્ડ બનાવ્યો છે. આ ૨૪ વર્ષના ખેલાડીએ બ્રાઝિલના દિવંગત ફુટબૉલર પેલેનો ૧૯૭૦નો રેકૉર્ડ તોડ્યો છે. પેલેએ બ્રાઝિલના એ વિજયી અભિયાન દરમ્યાન છ ગોલમાં અસિસ્ટ એટલે કે ગોલ કરવામાં મદદ કરી હતી.

૫૬ વર્ષમાં એક જ વર્લ્ડ કપમાં ૧૦ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો કિલિયન એમ્બાપ્પે

ફ્રાન્સનો કૅપ્ટન અને ફૉર્વર્ડ ખેલાડી કિલિયન એમ્બાપ્પેએ ત્રીજા સ્થાન માટેની મૅચમાં ૪૮ અને ૬૬મી મિનિટે ગોલ કરીને મોટી સિદ્ધિ મેળવી હતી. આ વર્લ્ડ કપમાં ૧૦ ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ વધી ગયો હતો. તેણે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ બાવીસ ગોલ નોંધાવીને ફાઇનલ મૅચ પહેલાં લીઅનમ મેસીના ૨૧ ગોલના રેકૉર્ડને તોડ્યો હતો. છેલ્લે ૫૬ વર્ષ પહેલાં ૧૯૭૦માં જર્મનીના ગેર્ડ મુલરે એક વર્લ્ડ કપમાં ૧૦ ગોલ કર્યા હતા. ૧૯૫૪માં હંગેરીના સૅન્ડોર કોક્સિસે ૧૧ ગોલ અને ૧૯૫૮માં ફ્રાન્સના જસ્ટ ફૉન્ટેને સૌથી વધુ ૧૩ ગોલ નોંધાવ્યા હતા. 

સૌથી વધુ વખત ત્રીજા ક્રમે રહેનારી ટીમો કઈ?

જર્મનીની ટીમે સૌથી વધુ ચાર વખત ફુટબૉલ વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહીને પોતાનું અભિયાન સમાપ્ત કર્યું છે. બ્રાઝિલ, ફ્રાન્સ, સ્વીડન, ક્રોએશિયા અને પોલૅન્ડ બે-બે વખત ત્રીજા સ્થાને રહેવામાં સફળ રહ્યું છે. ઑસ્ટ્રેલિયા, ચીલી, પોર્ટુગલ, ઇટલી, ટર્કી, નેધરલૅન્ડ્સ, બેલ્જિયમ, અમેરિકા અને હવે ઇંગ્લૅન્ડ એક-એક વખત ત્રીજા ક્રમની મૅચ જીતવામાં સફળ રહ્યું છે.

સૌથી વધુ ગોલ કઈ મૅચમાં થયા હતા?

મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલવાળી મૅચોમાં આ મૅચ જૉઇન્ટલી ત્રીજા ક્રમે છે. ૧૯૫૪માં સૌથી વધુ ૧૨ ગોલવાળી મૅચ યોજાઈ હતી જેમાં ઑસ્ટ્રિયાએ ૭-૫થી સ્વિટ્ઝરલૅન્ડ સામે જીત નોંધાવી હતી.

ત્રણ વખત ૧૧ ગોલવાળી મૅચ રમાઈ છે. ૧૯૩૮માં બ્રાઝિલે ૬-૫થી પૉલૅન્ડ, ૧૯૫૪માં  હંગેરીએ જર્મની સામે ૮-૩ અને ૧૯૮૨માં હંગેરીએ સેલ્વાડોર સામે ૧૦-૧થી જીત નોંધાવી હતી. અગાઉ ૧૦ ગોલવાળી મૅચ ૧૯૫૮માં ફ્રાન્સ અને પૅરાગ્વે વચ્ચે રમાઈ હતી જેમાં ફ્રાન્સે ૭-૩થી જીત નોંધાવી હતી.

fifa world cup england france football sports sports news